ફિલ્મ-રિવ્યુ - ધ સ્કાય ઇઝ પિંક - ઇમોશન કે સાથ મેલોડ્રામા

12 October, 2019 01:01 PM IST  |  મુંબઈ | હર્ષ દેસાઈ

ફિલ્મ-રિવ્યુ - ધ સ્કાય ઇઝ પિંક - ઇમોશન કે સાથ મેલોડ્રામા

ધ સ્કાય ઇઝ પિંક

પ્રિયંકા ચોપડા જોનસ ત્રણ વર્ષ બાદ બૉલીવુડમાં તેની નવી ફિલ્મ ‘ધ સ્કાય ઇઝ પિંક’ લઈને આવી છે. તેણે છેલ્લે ૨૦૧૬ની ચાર માર્ચે આવેલી પ્રકાશ ઝાની ‘જય ગંગાજલ’માં કામ કર્યું હતું. ફરહાન અખ્તર સાથે તેની આજે ‘ધ સ્કાય ઇઝ પિંક’ રિલીઝ થઈ રહી છે જેને તેણે પ્રોડ્યુસ પણ કરી છે. પ્રિયંકા અને ફરહાનની સાથે ફિલ્મમાં ઝાયરા વસીમ અને રોહિત સુરેશ સરાફે કામ કર્યું છે.

ફિલ્મની સ્ટોરી કોઈ ફિક્શન નથી, પરંતુ રિયલ લાઇફ આયેશા ચૌધરીની છે. ‘માર્ગરિટા વિથ અ સ્ટ્રૉ’, ‘ચિત્તાગૉન્ગ’ અને ‘અમુ’ જેવી ફિલ્મો બનાવનાર શોનાલી બોઝે આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. ‘માર્ગરિટા વિથ અ સ્ટ્રૉ’ જેવી ફિલ્મ બનાવ્યા બાદ શોનાલી પાસે આ ફિલ્મને લઈને ઘણી આશા રાખવામાં આવી હતી. જોકે મહદ અંશે એ ખરી પણ ઊતરી છે.

ફિલ્મની સ્ટોરી રિયલ લાઇફ આયેશા ચૌધરીની છે જેનું પાત્ર ઝાયરાએ ભજવ્યું છે. તેની મમ્મી અદિતિનું પાત્ર પ્રિયંકાએ જેને તે મૂઝ કહીને બોલાવે છે, પપ્પા નિરેનનું પાત્ર ફરહાને જેને તે પાંડા કહીને બોલાવે છે અને ભાઈ ઈશાનનું પાત્ર રોહિતે ભજવ્યું છે જેને તે જિરાફ કહીને બોલાવે છે. આ ફિલ્મની સ્ટોરી ઝાયરાના પૉઇન્ટ ઑફ વ્યુથી કહેવામાં આવી છે.

‘સેક્રેડ ગેમ્સ’માં પણ ગણેશ ગાયતોન્ડેના મૃત્યુ બાદ તેની સ્ટોરી કહેવામાં આવી હોય અને એના પર બે સીઝન બની ગઈ હોય તો પછી મૃત્યુ પામેલી વ્યક્તિના ઍન્ગલથી સ્ટોરી કહેવામાં કોઈ વાંધો નથી. જોકે અહીં સ્ટોરી એકતરફી થઈ ગઈ છે જે ‘માર્ગરિટા વિથ અ સ્ટ્રૉ’માં જોવા નહોતું મળ્યું. આયેશાના ઍન્ગલ પરથી સ્ટોરી તો દેખાડવામાં આવે છે, પરંતુ તે કેવા પેઇનમાંથી પસાર થઈ રહી છે એ વધુ સારી રીતે દેખાડી શકાયું હોત. એના કરતાં ફિલ્મમાં તેનાં માતા-પિતાની લાઇફ અને એમાં પણ વાત-વાતમાં સેક્સ-લાઇફને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે. જો એક ઍન્ગલથી જ સ્ટોરી દેખાડવી હોત તો એના પર ફિલ્મ બનાવવા કરતાં તેની બુક અથવા તો તેની લાઇફની સ્ટોરી ગૂગલ પર વાંચી લેવામાં વાંધો શું હતો?

અદિતિ અને નિરેનનું ત્રીજું બાળક આયેશા હોય છે. તેમની પહેલી દીકરી પલ્મનરી ફાઇબ્રોસિસને કારણે મૃત્યુ પામી હોય છે. ત્યાર બાદ ઈશાનનો જન્મ થાય છે અને અદિતિ ફરી પ્રેગ્નન્ટ થાય છે. નિરેન અને અદિતિને ખબર હોય છે કે તેમના શરીરમાં એક એવું જીન છે જેના કારણે તેમનું બાળક બીમારી સાથે જન્મ લેવાની શક્યતા વધુ છે. એમ છતાં અદિતિ ત્રીજા સંતાન દીકરીને જન્મ આપે છે અને આયેશા પલ્મનરી ફાઇબ્રોસિસ સાથે જન્મ લે છે. આ બીમારી માટે તેમની પાસે પૈસા નથી હોતા અને લંડનમાં તેનો ઇલાજ કરવામાં આવે છે. લંડનના એક રેડિયો સ્ટેશનમાંથી મદદ માટે અપીલ કરવામાં આવે છે અને તેમને પૈસાની મદદ જરૂરિયાત કરતાં વધુ મળે છે. ઇન્ફેક્શનને કારણે આયેશાને પ્લેનમાં ટ્રાવેલ કરવાની પરવાનગી નથી હોતી અને તેના બોન મૅરો ટ્રાન્સપ્લાન્ટ માટે દસ વર્ષનો સમય લાગે એમ હોય છે, કારણ કે તેના શરીરમાં જરૂરી સેલ બનવા માટે આટલો સમય લાગે એમ છે. જોકે એ સમય દરમ્યાન તેઓ થોડાં વર્ષ લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપમાં રહે છે અને ત્યાર બાદ નિરેન ટ્રાન્સફર લઈને લંડન આવે છે. અહીં દીકરીની બીમારી પરથી સ્ટોરી તેમનાં મમ્મી-પપ્પા કેવી રીતે સફર થયાં એ તરફ વળી જાય છે.

