થ્રિલથી વંચિત ઉડાન

14 August, 2020 07:00 PM IST  |  Mumbai | Harsh Desai

થ્રિલથી વંચિત ઉડાન

જાહ્નવી કપૂર

નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી જાહ્નવી કપૂરની ફિલ્મ રિયલ લાઇફ ગુંજન સકસેના પર છે. ફ્લાઇટ લેફ્ટનન્ટ ગુંજન સકસેના 2004માં સ્ક્વૉડ્રન લીડર તરીકે રિટાયર થઈ હતી. 1999માં થયેલી કારગિલ વૉરમાં ગુંજને લગભગ 40 સફળ મિશન પૂરાં કર્યાં હતાં, જેમાં ઇન્જર્ડ ઇન્ડિયન આર્મીના જવાનોને બેઝ પર લાવવા અને ભારતની સરહદમાં ઘૂસેલા દુશ્મનો ક્યાં છે એ શોધવા જેવાં મિશનો તેને સોંપવામાં આવ્યાં હતાં. જોકે ‘ગુંજન સકસેના : ધ કારગિલ ગર્લ’ તેના મિશન કે ભારત દેશ પ્રત્યેના તેનાં કામ અને સેવા દર્શાવવા નહીં, પરંતુ તે કેવી રીતે આર્મીમાં ગઈ હતી અને તેણે કેવી-કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો એ વિશે છે.

આ ફિલ્મને શરણ શર્મા દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. તેની પહેલી ફિલ્મ તરીકે તેણે ખૂબ જ સારું ડિરેક્શન કર્યું છે. તેણે ‘યે જવાની હૈ દીવાની’માં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે અને ‘અય દિલ હૈ મુશ્કિલ’માં ક્રીએટિવ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું. ડિરેક્ટર તરીકે કરણ જોહર દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી આ તેની પહેલી ફિલ્મ છે. આ ફિલ્મને ડિરેક્ટ કરવાની સાથે તેણે નિખિલ મલ્હોત્રા સાથે મળીને લખી હતી. ફિલ્મનો સ્ક્રીનપ્લે એકદમ સામાન્ય રાખવામાં આવ્યો છે. નકામી ધાંધલ-ધમાલ વગર એને નિયંત્રણમાં રાખી સ્ટોરીને આગળ વધારવામાં આવી છે. જોકે દરેક પાત્રને જોઈએ એટલો ન્યાય આપવામાં નથી આવ્યો. તેમ જ એક કલાક અને બાવન મિનિટની આ ફિલ્મમાં તેની ઍર ફોર્સની કરીઅરને વધુ સારી રીતે દેખાડી શકાઈ હોત અથવા તો તેનાં કેટલાંક રેસ્ક્યુ મિશનને પણ સારી રીતે દેખાડી શકાયાં હોત. જોકે એ દેખાડવામાં જાહ્નવીને વધુ ટ્રેઇનિંગ લેવી પડી હોત અને ફિલ્મનું બજેટ પણ વધી જાય એ સ્વાભાવિક છે.

ફિલ્મના સ્ક્રીનપ્લેને એકદમ ટાઇટ રાખવામાં આવ્યો છે અને સ્ટોરીને આમતેમ ભટકવા દેવામાં નથી આવી. આ સાથે જ સિનેમૅટોગ્રાફી એટલી જ અદ્ભુત છે અને સારા ડિરેક્શનને કારણે ગુંજન સકસેનાની સ્ટોરીને ખૂબ જ સારી રીતે રજૂ કરવામાં આવી છે. જોકે તેની સ્ટોરીમાં આર્મીની એ થ્રિલ ગાયબ છે.

ગુંજન સકસેનાનું પાત્ર જાહ્નવીએ ખૂબ જ સારી રીતે ભજવ્યું છે, પરંતુ કેટલીક જગ્યાએ તે માર ખાઈ જાય છે. તેની ઍક્ટિંગને જોતાં લાગે છે કે પાત્રને પૂરી રીતે અપનાવતાં તેને હજી વાર લાગશે. આર્મી હોય કે પછી ઍર ફોર્સ કે નેવી, દરેકના સૈનિકોને દોડવાની ભરપૂર તાલીમ આપવામાં આવે છે. જોકે જાહ્નવીની દોડમાં એ જોવા નહોતું મળ્યું. પહેલી વાર તેને જ્યારે પ્લેન ઉડાવવા આપવામાં આવે છે ત્યારે જે થ્રિલ હોય છે એ થ્રિલ દર્શકો મહેસૂસ નથી કરી શકતા.

