ફિલ્મ-રિવ્યુ - ભાંગડા પા લે : સૉન્ગ્સનો હૅન્ગઓવર

04 January, 2020 11:39 AM IST  |  Mumbai | Harsh Desai

ફિલ્મ-રિવ્યુ - ભાંગડા પા લે : સૉન્ગ્સનો હૅન્ગઓવર

ભાંગડા પા લે

બૉલીવુડમાં એક કૌશલ તેનું કૌશલ્ય દેખાડવામાં સફળ થયો છે ત્યાં બીજા કૌશલની એન્ટ્રી થઈ ગઈ છે. ‘ઉરી ઃ ધ સર્જિકલ સ્ટ્રાઇક’ બાદ બૉલીવુડમાં વિકી કૌશલ એક જાણીતું નામ બની ગયું છે. જોકે હવે વિકી કૌશલનો ભાઈ સની કૌશલ પણ ફુલ ફૉર્મમાં આવી રહ્યો છે. તેણે ‘સનશાઇન મ્યુઝિક ટૂર્સ’માં અને ‘ગોલ્ડ’માં કામ કર્યું હતું, પરંતુ તેને એટલી ઓળખ નહોતી મળી. તેના કામને એ સમયે નોટિસ કરવામાં આવ્યું હતું અને એ જ કારણસર તેની ગઈ કાલે રિલીઝ થયેલી ફિલ્મ ‘ભાંગડા પા લે’ ઑફર થઈ હતી. આ ફિલ્મ દ્વારા તેની સાથે સાઉથની ઍક્ટ્રેસ રુખસાર ઢિલ્લને બૉલીવુડમાં એન્ટ્રી કરી છે.

સ્ટોરી : ગુમ હૈ કહીં

આ ફિલ્મની સ્ટોરી જગ્ગી સિંહ (સની કૌશલ) અને સિમી (રુખસાર)ની આસપાસ ફરે છે. જગ્ગીને ભાંગડા તેના દાદા તરફથી વારસામાં મળ્યા હોય છે અને તે ઇન્ટરનૅશનલ લેવલ પર ભાંગડા અને તેના દાદાને ફેમસ કરવા માગતો હોય છે. બીજી તરફ સિમી પણ લંડનમાં ભાંગડા કૉમ્પિટિશન જીતીને તેની મમ્મીને પ્રાઉડ ફીલ કરાવવા માગતી હોય છે. તેમની લવ-સ્ટોરી કરતાં રાઇવલરી પર વધુ ફોકસ કરવામાં આવ્યું છે. આ સ્ટોરીની સાથે તેના દાદા કપ્તાન સિંહ (સની કૌશલ)ની સ્ટોરી પણ ચાલતી હોય છે. તેઓ બીજા વિશ્વયુદ્ધમાં ફાઇટ કરી રહ્યા હોય છે. તેમના લોહીમાં ભાંગડા ચાલતા હોય છે. જોકે કપ્તાન સિંહની ફૅમિલી દ્વારા તેમને આર્મીમાં ભરતી થવા માટે ફોર્સ કરવામાં આવે છે. આ બન્ને સ્ટોરીને પૅરેલલ ચલાવી તેમને સિન્ક કરવાની કોશિશ કરવામાં આવી છે. તેમ જ જગ્ગી અથવા તો સિમી બેમાંથી કોણ કૉમ્પિટિશન જીતે છે એ વિશેની આ ફિલ્મ છે.

