સીક્રેટ સુપરસ્ટાર જોઈને કોઈએ મને ઍક્શન કરતાં કલ્પી પણ નહીં હોય:મહેર વીજ

28 February, 2020 03:09 PM IST  |  Mumbai Desk | Parth Dave

સીક્રેટ સુપરસ્ટાર જોઈને કોઈએ મને ઍક્શન કરતાં કલ્પી પણ નહીં હોય:મહેર વીજ

ઍક્શન-થ્રિલર ફિલ્મો માટે જાણીતા ડિરેક્ટર નીરજ પાંડેની વેબ-સિરીઝ ‘સ્પેશ્યલ ઓપીએસ’નું ટ્રેલર તાજેતરમાં રિલીઝ થયું છે. શોમાં ૨૦૦૧માં સંસદ પર તેમ જ ૨૦૦૬ અને ૨૦૦૮માં મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલાના ગુનેગારોને શોધવાનું મિશન પાર પાડવામાં આવશે. ૮ એપિસોડની આ સિરીઝમાં કેકે મેનન, કરણ ટેકર, શરદ કેળકર, દિવ્યા દત્તા, મહેર વીજ વગેરે કલાકારો છે. કેકે મેનન રૉ એજન્ટ હિંમત સિંહના રોલમાં છે જે મિશન માટે જાંબાઝ એજન્ટની ટીમ તૈયાર કરે છે. આ ટીમમાં અભિનેત્રી મહેર વીજ પણ ઇન્ટેલિજન્સ એજન્ટ તરીકે જોવા મળશે.

‘બજરંગી ભાઈજાન’ અને ‘સીક્રેટ સુપરસ્ટાર’ જેવી ફિલ્મો માટે જાણીતી મહેર વીજનું કહેવું છે કે ‘સીક્રેટ સુપરસ્ટારની સફળતા બાદ કોઈએ મને ઍક્શન-સીન ભજવતાં કલ્પી નહીં હોય. હું ખુશ છું કે મને જુદા પ્રકારનો રોલ કરવા મળ્યો.’

આ ઍક્શન-પૅક્ડ શો માટે મહેરે ત્રણ મહિના સુધી માર્શલ-આર્ટ અને વેઇટલિફ્ટિંગની ટ્રેઇનિંગ લીધી હતી. કોઈ પણ ઍક્શન-સીન શૂટ થાય એના ૧૫ દિવસ પહેલાંથી જ એની પ્રૅક્ટિસ કરવામાં આવતી. મહેર તાજેતરમાં રિલીઝ થયેલી ‘ભૂત ઃ ધ હૉન્ટેડ શિપ’માં પણ જોવા મળી છે.

૧૭ માર્ચે રિલીઝ થનારી ‘સ્પેશ્યલ ઓપીએસ’ નીરજ પાંડેનો અતિમહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે અને ઇન્ડિયન ઇન્ટેલિજન્સ પર રિસર્ચ કરીને આ શો તૈયાર કરવામાં આવ્યો છે.

television news entertainment news parth dave