Super 30 Movie Review: જાણો હ્રિતિકની ફિલ્મને કેટલા મળ્યા સ્ટાર

12 July, 2019 10:29 AM IST  |  મુંબઈ | હર્ષ દેસાઈ

Super 30 Movie Review: જાણો હ્રિતિકની ફિલ્મને કેટલા મળ્યા સ્ટાર

ફિલ્મ-રિવ્યુ સુપર ૩૦

અક્ષયકુમારની ‘પૅડમૅન’ બાદ બૉલીવુડમાં નવી એક અન્ડરડૉગ અને સમાજ માટે સારું કામ કરતી વ્યક્તિના જીવન પર બનેલી હૃતિક રોશનની ‘સુપર 30’ આજે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની સ્ટોરી પટનાના ગણિતશાસ્ત્રી આનંદકુમારની છે. આ ફિલ્મનું ટ્રેલર જ્યારે રિલીઝ થયું ત્યારે એક સવાલ થઈ રહ્યો હતો કે શું હૃતિક રોશન પટનાની સામાન્ય વ્યક્તિનું પાત્ર ભજવવામાં સફળ રહેશે? જોકે હંમેશાંની જેમ હૃતિક આ ફિલ્મમાં પણ દર્શકોને તેની ઍક્ટિંગ દ્વારા આશ્ચર્યમાં મૂકી દેશે.

સ્ટોરી ટાઇમ

હૃતિક રોશને આનંદકુમારનું પાત્ર ભજવ્યું છે, જે એક પોસ્ટમૅનનો દીકરો હોય છે. તેના પિતાનું પાત્ર વીરેન્દ્ર સક્સેનાએ ભજવ્યું છે. હૃતિકને ગણિત ખૂબ જ પસંદ હોય છે અને તે દર અઠવાડિયે શહેરમાં જઈને યુનિવર્સિટીની લાઇબ્રેરીમાં ‘ધ મૅથેમૅટિક્સ ગૅઝેટ’ની મદદથી પ્રૉબ્લેમ સૉલ્વ કરતો હોય છે. જોકે તેને લાઇબ્રેરિયન દ્વારા કાઢી મૂકવામાં આવે છે. ત્યાં તેને પ્યુન દ્વારા કહેવામાં આવે છે કે આ બુકમાં તારો આર્ટિકલ છપાયો તો તેને આજીવન આ બુક મફતમાં ઘર સુધી મળશે. આથી હૃતિક એટલે કે આનંદકુમાર કોઈ પણ ગણિતશાસ્ત્રી જે પ્રૉબ્લેમ સૉલ્વ નહોતા કરી શક્યા એને સૉલ્વ કરી દે છે અને એ બુકમાં છપાય છે. તેને કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ઍડમિશનની સામેથી ઑફર મળે છે. જોકે પૈસા ન હોવાથી તે ભણવા માટેની ફી જમા નથી કરી શકતો અને તેનું સપનું અધૂરું રહી જાય છે. આથી તે તેની ગર્લફ્રેન્ડ (મૃણાલ ઠાકુર)ને કોઈ અન્ય વ્યક્તિ સાથે લગ્ન કરી લેવાની સલાહ આપે છે અને પોતે પાપડ વેચવાનું શરૂ કરી દે છે. આ દરમ્યાન તેની મુલાકાત લલનજી એટલે કે આદિત્ય શ્રીવાસ્તવ સાથે થાય છે. તે હૃતિકને તેના કોચિંગ ક્લાસમાં ભણાવવા માટે ઑફર કરે છે અને તેને એક સ્ટાર ટીચર બનાવી દે છે. જોકે હૃતિકની લાઇફ પાટા પર આવી જાય છે ત્યારે જ તેને તેના આત્માનો અવાજ સંભળાય છે. તે કોચિંગ ક્લાસ છોડી દે છે અને ગરીબ બાળકોને ભણાવવા માટે ‘સુપર 30’ની શરૂઆત કરે છે. જોકે તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, જે ફિલ્મમાં દેખાડવામાં આવ્યું છે.

