શાદીની મજા બગાડી રાઇટિંગે

11 October, 2020 07:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાદીની મજા બગાડી રાઇટિંગે

શાદીની મજા બગાડી રાઇટિંગે

નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી ‘ગિન્ની વેડ્સ સની’માં વિક્રાન્ત મેસી અને યામી ગૌતમે કામ કર્યું છે. હીરો અને હિરોઇન બન્ને તેમને માટે છોકરી અને છોકરો શોધી રહ્યાં છે. જોકે તેમની મુલાકાત એક લગ્નમાં થાય છે અને હિરોઇન એટલે કે ગિન્ની એટલે કે પ્રિન્સેસ સિમરન (યામી ગૌતમ)ની મમ્મી (આયેશા રઝા)નું ધ્યાન હીરો (વિક્રાન્ત) પર જાય છે અને તેઓ તેને તેની દીકરી પાછળ લગાવી દે છે.

યામીનું બ્રેકઅપ થયું હોય છે, કારણ કે તેનો બૉયફ્રેન્ડ તેને લગ્ન માટે કમિટમેન્ટ નથી આપતો તેમ જ તેની મમ્મી ઇચ્છતી હોય કે ગિન્ની લગ્ન કરી લે એથી તેને છોકરા પણ દેખાડતી હોય છે. સની પણ છોકરીઓ જોઈ રહ્યો હોય છે, પરંતુ તેને કોઈ પસંદ નથી પડતી. આ દરમ્યાન ગિન્નીની મમ્મીની વાત સાંભળીને સની તેની પાછળ પડે છે અને તે રિયલમાં તેને પ્રેમ કરી બેસે છે. આ દરમ્યાન ગિનીનો બૉયફ્રેન્ડ તેને લગ્ન માટે પ્રપોઝ કરે છે અને ત્યાંથી કન્ફ્યુઝનની શરૂઆત થાય છે. જોકે આ કોઈ નવી સ્ટોરી નથી. આવી સ્ટોરી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે, પરંતુ એને અત્યારની સ્ટોરી બનાવીને દેખાડવામાં આવી છે.

‘જોધા અકબર’, ‘લક બાય ચાન્સ’, ‘ડૉન’ અને હૉલીવુડની ‘ઇટ પ્રે લવ’ અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી ચૂકેલા પુનિત ખન્નાએ આ ફિલ્મને ડિરેક્ટ કરી છે. આ તેની ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ છે. આ ફિલ્મને તેણે એકદમ સિમ્પલ રાખી ડિરેક્ટ કરી છે. તેણે કોઈ પણ પ્રકારની ધાંધલ-ધમાલ કે નવાં એક્સપરિમેન્ટ્સ નથી કર્યાં જે ફિલ્મના ફેવરમાં આવે છે, પરંતુ એ ખૂબ જ લાંબી છે. ફિલ્મ એટલી લાંબી લાગે છે કે બે વાર ઇન્ટરવલ હોય તો સારું એમ થાય, પરંતુ આ ફિલ્મ નેટફ્લિક્સ પર હોવાથી તમને ટુકડે-ટુકડે જોઈ શકો છો. આ ફિલ્મને રજૂ કરવા માટે અધધધ સમય લેવામાં આવ્યો છે. એને ટૂંકી કરવી ખૂબ જરૂરી હતી. નકામાં દૃશ્યો અને જરૂર વગરના ગીતની પણ બાદબાકી કરી શકાઈ હોત તેમ જ સ્ટોરી ખૂબ સિમ્પલ અને આગળ શું થશે એ સમજવું કોઈ રૉકેટ સાયન્સ નથી.

આ ફિલ્મને નવજોત ગુલાટી અને સુમીત અરોરાએ લખી છે. તેમણે ફિલ્મની સ્ટોરીમાં કોઈ નવીનતા નથી ઉમેરી તેમ જ એન્ડ પણ અદ્ભુત નથી. એકદમ સિમ્પલ રીતે એને પૂરી કરવામાં આવી છે. સ્ટોરીને વિક્રાન્ત અને યામીની આસપાસ ફરતી રાખવામાં આવી છે, પરંતુ તેમની આસપાસનાં પાત્રો પર વધુ ફોકસ કરવામાં નથી આવ્યું. યામીના પાત્રને પણ વધુ એક્સપ્લોર કરવાની જરૂર હતી. કેટલાંક વન-લાઇનર્સ સારાં છે, પરંતુ એ ફક્ત ગણેલા ગાંઠિયા છે.

યામીએ તેના કૅરલેસ અને જો હોગા દેખા જાએગા ઍટિટ્યુડની સાથે એક કન્ફ્યુઝ છોકરીનું પાત્ર ખૂબ સારી રીતે ભજવ્યું છે. ‘બાલા’ બાદ યામી આ પાત્રમાં પણ છવાઈ ગઈ છે. તેની સાથે વિક્રાન્ત પણ તેના પાત્રમાં ખૂબ જ સારો લાગે છે. વિક્રાન્ત અને યામીની જોડી ખૂબ સારી લાગી રહી છે અને એથી જ સ્ક્રીન પર તેમને જોવાનું ગમે છે. આ સિવાયનાં તમામ સાઇડ કૅરૅક્ટર્સે સારું કામ કર્યું હતું, પરંતુ તેમનાં પાત્રોને વધુ સારી રીતે લખવાની જરૂર હતી.

આ ફિલ્મનાં બે ગીત સિવાય ગીતમાં પણ દમ નથી. મિકા સિંહ, બાદશાહ અને નેહા કક્કડનું ગીત ‘સાવન મેં લગ ગઈ આગ’ સ્ટેજ પર આગ લગાવવામાં નિષ્ફળ રહી છે તેમ જ ‘લોલ’ પણ એટલું ખાસ નથી. ‘રૂબરૂ’ અને ‘ફિર ચલા’ સૉન્ગ સારાં છે.

entertainment news film review harsh desai netflix