Exclusive Rupal Patel: ખાલી કૂકર-ચણાના ટ્રેન્ડ અંગે કોકિલાબેને કહ્યું આ

26 August, 2020 11:36 PM IST  |  Mumbai | Chirantana Bhatt

Exclusive Rupal Patel: ખાલી કૂકર-ચણાના ટ્રેન્ડ અંગે કોકિલાબેને કહ્યું આ

રુપલ પટેલ

આમ તો સાથ નિભાના સાથિયા સિરિયલને બંધ થયાને ત્રણ વર્ષ થઇ ગયા છે પણ યશરાજ મુખાતેએ બનાવેલા એક ફની વીડિયોને કારણે આ સિરિયલનો એક સીન અને ખાસ કરીને કોકિલાબહેન જેવી ઠસ્સાદાર, મેટ્રિઆર્કલ સાસુનું પાત્ર ભજવનાર અભિનેત્રી રૂપલ પટેલ ચર્ચામા છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે રૂપલ પટેલ સાથે એક્સક્લુઝિવ વાત કરી અને તેમને પૂછ્યું કે અચાનક જ ચર્ચામાં આવી ગયેલું ખાલી કૂકર, રસોડે મેં કૌન થા?ના એ ગંભીર, ગુસ્સાવાળા સીનની આ રમુજ અંગે તેમને કેવું લાગે છે.

જ્યારે નણંદએ મોકલ્યો ફની વીડિયો અને રૂપલ પટેલને થયો આ સવાલ

સિરીયલમાં તો ભારેખમ એક્સપ્રેશન્સ અને મોટે ભાગે ગુસ્સામાં રહેતા પાત્રથી તદ્દન વિપરીત એવાં રૂપલ પટેલે કહ્યું કે, “હું તો બહુ જ બ્લેસ્ડ ફીલ કરું છું. જે શૉને બંધ થયે ત્રણ વર્ષ થઇ ગયા છે એનું આ રીતે ચર્ચામાં આવવું ખરેખર ઇશ્વર, મારા ગુરુ અને મારા વડીલોના આશિર્વાદ જ હોયને વળી. શૉમાં આ સીન ટર્નિંગ પોઇન્ટ હતો અને મેં બહુ જ ગંભીરતાથી ભજવ્યો હતો. કૂકરનું ફાટવું કોકિલા માટે જીવલેણ સાબિત થઇ શકત અને માટે જ ખાલી કૂકર કોણે ગેસ પર ચઢાવ્યુંનો પ્રશ્ન એ સીનનો સળગતો પ્રશ્ન હતો.” રૂપલ પટેલે આ વાઇરલ થયેલા વીડિયો વિશે જે રીતે જાણ્યું તે પણ મજાની વાત છે. તેઓ શૂટ પરથી ઘરે જઇને ઘરકામમાં પોતાને ત્યાં કામ કરનારા બહેનને મદદ કરી રહ્યાં હતાં. તેઓ અમુક કોમ્યુનિકેશન માટે તેમને ત્યાં કામ કરતા બહેનનો ફોન પણ વાપરતાં હોય છે. એવામાં વૉટ્સએપ્પ પર તેમનાં નણંદે તેમને યશરાજ મુખાતેએ બનાવેલો વીડિયો મોકલ્યો. રૂપલ પટેલ કહે છે, “મેં એ વીડિયો જોયો તો બે-ત્રણ સેકન્ડ માટે તો મને થયું કે આ સીન કેમ આમ લાગે છે, મેં તો બહુ ગંભીરતાથી ભજવ્યો હતો અને પછી મેં યશરાજને વીડિયોમાં જોયા અને મને રિયલાઇઝ થયું. આ રમુજી રિક્રિએશન પર હું એટલું હસી છું કે ન પૂછો ને વાત. મેં તો પછી યશરાજનો નંબર શોધી એની સાથે ય વાત કરી અને એને આ ક્રિએશન માટે થેંક્યુ કહ્યું. આ એક સીન જોઇને લોકોને રમુજ મળતી હોય, તેમના ચહેરા પર સ્માઇલ આવતું હોય તો એનાથી વધારે સંતોષ એક એક્ટર તરીકે મારે માટે શું હોઇ શકે?”