ઍક્ટિંગ

હૃતિકને જોઈને કહેવું મુશ્કેલ છે કે તેને ગ્રીક ગૉડ તરીકે ઓળખવામાં આવે છે. તે એક સામાન્ય વ્યક્તિ જેવો દેખાય છે. હૃતિક માટે સૌથી મોટો પ્રશ્ન ડાન્સનો હતો. હૃતિક તેના અદ્ભુત ડાન્સ માટે જાણીતો છે. જોકે તેણે અહીં એવી વ્યક્તિનું પાત્ર ભજવવાનું હતું જેને ડાન્સ જરા પણ નથી આવડતો. એ દૃશ્યમાં પણ હૃતિક ખરો ઊતરે છે. તેની ગર્લફ્રેન્ડ જ્યારે તેને ફોન કરે છે ત્યારે તે જે રીતે દોડે છે એ એક સામાન્ય વ્યક્તિ જેવી જ ફીલિંગ આપે છે નહીં કે સુપરસ્ટાર જેવી. તેને જ્યારે ઍડમિશન માટે સામેથી લેટર મોકલવામાં આવ્યો છે એવી ખબર પડે ત્યારે તે ખુશીમાં જમીન પર બેસી પડે છે. કોઈ પણ ગામડામાં સામન્ય વ્યક્તિને તમે જોયા હોય તો આ દૃશ્ય સાથે તમે ખૂબ જ સારી રીતે કનેક્ટ થઈ શક્શો. તેણે બિહારી પાત્ર ભજવ્યું છે. જોકે સંપૂર્ણ બિહારી તે નથી બોલતો અને જો એમ કરવામાં આવે તો હિન્દી દર્શકો માટે એ સમજવું પણ મુશ્કેલ બની જાય છે. જોકે તેણે બિહારી લહેકાને ખૂબ જ સરસ રીતે જાળવી રાખ્યો છે. તેની ગર્લફ્રેન્ડનું પાત્ર મૃણાલ ઠાકુરે ભજવ્યું છે. તેનો સ્ક્રીન ટાઇમ ખૂબ જ ઓછો છે, પરંતુ તેણે ખૂબ જ સારું કામ કર્યું છે. તેનું કૉમિક ટાઇમિંગ પણ ખૂબ જ સારું છે. આદિત્ય શ્રીવાસ્તવ કોચિંગ ક્લાસ ચલાવતો હોય છે. તે હૃતિકનો હરીફ બને છે અને તેણે પણ ખૂબ જ સારું કામ કર્યું છે. આ કોચિંગ ક્લાસનો ખરો માલિક પૉલિટિશ્યન પંકજ ત્ર‌િપાઠી હોય છે. પંકજ ત્ર‌િપાઠીને જ્યારે પણ સ્ક્રીન પર જુઓ ત્યારે ચાર ચાંદ લાગી જાય છે. આદિત્ય શ્રીવાસ્તવ અને પંકજ ત્ર‌િપાઠી વચ્ચેનું એક દૃશ્ય ખૂબ જ જોરદાર લખવામાં આવ્યું છે અને એને ડિરેક્ટ પણ એટલું જ સારી રીતે કરવામાં આવ્યું છે. પંકજ ત્ર‌િપાઠી થોડા સમય માટે છે, પરંતુ જ્યારે આવે ત્યારે તે એક છાપ છોડી જાય છે કે આ વ્યક્તિ પોતાના ફાયદા માટે કોઈ પણ હદ સુધી ઊતરી શકે છે. આ ફિલ્મમાં માનવ ગોહિલ અને અમિત સાધ મહેમાન ભૂમિકામાં છે. અમિત સાધ ખૂબ જ મહત્ત્વની ભૂમિકામાં છે જે એક ફિયરલેસ જર્નલિસ્ટ છે. તેની હાજરી પણ તમારા ચહેરા પર સ્માઇલ લાવી દે છે. ઍક્ટિંગના ડિપાર્ટમેન્ટમાં દરેક ઍક્ટરે કોઈ કસર નથી છોડી.