ગુંજન પહેલી વાર બાળપણમાં કૉકપિટ જુએ છે ત્યારથી તેને પાઇલટ બનવાની ઇચ્છા થાય છે અને એ તે સૌથી પહેલાં તેના ભાઈને કહે છે. જોકે તેનો ભાઈ કહે છે કે પાઇલટ છોકરીઓ નહીં, છોકરાઓ બને છે. બાળપણથી જ ગુંજન છોકરા અને છોકરી વચ્ચેનો મતભેદ જોતી આવી હોય છે. તેને સપનાઓ પણ છોકરીઓ મુજબ જોવાં એવું કહેવામાં આવે છે, પરંતુ તેની ઉડાનમાં તેની ખરી પાંખ તેના પપ્પા હોય છે. તેના પપ્પાનું પાત્ર પકંજ ત્રિપાઠીએ ભજવ્યું છે જે તેને કહે છે કે પુરુષ હોય કે મહિલા, પાઇલટને તો પાઇલટ જ કહેવાય છે. ગુંજનની પાઇલટ બનવાની ઇચ્છાને દરેક વ્યક્તિ ગૌણ ગણે છે, પરંતુ તેના પપ્પા એને સિરિયસલી લે છે અને તેને પાઇલટ બનાવે છે. આ માટે જાહ્નવી જ્યારે એક્ઝામ આપે છે અને તે સિલેક્ટ થાય છે ત્યારે તેનાં હરખનાં આંસુથી એ કેટલી ખુશ છે એ દેખાઈ આવે છે. જોકે તે મેડિકલમાં રિજેક્ટ થાય છે ત્યારે તેનાં દુખનાં આંસુ પણ જોઈ શકાય છે. આથી ઇમોશન્સને જાહ્નવીએ ખૂબ જ સારી રીતે દેખાડ્યાં છે. તે જ્યારે ઍર ફોર્સમાં જૉઇન થઈ ત્યારે ખૂબ જ ઓછી મહિલાઓ હતી અને આજે 1625 મહિલાઓ ડ્યુટી બજાવે છે. તેની સાથે ટ્રેઇનિંગ દરમ્યાન પણ મહિલા હોવાથી લોકો ઘણા મતભેદ કરતા હતા એને અહીં દેખાડવામાં આવ્યા છે.

જાહ્નવીના પિતાના પાત્રમાં પંકજ ત્રિપાઠી ખૂબ જ અદ્ભુત છે. તેની ડાયલૉગ ડિલિવરી અને ઍક્ટિંગ કાબિલે દાદ છે. તેમ જ એક સપોર્ટિવ ફાધર હોવાની સાથે પત્નીથી ડરતા હોય એ પણ તેમણે ખૂબ જ સારી રીતે દેખાડ્યું છે. એક આર્મી ઑફિસર હોવા છતાં પત્નીનો ડર અને દીકરીને પણ દીકરાની જેમ રાખવી અને કોઈ ભેદભાવ ન કરવા કે ન શીખવાડવા એ પણ સ્ટોરીનો એક પ્લસ પૉઇન્ટ છે. પંકજ ત્રિપાઠીનાં એક્સપ્રેશન પણ ઘણી વાર ઘણુંબધું કહી જાય છે. ગુંજન સકસેનાના ભાઈના પાત્રમાં અંગદ બેદી છે, જે તેની બહેનની સુરક્ષા માટે હંમેશાં વિચારતો હોય છે. જોકે તેના વિચાર પણ અન્ય લોકો જેવા જ હોય છે જે સ્ત્રીઓને આગળ વધવાની જગ્યાએ તેમની સુરક્ષાનું લેક્ચર આપી તેમને એમ ન કરવા માટે કહે છે. છેલ્લે ગુંજન પણ તેના ભાઈને કહે છે કે તું તારી વિચારસરણી બદલ, બની શકે કે તને જોઈને દુનિયા પણ બદલાઈ જાય. આ દૃશ્યને પણ ખૂબ જ સુંદર રીતે લેવામાં આવ્યું છે.

ઍર ફોર્સ દરમ્યાન સપોર્ટિંગ બૉસના પાત્રમાં માનવ વિજ અને પુરુષત્વ દેખાડતા સિનિયર ઑફિસરના રોલમાં વિનીતકુમાર સિંહે ખૂબ જ સારું કામ કર્યું છે. જોકે તેમનાં પાત્રને વધુ ડીટેલમાં દેખાડવાની જરૂર હતી. ગુંજન સાથે ઍર ફોર્સમાં આટલા મતભેદ થાય અને એની જાણ ઉપરી અધિકારી સુધી ન પહોંચે એ જાણીને થોડી નવાઈ તો લાગે છે.

આખરી સલામ

ગુંજન સકસેના અને તેના પિતા વચ્ચે એક દૃશ્ય છે. આ દૃશ્યમાં ગુંજન તેના પિતાને કહે છે કે તેને પાઇલટ બનવું છે એટલે તે ઍર ફોર્સમાં જઈ રહી છે, તેના દેશપ્રેમને કારણે નહીં. તો શું તે દેશદ્રોહી કહેવાશે? આ વિશે તેના પિતા કહે છે કે તને શું લાગે છે ઍર ફોર્સને ખાલી ભારતમાતા કી જય બોલનાર લોકો જોઈએ છે? તેમને એવા લોકો જોઈએ છે જેમનો લાઇફમાં ગોલ હોય, પૅશન હોય અને એવા લોકો જેઓ ટ્રેઇનિંગ પૂરી કરીને ખૂબ જ સિન્સિયારિટી સાથે તેમનું કામ કરે. જો તમે તમારું કામ સારી રીતે કરો તો તમે સારા પાઇલટ બનો અને એથી તમે ઑટોમૅટિકલી દેશપ્રેમી બની જાઓ છો. એક તરફ જ્યારે ‘જય શ્રી રામ’ ન બોલવામાં આવે ત્યારે મારવામાં આવે છે ત્યારે બીજી તરફ દેશપ્રેમ કોને કહેવાય એની અદ્ભુત વ્યાખ્યા અહીં ખૂબ જ સુંદર અને સરળ રીતે આપવામાં આવી છે.

entertainment news bollywood movie review harsh desai jhanvi kapoor netflix