શ્યામ બેનેગલની હિરોઇનથી સાથિયાનાં સાસુ સુધીની સફર

મૂળ મુંબઇનાં અને અંધેરીમાં સંયુક્ત પરિવારમાં ઉછરેલા રૂપલ પટેલે કૉલેજમાં હતા ત્યારે ઘણી નાટ્ય સ્પર્ધાઓમાં ભાગ લેતા અને એક તબક્કે પિતાએ કહ્યું કે તેમને અભિનયમાં રસ હોય તો એમાં જ આગળ વધવું જોઇએ. નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં અભ્યાસ કર્યા પછી શ્યામ બેનેગલને ફોન કરીને મળવા ગયેલા રૂપલે આંતરનાદ ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરી. તેમણે સઇ પરાંજપે સાથે પણ કામ કર્યું. સુરજ કા સાતવાં ઘોડા, પપીહા અને મમ્મો જેવી સમાંતર પ્રવાહની ફિલ્મો કરનારા રૂપલ પટેલ ફિલ્મોમાં કામ કરવાનું મિસ નથી કરતા અને શા માટે તેમણે ટેલિવિઝન તરફ વળાંક લીધો તે સવાલના જવાબમાં તે નિખાલસતાથી કહે છે, “ફિલ્મો કરી અને ત્યાં મને જ્યારે એક ટેલિવિઝન શૉ ઑફર થયો અને એમાં કામ કરવાની શરૂઆત કરી ત્યાં તો જાણે એક પછી એક રોલ્સ આવતા ગયા. આ તમામ રોલ્સ મજબુત હતા અને મને એક્ટર તરીકે લાગ્યું કે હું આ પાત્રો ભજવીને ઇવોલ્વ થઇ શકીશ, મારામાં એક એક્ટર તરીકે કંઇક ઉમેરી શકીશ અને દર્શકોની રસને પણ ન્યાય આપી શકીશ. બસ આ રીતે ટેલિવિઝન સિરીયલનો સિલસિલો શરૂ થયો. સાવ ખુલ્લા દિલે કહું તો હું પરફેક્ટ ફિગર નથી ધરાવતી, મને નથી લાગતું કે હું અપ્રતિમ રીતે દેખાવડી છું અને ફિલ્મોમાં મને જો રોલ ઑફર થાય એ હું જે ટેલિવિઝન પર કરું છું એ પાત્રો જેવો જ હોય તો પછી એ કરવાનો શું અર્થ? કામ માગવા જવાનો સંકોચ અને સાથે ટેલિવિઝન પર કામ કરીને મળતો સંતોષ, પ્રેમ અને દર્શકોની ચાહના બંન્ને કામ કરી ગયાં. મને કોઇ જ અફસોસ નથી કે એમ નથી લાગતું કે હું કંઇ મિસ કરું છું. ગુજરાતી ફિલ્મો અને નાટકો બંન્ને માટે ઑફર્સ તો આવી છે પણ ડેઇલ સોપમાં હોઇએ ત્યારે સામટી રજાઓ ન મળે, શૉ કે શૂટિંગ માટે ટ્રાવેલ કરવાનું હોય તો પણ ન થઇ શકે એટલે એવું કંઇ જ હાથમાં નથી લીધું.”

