ફિલ્મ-રિવ્યુ: તાન્હાજી: ધ અનસંગ વૉરિયર- નવાબસા’બ છા ગયે

13 January, 2020 04:20 PM IST  |  Mumbai | Harsh Desai

ફિલ્મ-રિવ્યુ: તાન્હાજી: ધ અનસંગ વૉરિયર- નવાબસા’બ છા ગયે

અજય દેવગન

અજય દેવગનની ‘તાન્હાજી : ધ અનસંગ વૉરિયર’ આજે રિલીઝ થઈ રહી છે. ૧૬૭૦ની ૪ ફેબ્રુઆરીએ થયેલા સિંહગઢના યુદ્ધ પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે. છત્રપતિ શિવાજી મહારાજના બાળપણના મિત્ર અને સૂબેદાર તાનાજી માલુસરેની વાત કરવામાં આવી છે. શિવાજી મહારાજ વિશે ઘણા લોકો જાણે છે, પરંતુ તેમની સાથે અને તેમને માટે ઘણી લડાઈ લડનાર તાનાજી વિશે ઘણા ઓછા લોકો જાણતા હોવાથી તેમના પર આ ફિલ્મ બનાવવામાં આવી છે. પિરિયડ ફિલ્મ હોવા છતાં આ એકદમ અલગ પ્રકારની ફિલ્મ બનાવવામાં આવી છે.

સ્ટોરી-ટાઇમ

મરાઠા વૉરિયર તાનાજીની લાઇફ પરથી આ ફિલ્મ બનાવવામાં આવી છે. ઔરંગઝેબ (લુક કેની)નું સપનું હોય છે કે તેઓ હિન્દુસ્તાન પર કબજો મેળવે. દક્ષિણને તાબામાં લેવા માટે ઔરંગઝેબ તેની સેના મોકલે છે. આ સમયે શિવાજીમહરાજે સુલેહ કરી ૨૩ કિલ્લા ઔરંગઝેબને આપી દીધા હોય છે. આ કિલ્લા પર રાજ કાયમ રાખવા અને સંપૂર્ણ દક્ષિણ પર કાબૂ મેળવવા ઔરંગઝેબ રાજપૂત યોદ્ધા ઉદયભાન (સૈફ અલી ખાન)ને કોંઢાણાના કિલ્લેદાર તરીકે મોકલે છે. ૨૩ કિલ્લા ફરી હાંસલ કરવા માટે છત્રપતિ શિવાજી મહારાજ એક ઝુંબેશ છેડે છે, પરંતુ એમાં તેઓ તાનાજીને સામેલ નથી કરતા, કારણ કે તેમના દીકરાનાં લગ્ન થવાનાં હોય છે. જોકે તાનાજીને આ વિશે ખબર પડતાની સાથે તેઓ શિવાજી મહારાજ પાસે પહોંચી જાય છે અને આ ઝુંબેશમાં ભાગ લેવા રાજમાતા (પદ્‌માવતી) પાસે પરવાનગી માગે છે. ત્યાર બાદ ઉદયભાન અને તાનાજી સામસામે આવી જાય છે.

સ્ટોરી અને ડિરેક્શન

આ ફિલ્મ દ્વારા ઓમ રાઉતે બૉલીવુડમાં ડિરેક્ટર તરીકે એન્ટ્રી કરી છે. તેમણે અગાઉ મરાઠી ફિલ્મ ‘લોકમાન્ય : એક યુગપુરુષ’ ડિરેક્ટ કરી હતી. સ્ટોરી ઓમ રાઉત અને પ્રકાશ કાપડિયાએ મળીને ડેવલપ કરી હતી અને તેમણે જ સ્ક્રીનપ્લે પણ લખ્યો છે. પ્રકાશ કાપડિયાએ તમામ ડાયલૉગ લખ્યા છે. અજય દેવગનના અવાજમાં ડાયલૉગ ખૂબ જ પાવરફુલ લાગે છે. પિરિયડ ફિલ્મ ઘણા ડિરેક્ટર્સના બસની બાત નથી. સંજય લીલા ભણસાલી અને આશુતોષ ગોવારીકર બાદ ઓમ રાઉતે એક ભવ્ય ફિલ્મ બનાવી છે. આ ફિલ્મ પાછળ તેમણે ખૂબ રિસર્ચ કર્યું હોવાની સાથે કેટલીક સિનેમૅટિક લિબર્ટી પણ લીધી છે અને એ વિશે ફિલ્મની શરૂઆતમાં પણ જણાવ્યું છે. કેટલાંક દૃશ્યો એવાં છે કે એ જોઈને લાગે કે શું ખરેખર એ સમયે આવું થયું હશે? જોકે આ તમામ દૃશ્યોને ખૂબ સારી રીતે ડિરેક્ટ કરવામાં આવ્યાં છે. ફિલ્મનો સ્ક્રીનપ્લે ખૂબ જ સારી રીતે લખવામાં આવ્યો છે, પરંતુ પહેલા પાર્ટમાં સ્ટોરીનો બેઝ બેસાડવામાં વધુ સમય લઈ લેવામાં આવ્યો છે. બે કલાક અને પંદર મિનિટની આ ફિલ્મનું એડિટિંગ ખૂબ જ ચુસ્ત રીતે કરવામાં આવ્યું હોવાથી તમને સીટ પરથી હલવા પણ નહીં દે. ઓમ રાઉતે તેમના ડિરેક્શનની સાથે મ્યુઝિકનો પણ ખૂબ સુંદર રીતે ઉપયોગ કર્યો છે.