સ્ક્રીનપ્લે, ડિરેક્શન અને ડાયલૉગ

ધીરજ રતન દ્વારા ખૂબ જ કંગાળ સ્ટોરી અને સ્ક્રીનપ્લે લખવામાં આવ્યાં છે. બે સ્ટોરીને સિન્ક કરવાના ચક્કરમાં એ એકદમ ફીકી પડી ગઈ છે. ડાન્સ, મ્યુઝિક અને ડ્રામા તો નાખી દીધાં પરંતુ એમાં સ્ટોરી નાખવાનું કદાચ ધીરજ ભાઈસાહેબ ભૂલી ગયા હોય એવું લાગે છે. જગ્ગીનો પ્લૉટ, કપ્તાન સિંહનો પ્લૉટ, સિમીનો પ્લૉટ અને કૉમ્પિટિશનની વચ્ચે સ્ટોરી લથડિયાં ખાઈ રહી છે. બની શકે હજી સુધી ન્યુ યર ઈવનો હૅન્ગઓવર ન ઊતર્યો હોય. ફિલ્મના સ્ક્રીનપ્લેને એકદમ સિમ્પલ રાખવામાં આવ્યો છે અને એને કારણે ફિલ્મ થોડીઘણી જોવી પણ ગમે છે. ફિલ્મનું ડિરેક્શન આયાન મુખરજી અને મોહિત સૂરિની અસિસ્ટન્ટ રહી ચૂકેલી સ્નેહા તૌરાણી એટલે કે રમેશ તૌરાણીની દીકરીએ કર્યું છે. એકદમ કંગાળ ડિરેક્શનને કારણે આ ફિલ્મ બન્ને સ્ટોરી વચ્ચેની કનેક્શન નથી બનાવી શકી. ફિલ્મની શરૂઆત બીજા વિશ્વયુદ્ધના સમયથી શરૂ થાય છે – આ ફિલ્મનું દૃશ્ય છે, ધ ફર્ગોટન આર્મીનું નહીં. પરંતુ એ સ્ટોરી અને જગ્ગીને શું કનેક્શન છે એ સમજવામાં ફિલ્મ પૂરી થઈ જાય છે. ડિરેક્શનનું આ સૌથી કમજોર પાસું છે કે પહેલેથી જ કન્ફ્યુઝન ક્રીએટ કરવામાં આવ્યું છે. તેમ જ બીજા વિશ્વયુદ્ધ દરમ્યાનનાં દૃશ્યો ખૂબ જ ઝડપથી શૂટ કરવા પૂરતાં કરવામાં આવ્યાં હોય એવું લાગે છે. જગ્ગી અને સિમી વચ્ચેની કેમિસ્ટ્રી દેખાડવામાં પણ સ્નેહા નિષ્ફળ રહી છે. જોકે કપ્તાન સિંહ અને નિમો (શ્રિયા પિલગાંવકર)ની સ્ટોરીને સારી રીતે રજૂ કરવામાં આવી છે. સ્નેહાનું ડિરેક્શન એકદમ પ્રિડિક્ટેબલ છે. ફિલ્મમાં ડાયલૉગ પણ એટલા સ્ટ્રૉન્ગ નથી, પરંતુ એ અહીં ફિલ્મનો પ્લસ પૉઇન્ટ ગણવો. જો સ્ટોરીમાં દમ ન હોત અને ડાયલૉગ એકદમ સ્ટ્રૉન્ગ હોત તો એ બૅકફાયર કરી શક્યું હોત. અહીં ફિલ્મની સિનેમૅટોગ્રાફીને દાદ આપવી રહી. પંજાબને ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવ્યું છે અને સરસોંના ખેતને જોઈને યશ ચોપડાની યાદ અવશ્ય આવી જશે.

ઍક્ટિંગ

સની કૌશલે બન્ને સમયમાં તેની ઍક્ટિંગને ન્યાય આપવાની ભરપૂર કોશિશ કરી છે. જોકે સ્ટોરીમાં દમ ન હોવાથી તેની ઍક્ટિંગને આંકવી ખોટું ગણાશે. તેની પાસે પોતાની જાતને પુરવાર કરવા માટે એટલી સારી સ્ટોરી હોવી જરૂરી છે. બીજી તરફ રુખસાર ક્યુટ દેખાઈ છે, પરંતુ તેનાં એક્સપ્રેશન હજી જોઈએ એવાં નથી. તેણે સાઉથની ચારથી પાંચ ફિલ્મમાં કામ કર્યું છે. બન્ને વચ્ચેની કેમિસ્ટ્રી પણ જામતી નથી, પરંતુ તેમની નોક-ઝોક વચ્ચે-વચ્ચે હસાવી જાય છે. શ્રિયા પિલગાંવકરનું પાત્ર નાનું, પરંતુ મહત્ત્વનું છે. તેણે તેના પાત્રને પૂરતો ન્યાય આપ્યો છે અને તેમની લવ-સ્ટોરી એક વાર જોવી પણ ગમે છે.