એક્ટરે પણ સીનમાં પ્રસંગ સાચવવાનો હોય છે

ડેઇલી સોપમાં ઘણીવાર ગળે ન ઉતરે એવી રીતે પાત્રો રચાય છે તે અંગે રૂપલ પટેલનું કહેવું છે કે, “હું પોતે સંયુક્ત કુટુંબમાં ઉછરી છું અને મેં મારા ભાભુ કે નાની કે દાદીને પોતાની વહુઓને નામથી અને પાછળ વહુ શબ્દ લગાડીને બોલતાં સાંભળ્યા છે. ઘણી બાબતો આપણા કલ્ચરમાં હોય જ છે વળી ટેલિવિઝન સિરીયલ્સ જ્યાં વધુ જોવામાં આવે છે ત્યાં તો હજી પણ અમુક પરંપરાગત શૈલીમાં જ બધું બોલાય છે. વળી આપણે વડીલોને બોલતાં સાંભળ્યા છે કે પ્રસંગ સાચવી લેવો, હું એક એક્ટર તરીકે  સારી રીતે સીન ભજવાય એને પ્રસંગ સાચવવો જ ગણું છું.” રૂપલ પટેલ રિયલ લાઇફમાં પોતાના રીલ પાત્રોથી સાવ અલગ છે. તેમનાં મતે તેમને મળનારા દરેક વયના લોકો સાથે તેઓ હંમેશા એક દ્રષ્ટાંત તરીકે જ કનેક્ટ થવાનો પ્રયાસ કરતાં હોય છે. રિયલ લાઇફમાં દીકરી, બહેન, પત્ની અને માતા બધા જ રોલ ભજવનારા રૂપલ જરૂર પડ્યે બાંધ-છોડ  કરવામાં ય ખચકાતા નથી.

કરન્ટ શોના પ્રોડ્યુસર થયા ખુશ-ખુશાલ

તેમની આસાપાસ નાં લોકોનું આ ટ્રેન્ડને લઇને શું માનવું છે તે અંગે તેઓ જણાવે છે કે, “રાધાકૃષ્ણ દત્ત, મારા લાઇફ પાર્ટનર જે બહુ જાણીતા એક્ટર છે અને શ્રીકૃષ્ણા જેવી સિરિયલ્સથી માંડીને ચક્રવ્યુહ અને અપહરણ જેવી ફિલ્મોમાં તેમણે અભિનય કર્યો છે. એ એક્ટર તરીકે આ ટ્રેન્ડને કારણે તે તો ક્લાઉડ નાઇન પર છે જ અને સાથે મારો દીકરો જે એન્જિનિયર છે અને અત્યારે કેમ્પસ પ્લેસમેન્ટમાં બિઝી છે તે પણ બહુ ખુશ છે.” તેમણે ખાસ કરીને પોતાના શો યે રિશ્તે હૈં પ્યાર કેના પ્રોડ્યુસર રાજન શાહીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “આ સીન બીજા શોનો છે, જેની સાથે તેમને નિસબત નથી છતાં ય તેમણે મને કૉલ કર્યો અને એ એટલા એક્સાઇટેડ હતા. હું તેમના શોની એક્ટર છું એ જ બાબત એમને માટે મૅટર કરે છે, એ એટલા ખુશ હતા, ક્લાઉડ નાઇન પર કે હું તો ઇમોશનલ જ થઇ ગઇ.”  એક તરફ છે ‘સાથિયા...’ની કોકિલા તો બીજા તરફ છે ‘યે રિશ્તે હૈં...’ની મીનાક્ષી રાજવંશ, આવા મેટ્રિઆર્કલ પાત્રો ભજવનાર  રૂપલને તેમનાં પાત્રોનું બળ અને તેનો ગ્રાફ બહુ જ આકર્ષે છે અને તેઓ હંમેશા દર્શકોને પસંદ આવે તેવાં અને વધુ બહેતર પાત્રો ભજવવા માગે છે. તેમને વાંચનનો બહુ જ શોખ છે અને સોશ્યલ મીડિયાથી દૂર રહીને તેઓ પોતાના એક્ટર તરીકેના ક્રાફ્ટને જ ફૉકસ કરવા માગે છે. તેઓ કહે છે, “મારે મારા ધ્યેયથી વિચલિત નથી થવું. હું મારો મેકઅપ જાતે કરું છું, મને મારા પાત્ર માટે તૈયાર થતા 30 મિનિટ થાય છે અને પછી એક વાર હું સેટ પર હોઉં પછી મને મારું ધ્યા કશેય વહેંચાય એ પસંદ નથી હોતું, હું મારે જે ભજવવાનું હોય તેમાં જ ઓતપ્રોત થઇ જાઉં છું.”

television news indian television entertainment news viral videos