સવાલોં સે ભરપૂર

આ ફિલ્મ એક રીતે જોવા જઈએ તો આનંદકુમારના જીવન પર છે. જોકે એમાં ઘણા સવાલો પણ ઉઠાવવામાં આવ્યા છે. ફક્ત અમીરોને જ ભણવા માટેની સુવિધા મળે છે. ગરીબો પાસે પૈસા ન હોવાથી તેઓ ભણી શકતા નથી. આ ફિલ્મમાં સૌથી પહેલો સવાલ ઉઠાવવામાં આવ્યો છે. તેમ જ ઇન્ડિયામાં એજ્યુકેશનને એક બિઝનેસ બનાવી દેવામાં આવ્યું છે. કોઈ પણ દેશ માટે એજ્યુકેશન અને મેડિકલની સુવિધા પ્રાઇમરી હોવી જોઈએ. ઓછામાં ઓછા ખર્ચે આ સુવિધા મળવી જોઈએ જેની જગ્યાએ ઇન્ડિયામાં એકદમ ઊલટું છે. પંકજ ત્ર‌િપાઠીનો ડાયલૉગ છે કે એજ્યુકેશન સ્વર્ગનો રસ્તો છે. અહીં તે પૈસા કમાવાની વાત કરે છે. એક દૃશ્યમાં એમ પણ કહે છે કે એજ્યુકેશન માટે સરકાર ખૂબ જ સસ્તામાં જગ્યા આપી દે છે. આ જગ્યામાં તે નીચે કોચિંગ સેન્ટર અને ઉપરના ફ્લોરને કમર્શ્યલ બનાવવાનું પ્લાન કરે છે. આ બધી વસ્તુ આપણી આસપાસ આપણને દરરોજ જોવા મળે છે.

સ્ક્રીનપ્લે અને ડિરેક્શન

‘સુપર 30’નો સ્ક્રીનપ્લે ખૂબ જ સારી રીતે લખવામાં આવ્યો છે. ૧૯૯૦ના દાયકાને ધ્યાનમાં રાખીને આ સ્ક્રીનપ્લે લખવામાં આવ્યો છે. ફિલ્મનો ટોન પણ એકસરખો રાખવામાં આવ્યો છે. જોકે ફિલ્મ હોવાને કારણે એક-બે વાર ઓવર ડ્રામેટિક લાગે છે. સ્ટોરી ક્યારેક આનંદકુમારના જીવન પર વધુ ફોકસ કરે છે તો અચાનક જ ‘સુપર 30’નાં બાળકો પર વધુ ફોક્સ કરે છે. સ્ટોરીમાં આ એક માઇન્સ પૉઇન્ટ છે. ‘ક્વેશ્ચન માર્ક’ અને ‘બસંતી નો ડાન્સ’ ગીતના સ્ક્રીનપ્લે અને ડિરેક્શન ખૂબ જ જોરદાર છે. આ ગીત દરમ્યાન એના સ્ક્રીનપ્લેને ખૂબ જ સારી રીતે લખવામાં આવ્યો છે. ‘બસંતી નો ડાન્સ’ દરમ્યાન હિન્દી મીડિયમનાં બાળકોને અંગ્રેજી બોલતાં બાળકો સામે કેટલો ડર લાગે છે એ વિશે વાત કરવામાં આવી છે. આ માત્ર એક ગીત નથી, પરંતુ આ બાળકો માટે તેમનો કૉન્ફિડન્સ મેળવવાની વાત છે. ફિલ્મનું ડિરેક્શન વિકાસ બહલે કર્યું છે. ‘ક્વીન’ જેવી શાનદાર ફિલ્મ આપનાર વિકાસે જ સુપર ફ્લૉપ ‘શાનદાર’ આપી હતી. જોકે ડિરેક્શનની દૃષ્ટ‌િએ તે એકદમ ટૅલન્ટેડ છે. હૃતિકનો સુપરપાવર સ્ક્રીન પર હાવી ન થઈ જાય એની તેણે ખૂબ જ તકેદારી રાખી છે. તેણે હૃતિકને એ રીતે દેખાડ્યો છે કે તમને વિશ્વાસ નહીં થાય કે તે હૃતિક છે અને એ જ સારા ડિરેક્ટરની કમાલ છે. એક-બે દૃશ્યમાં તમને ‘કોઈ મિલ ગયા’ના રોહિતની ઝલક દેખાઈ શકે, પરંતુ તમે જ્યારે રોહિતને યાદ કરો કે તરત જ હૃતિક તમને આનંદકુમારના પાત્રમાં ખેંચી લાવશે. વિકાસ બહલના ડિરેક્શન અને હૃતિકની ઍક્ટિંગની આ એક માસ્ટરપીસ છે. ફિલ્મના એન્ડના દૃશ્યમાં એક ભૂલ રહી ગઈ છે, જેમાં ઍમ્બ્યુલન્સ માટે ૧૦૮ નંબર ડાયલ કરવાનું કહેવામાં આવે છે. ૧૯૯૦ના દાયકાની આ ફિલ્મ છે અને ૧૦૮ની સર્વિસ ૨૦૦૯માં આંધ્રપ્રેદશમાં સૌથી પહેલાં શરૂ કરવામાં આવી હતી. આ દૃશ્યને નજરઅંદાજ કરતાં સ્ક્રીનપ્લે અને ડિરેક્શનમાં ભૂલ કાઢવી મુશ્કેલ છે. ફિલ્મની સિનેમૅટોગ્રાફી અનય ગોસ્વામીએ ખૂબ જ સારી રીતે કરી છે.

