ફિલ્મ-રિવ્યુ - મેડ ઇન ચાઇના - ચલે તો ચાંદ તક નહીં તો શામ તક

24 October, 2019 01:21 PM IST  |  મુંબઈ

ફિલ્મ-રિવ્યુ - મેડ ઇન ચાઇના - ચલે તો ચાંદ તક નહીં તો શામ તક

મેડ ઇન ચાઇના

રાજકુમાર રાવ અને મૌની રૉયની ‘મેડ ઇન ચાઇના’ને લઈને ઘણી આશાઓ રાખવામાં આવી હતી, પરંતુ એના પર પાણી ફરી વળ્યું છે. રાજકુમાર રાવની ‘જજમેન્ટલ હૈ ક્યા’ પણ નિષ્ફળ રહી હતી અને આ ફિલ્મ પણ એ જ કક્ષાની છે. રાજકુમારની ફિલ્મોને લઈને ઘણી આશાઓ રાખવામાં આવે છે, પરંતુ આ એમાં ખરી નથી ઊતરતી.

ગુજરાતી ફિલ્મ ‘રૉન્ગ સાઇડ રાજુ’ના ડિરેક્ટર મિખિલ મુસાળેએ દ્વારા આ ફિલ્મને ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મની સ્ટોરી ઑન્ટ્રપ્રનર અને સેક્સની સમસ્યાને લઈને બનાવવામાં આવી છે. સેક્સના વિષય પર ‘વિકી ડોનર’, ‘શુભ મંગલ સાવધાન’ અને ‘ખાનદાની શફાખાના’ બની ગઈ છે. સેલ્સને લઈને ‘બૅન્ડ બાજા બારાત’, ‘રૉકેટ સિંહ: ધ સેલ્સમૅન ઑફ ધ યર’, ‘ગુરુ’ અને ‘બદમાશ કંપની’ જેવી ફિલ્મો બની ચૂકી છે. જોકે ‘મેડ ઇન ચાઇના’માં આ બન્ને ફિલ્મોની ફ્લેવરનો સમાવેશ કરી એક યુનિક સબ્જેક્ટ પર ફિલ્મ બનાવવામાં આવી હતી.

ચાઇનાની પ્રોડક્ટ

ફિલ્મની સ્ટોરી ગુજરાતી બિઝનેસમૅન રઘુવીર મહેતાની આસપાસ ફરે છે, જેનું પાત્ર રાજકુમાર રાવે ભજવ્યું છે. તેની પત્ની રુક્મિણીના પાત્રમાં મૌની રૉય છે. રુક્મિણી એક ભણેલી-ગણેલી છોકરી હોય છે, પરંતુ તે તેના પતિને ઑન્ટ્રપ્રનર બનવા માટે સપોર્ટ કરતી હોય છે. રઘુવીર ૧૩ પ્રકારના સ્ટાર્ટઅપમાં નિષ્ફળ રહ્યો હોય છે. તેના મોટા પપ્પા એટલે કે મનોજ જોષી દ્વારા તેને બિઝનેસમાં થોડોઘણો સપોર્ટ કરવામાં આવે છે.

મનોજ જોષીના દીકરા વનરાજના પાત્રમાં સુમીત વ્યાસ છે. રઘુવીરને નીચો પાડવા માટે વનરાજ અને મોટા પપ્પા એક પણ ચાન્સ નથી છોડતા. આ દરમ્યાન રઘુવીરને ચાઇના જવાનો ચાન્સ મળે છે. તેને ત્યાં જવાની બિલકુલ ઇચ્છા નથી હોતી, પરંતુ પરાણે તેણે ત્યાં જવું પડે છે. જોકે આ ટ્રિપ દરમ્યાન તેની મુલાકાત તન્મય શાહ એટલે કે પરેશ રાવલ સાથે થાય છે. તેમની પાસેથી રઘુવીરને બિઝનેસની ગુરુચાવી મળે છે અને ત્યાંથી ફિલ્મની ઓરિજિનલ સ્ટોરી આગળ વધે છે.

રૉન્ગ સાઇડ

‘રૉન્ગ સાઇડ રાજુ’ બાદ ડિરેક્ટર મિખિલ મુસાળે આ ફિલ્મમાં પોતે ‘રૉન્ગ સાઇડ’ આવી ગયા હોય એવું લાગે છે. નૅશનલ અવૉર્ડ મેળવનાર ડિરેક્ટર તેની બૉલીવુડની પહેલી ફિલ્મ આટલી કંગાળ બનાવે એ થોડું આશ્ચયજનક છે. ફિલ્મની શરૂઆત એક મર્ડરથી થાય છે. એક ચાઇનીઝ જનરલનું મૃત્યુ થાય છે અને એમાં રાજકુમાર રાવનું નામ આવે છે. રાજકુમાર એક ‘મૅજિકલ સૂપ’ વેચતો હોય છે જે લોકોમાં સેક્સ માટેની ભૂખ વધારે છે (જોકે આ સૂપ ચાઇનીઝ જનરલને શું કામ આપવામાં આવે છે એ સૌથી મોટો સવાલ છે). ફિલ્મની શરૂઆત આ ક્રાઇમના ઇન્વેસ્ટિગેશનથી થાય છે. આ પ્લૉટને એટલો ખેંચવામાં આવ્યો છે કે ફિલ્મ કોઈ ક્રાઇમ-થ્રિલર હોય એવું લાગે છે. જોકે આ ઘટનામાંથી બહાર આવતાં સ્ટોરી રઘુવીર પર સેટલ થાય છે. તે ઑન્ટ્રપ્રનર બનવા માગે છે, પરંતુ એ વિશે દેખાડવાને બદલે તેની પર્સનલ લાઇફ પર વધુ ફોકસ કરવામાં આવ્યું છે. તે બિઝનેસમાં શું કરે છે એના કરતાં વધુ તેને તેના મોટા પપ્પા શું કહે છે, કઝિન ભાઈ શું કહે છે અને પત્ની કેવો સપોર્ટ કરે છે એમાં લગભગ એક કલાક કાઢી નાખવામાં આવે છે. ૧૨૯.૫૭ મિનિટની આ ફિલ્મમાં ઇન્ટરવલ પહેલાંનો પાર્ટ ખૂબ જ બોરિંગ છે. સ્ક્રીનપ્લે એટલો કંગાળ છે કે તમને સૂવાનું મન થાય તો નવાઈ નહીં.