હીરોને આપી વિલને માત

કોઈ પણ ફિલ્મ માટે સૌથી મહત્વનું છે કે તમામ પાત્ર કેવી રીતે લખવામાં આવ્યાં છે. વિલનનું પાત્ર જ્યાં સુધી પાવરફુલ લખવામાં નહીં આવે ત્યાં સુધી હીરોનો રંગ જોવા નહીં મળે. ફિલ્મ ભલે અજય દેવગનની આસપાસ ફરે છે, પરંતુ સૈફ અલી ખાન બાજી મારી ગયો છે. ઉદયભાન ખૂબ જ ક્રૂર, ઘાતકી, નિર્દયી અને જંગલી જોવા મળી રહ્યો છે. તેની ક્રૂરતા સાથે તેનું હ્યુમર પણ ટૉપ નોચ છે. સૈફનું અત્યાર સુધીનો આ સૌથી શ્રેષ્ઠ પરર્ફોર્મન્સ કહી શકાય. લંગડા ત્યાગી જ નહીં, ‘પદ્માવત’ના અલાઉદ્દીન ખીલજીને પણ તેણે સાઇડ પર મૂકી દીધો છે એમ કહેવું ખોટું નથી. ક્રૂર હોવાની સાથે તે ફાઇટમાં પણ એટલો જ માહેર છે અને એવું દેખાડવામાં ડિરેક્ટર ૧૦૦ ટકા સફળ રહ્યા છે. અજય દેવગને પણ તાનાજીનું પાત્ર ખૂબ સારી રીતે ભજવ્યું છે. તે જ્યારે પણ સ્ક્રીન પર હોય ત્યારે તે અજય દેવગન નહીં, પરંતુ તાનાજી છે એ તેણે સાબિત કરી દેખાડ્યું છે. ફિલ્મમાં તે બે વાર વેશપલટો કરે છે અને એ દરમ્યાન પણ તેની બૉડી-લૅન્ગ્વેજ દ્વારા તેણે સાબિત કરી દીધું છે કે તે કોઈ પણ પાત્ર ખૂબ સહેલાઈથી ભજવી શકે છે. એક ઍક્શન-ડિરેક્ટરનો દીકરો હોવાથી તેને ઍક્શનની ઊંડી સમજ હોય એ પણ આ ફિલ્મમાં જોઈ શકાય છે. તેની ઍક્શન ખૂબ જોરદાર છે અને એમાં કૉપી-કટ પણ ખૂબ ઓછા જોવા મળે છે. અજય દેવગનની પત્ની સાવત્રીબાઈનું પાત્ર કાજોલે ભજવ્યું છે. આ પાત્ર ખૂબ નાનું છે, પરંતુ જ્યારે કાજોલ સ્ક્રીન પર આવે છે ત્યારે તે સંપૂર્ણ સાવત્રીબાઈ લાગે છે. તેની સુંદરતાની સાથે તે તેના પતિની તાકાત છે એ પણ ખૂબ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે. તમામ પાત્રો વચ્ચે શરદ કેળકરનું છત્રપતિ શિવાજી મહારાજનું પાત્ર પણ ખૂબ અદ્ભુત છે. પોતે છત્રપતિ શિવાજી મહારાજ છે એ સાબિત કરવું ખૂબ મુશ્કેલ છે અને આ પાત્ર તેના સિવાય અન્ય કોઈ વ્યક્તિ ભજવી શકે એ માનવું મુશ્કેલ જ છે.

સ્પેશ્યલ ઇફેક્ટ્સ

બૉલીવુડની ઘણી ફિલ્મોમાં સ્પેશ્યલ ઇફેક્ટ્સ ઘણી વાર ખૂબ મોટી સમસ્યા બની જાય છે. કમ્પ્યુટર જનરેટેડ ઇમેજિનરીને કારણે કેટલાંક દૃશ્યો ફેક લાગે છે. આ ફિલ્મમાં ફક્ત એક હાથીના દૃશ્યમાં એવું જોવા મળ્યું છે અને એ સિવાયનાં તમામ ગ્રાફિક્સ ખૂબ અદ્ભુત છે. ‘શિવાય’માં ગ્રાફિક્સને કારણે ફિલ્મનાં વિઝ્યુઅલ પર ખૂબ જ અસર પડી હતી. જોકે ‘તાન્હાજી...’ના વિઝ્યુઅલ જોવાનો દર્શકો માટે એક લહાવો છે.

મ્યુઝિક

આ ફિલ્મમાં ચાર ગીતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અજય દેવગન તમામ પાત્રો ભજવી શકે છે, પરંતુ ડાન્સમાં તેનું કામ નથી. ઉદયભાનને જોવા માટે તે જ્યારે એક કાર્યક્રમમાં ડાન્સ કરે છે ત્યારે તેના હાથની મૂવમેન્ટ પરથી તે હમણાં ‘સિંઘમ’નો સ્ટેપ કરશે એવું લાગે છે. જોકે ફિલ્મનો સૌથી મોટો પ્લસ પૉઇન્ટ છે એનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક. સંદીપ શિરોડકરે ખૂબ જ ખતરનાક મ્યુઝિક આપ્યું છે. ખતરનાક એટલા માટે કે એને કારણે ઍક્શન-દૃશ્યોમાં ચાર ચાંદ લાગી ગયા છે.

આખરી સલામ

તમે પિરિયડ ફિલ્મના ચાહક હો કે ન હો, આ એક એવી ફિલ્મ છે જેને થિયેટરમાં જોવી જ રહી. તમામ ઍક્શનને એક લૉજિક સાથે દેખાડવામાં આવી છે.

ajay devgn saif ali khan kajol bollywood movie review film review bollywood news tanhaji: the unsung warrior