મ્યુઝિક

આ ફિલ્મની જાન મ્યુઝિક પણ છે. અજય-અતુલે આ ફિલ્મમાં મ્યુઝિક આપ્યું છે. ‘જુગરફિયા’, ‘પૈસા’, ‘નિયમ હો’માં તમે એકબીજા ગીતથી એકદમ અલગ મ્યુઝિક સાંભળી શકશો. ‘બસંતી નો ડાન્સ’ અને ‘ક્વેશ્ચન માર્ક’ ફિલ્મમાં ખૂબ જ સારી રીતે દેખાડવામાં આવ્યાં છે જે ફિલ્મનો ટર્નિંગ પૉઇન્ટ પણ કહી શકાય. ‘ક્વેશ્ચન માર્ક’ હૃતિકે પોતે ગાયું છે. ફિલ્મનો બૅકગ્રાઉન્ડ સ્કોર પણ જબરદસ્ત છે. એક વાર તમને એ સમયના ડિસ્કોની પણ યાદ અપાવશે. જોકે કેટલીક જગ્યાએ આ મ્યુઝિક સ્ક્રીન પર હાવી પણ થઈ ગયું છે.

આ પણ જુઓ : Janvi Chheda: ગુજરાતી છે લોકપ્રિય સિરીયલ CIDની ઈન્સ્પેક્ટર શ્રેયા

આખરી સલામ

‘રાજા કા બેટા રાજા નહીં બનેગા. રાજા વહી બનેગા જો હકદાર હોગા’ આ ડાયલૉગ પર ફિલ્મની સ્ટોરી આધાર રાખે છે. જોકે હૃતિક અને વિકાસ બહલ માટે ‘આપત્તિ સે આવિષ્કાર કા જનમ હોતા હૈ’ ડાયલૉગ વધુ ફિટ બેસે છે. હૃતિકની છેલ્લી ફિલ્મ ‘કાબિલ’ હિટ રહી હતી, પરંતુ એ પહેલાં તેની ‘મોહેંજો દારો’ નિષ્ફળ રહી હતી. તેના માટે આ ફિલ્મ હિટ રહેવી ખૂબ જ જરૂરી છે. બીજી તરફ વિકાસ બહલ સેક્સ્યુઅલ હૅરૅસમેન્ટના કેસને લઈને ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો. આ ફિલ્મની સફળતાને કારણે લોકો તેની ટૅલન્ટને ફરી ઓળખે એ તેના માટે પણ ખૂબ જરૂરી છે. જોકે બન્નેએ મળીને આપત્તિના સમયે આ ફિલ્મ બનાવીને આવિષ્કાર કર્યો છે એ કહેવું ખોટું નથી.

hrithik roshan movie review film review bollywood news