આ ફિલ્મની સ્ટોરી શોનાલી બોઝ અને નીલેશ મણિયારે લખી છે. આ એક અલગ ફિલ્મ છે અને એક અલગ માઇન્ડ સેટથી એને જોવી જરૂરી છે. જોકે એમ છતાં બન્ને રાઇટર્સે ડાયલૉગમાં હ્યુમરનો ઘણો સમાવેશ કર્યો છે. ફિલ્મ ખૂબ જ ઇમોશનલ છે અને એમાં કોઈ તણાઈ ન જાય એ માટે યોગ્ય સમયે હ્યુમરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કહેવામાં તો એક રિયલ લાઇફ ઘટના પરથી આ ફિલ્મ બની છે, પરંતુ એમાં મેલોડ્રામાનો ઉમેરો કરીને મેસેજ પણ આપવામાં આવ્યો છે. મૃત્યુ અને જીવનને સેલિબ્રેટ કરવાનો આ ફિલ્મમાં મેસેજ આપવામાં આવ્યો છે. રાજેશ ખન્નાની ફિલ્મ ‘આનંદ’નો ડાયલૉગ છેને... ‘બાબુમોશાય, ઝિંદગી બડી હોની ચાહિએ, લંબી નહીં.’ આ ડાયલૉગને અનુરૂપ જ ફિલ્મ છે. ફિલ્મમાં દરેક પળને સેલિબ્રેટ કરવાની વાત કહેવામાં આવી છે. જોકે એ એકપક્ષીય છે. ફિલ્મ ઇમોશનલ છે, પરંતુ એમાં આયેશાનાં દર્દ અને બીમારીને વધુ સારી રીતે દેખાડી શકાયાં હોત. તેમ જ ફિલ્મ જરૂરિયાત કરતાં વધુ લાંબી છે. ૧૪૯ મિનિટની આ ફિલ્મને ચોક્કસ ટૂંકી કરી હોત તો એ વધુ ઇફેક્ટિવ બની હોત.

અદિતિના પાત્રમાં પ્રિયંકા ખૂબ જ ભળી ગઈ છે. એક કન્ટ્રોલ ફ્રીક મમ્મીના પાત્રમાં તે ઊભરીને આવે છે. તેની ઍક્ટિંગમાં બેમત નથી. ફરહાન પણ એક જવાબદાર પિતાના પાત્રમાં ખૂબ જ દમદાર છે. ઈશાન અને આયેશાની પણ ઍક્ટિંગ કાબિલેદાદ છે.
સ્ક્રીનપ્લે સારો છે, પરંતુ ફિલ્મમાં તમને અલગ-અલગ ટોન જોવા મળશે. ફિલ્મને લંડન અને ઇન્ડિયામાં શૂટ કરવામાં આવી છે અને આ માટે ચાર ડિરેક્ટર ઑફ ફોટોગ્રાફીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બની શકે કે આ માટે ફિલ્મના ટોનમાં ચેન્જ આવ્યો હોય. ફિલ્મમાં મ્યુઝિક પ્રીતમે આપ્યું છે અને ગીતની સાથે સ્ટોરી પણ આગળ ચાલતી રહે છે.

આ પણ વાંચો : ધ સ્કાઇ ઇઝ પિન્ક ફિલ્મ રિવ્યૂ: જાણો શું કહે છે આર. જે. હર્ષિલ

ફિલ્મનું નામ ‘ધ સ્કાય ઇઝ પિંક’ આપવામાં આવ્યું છે અને એની પાછળ એક સ્ટોરી છે. ઈશાન સ્કૂલલમાં હોય છે ત્યારે તેની ટીચર તેને ખીજાય છે કે વાદળનો કલર બ્લુ હોય છે તો પિન્ક શા માટે કર્યો. આ માટે ઈશાન રડતો હોય છે અને અદિતિ તેના દીકરાને કહે છે કે ટીચરને નથી સમજ પડતી. આ વાદળ તારું છે અને તારે જે કલર કરવો હોય એ તું કરી શકે છે. આ ડાયલૉગ દ્વારા ફિલ્મમાં એ મેસેજ આપવામાં આવ્યો છે કે તમારી લાઇફની ચાવી તમારા હાથમાં છે અને તમે એને તમારી મરજી મુજબ ઉપયોગ કરી શકો છો. બૉલીવુડની રેગ્યુલર ફિલ્મોથી હટકે આ ફિલ્મ ‘ડિયર ઝિંદગી’ જેવી છે જેમાં લાઇફને સેલિબ્રેટ કરવાનો મેસેજ આપવામાં આવ્યો હતો.

farhan akhtar priyanka chopra bollywood news movie review film review