માઇન્સ પૉઇન્ટ

બે કલાક અને દસ મિનિટની ફિલ્મમાં ટોટલ અગિયાર ગીત છે. આ ગીતને સહન કરવાં મુશ્કિલ હી નહીં, નામુમકિન હૈ. ફિલ્મની શરૂઆતથી લઈને અંત સુધી ગીત જ ગીત છે. એક વાર તો એવો સવાલ પણ થયો કે આ ફિલ્મ માટે રાઇટરને વધુ પૈસા આપવામાં આવ્યા હશે કે પછી લિરિસિસ્ટને? ફિલ્મનો મુખ્ય આધાર ભાંગડાની કૉમ્પિટિશન પર હતો, પરંતુ એમ છતાં ડાન્સની કોરિયોગ્રાફી ખૂબ જ નબળી છે. ભાંગડા અને વેસ્ટર્ન ડાન્સને મિક્સ કરવાનો પ્રયત્ન કર્યો છે, પરંતુ એક પણ ડાન્સ સ્ટેપ જોઈને તમને નવાઈ નહીં લાગે. એન્ટ્રીમાં રુખસાર જે રીતનો ડાન્સ કરે છે એવો ડાન્સ ચૅમ્પિયનશિપના ફાઇનલ રાઉન્ડમાં કેમ નથી કરતી દેખાડવામાં આવી? વૉરનાં દૃશ્યોને પણ ખૂબ જ ઝડપથી આટોપી લેવામાં આવ્યાં છે. બેત્રણ વ્યક્તિને બાદ કરતાં આ વૉરમાં કોઈને દેખાડવામાં નથી આવ્યા જેને પચાવી જાણવું ખૂબ જ મુશ્કેલ છે. લંડનમાં વર્લ્ડ ભાંગડા કૉમ્પિટિશન રાખવામાં આવી છે, પરંતુ એ જોવા માટે ફક્ત પંદરથી ૨૦ વ્યક્તિ જ આવી હોય એ ખરેખર નવાઈની વાત છે. અહીં ફિલ્મનું બજેટ ખૂબ જ ઓછું છે એ ખબર પડી જાય છે.

મ્યુઝિક

આ ફિલ્મનાં અગિયાર ગીત માટે કમ્પોઝર પ્રીતમ, રિશી રિચ, યશ નાર્વેકર અને એ. બાઝને પસંદ કરવામાં આવ્યા છે. ભાંગડા પર આધારિત ફિલ્મ હોવા છતાં એક પણ ગીત એવું નથી જે આપણે થિયેટરમાંથી બહાર નીકળતી વખતે ગાતાં-ગાતાં આવીએ. પંજાબી સૉન્ગ હાલમાં બૉલીવુડનો ટ્રેન્ડ બની ગયાં છે, પરંતુ જે ફિલ્મમાં એવાં ગીત હોવાં જોઈએ એમાં જ ન હોય એ શરમની વાત છે. ગીત કરતાં બૅકગ્રાઉન્ડ સ્કોર પ્રમાણમાં થોડો સારો છે.

આખરી સલામ

સ્ક્રિપ્ટ, ડિરેક્શન, સ્ક્રીનપ્લે, ડાયલૉગ અને કોરિયોગ્રાફી બધું જ કંગાળ હોવાથી સની કૌશલની ઍક્ટિંગ વિશે તારણ કાઢવું શક્ય નથી. એ માટે હવે ‘ધ ફર્ગોટન આર્મી’ની રાહ જોવી રહી. ફિલ્મની શરૂઆતમાં સલમાન ખાન અને સોહેલ ખાનને સ્પેશ્યલ થૅન્ક્સ કહેવામાં આવ્યું છે, પરંતુ એવી કોઈ આશા ન રાખવી કે તેઓ ફિલ્મમાં દેખાશે. ‘ભાંગડા પા લે’ નામ સલમાન પાસે હતું, પરંતુ રમેશ તૌરાણીના કહેવાથી એ નામ તેમણે આપી દીધું હોવાથી તેમનો આભાર માનવામાં આવ્યો છે.

bollywood news bollywood entertaintment