ઇન્ટરવલ બાદ ફિલ્મની સ્ટોરી થોડી ટ્રૅક પર આવે છે, પરંતુ એ ટ્રૅક પર આવતાંની સાથે જ ફરી ઊતરી પણ જાય છે. આ માટે નિરેન ભટ્ટની સ્ટોરી અને કરણ વ્યાસના ડાયલૉગ જવાબદાર છે. સ્ટોરી ટુકડા-ટુકડામાં પસંદ આવે છે. તેમ જ ફિલ્મમાં એક-બે ડાયલૉગને બાદ કરતાં એક પણ ડાયલૉગ એવો નથી કે તમને પસંદ પડે. યાદ રહી જાય એ તો દૂરની વાત છે. કંગાળ સ્ક્રીનપ્લેને કારણે મિખિલ પણ ડિરેક્શનના ક્ષેત્રમાં આમતેમ ભટકી ગયો હોય એવું લાગે છે. રાજકુમાર રાવ અને મૌની રૉય વચ્ચેની કેમિસ્ટ્રીમાં કોઈ દમ નથી. તેમની વચ્ચેના સેન્સ્યુઅલ ગીતમાં પણ દમ નથી. જોકે એમ છતાં તેણે ગુજરાતની ફ્લેવરને જબરદસ્ત
રીતે સાંકળી રાખી છે. ‘જબ હૅરી મેટ સેજલ’ કે પછી અન્ય ફિલ્મોમાં જે ગુજરાતી પાત્રો દેખાડવામાં આવે છે એના કરતાં આ પાત્રો ખૂબ જ ઓરિજિનલ લાગે છે.

આ માટે ડિરેક્ટરને દાદ આપવી જરૂરી છે.

ઍક્ટિંગ-ઍક્ટિંગ

રાજકુમાર રાવની ઍક્ટિંગ પર સવાલ કરવો શક્ય નથી. તેણે ગુજરાતી બિઝનેસમૅનનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે. તેણે જેટલું સારું ભજવ્યું છે એટલું જ વિચિત્ર મૌનીનું પાત્ર લાગે છે. તે ગુજરાતી મહિલાના પાત્રમાં જરા પણ બંધબેસતી નથી. તેમ જ તેના એક્સપ્રેશનલેસ ચહેરાના કારણે સ્ક્રીન પર પણ એટલો ચાર્મ જોવા નથી મળતો. એક તો તેને નામપૂરતું કામ આપવામાં આવ્યું છે. ‘ગોલ્ડ’, ‘રોમિયો અકબર વૉલ્ટર’ બાદ આ તેની ત્રીજી ફિલ્મ છે. ત્રણેય ફિલ્મમાં તે ફક્ત નામપૂરતી કહો કે પછી ગીતપૂરતી એમાં ખોટું નથી. મનોજ જોષી અને સંજય ગોરડિયાએ તેમનું નાનું, પરંતુ મહત્ત્વનું પાત્ર ખૂબ જ સારી રીતે ભજવ્યું છે.
જોકે અહીં સુમિત વ્યાસ અને પરેશ રાવલના પાત્રને વધુ એક્સપ્લોર કરવાની જરૂર હતી. કંગાળ સ્ટોરીને કારણે મૌની રૉય અને અમાયરા દસ્તુરના પાત્રને પણ વેડફી કાઢવામાં આવ્યાં છે. જોકે તેઓ ફિલ્મમાં ન હોત તો પણ સ્ટોરીને કોઈ ફરક ન પડ્યો હોત.

ફિલ્મની જાન છે ડૉક્ટર વર્ધી. આ પાત્ર બમન ઈરાનીએ ભજવ્યું છે. તેમણે એક સેક્સોલૉજિસ્ટનું પાત્ર ભજવ્યું છે. ૭૦ વર્ષની ઉંમરનું પાત્ર ભજવી રહ્યા છે એ ધ્યાનમાં રાખીને તેમણે ખૂબ જ ઉમદા ઍક્ટિંગ કરી છે. તેમના ચહેરાના હાવભાવ પણ ઘણી વાત કહી જાય છે. આ વાતને સ્ક્રીન પર મિખિલે ખૂબ જ સરસ રીતે રજૂ કરી છે.

પ્લસ પૉઇન્ટ

ફિલ્મની સ્ટોરી તો ખૂબ જ કંગાળ છે, પરંતુ એમ છતાં પેરન્ટ્સ મીટિંગનું એક સવાલ-જવાબનું સેશન ખૂબ જ સારી રીતે રજૂ કરવામાં આવ્યું છે. આ દૃશ્ય તમને ‘૩ ઇડિયટ્સ’ના ચતુરની યાદ જરૂર અપાવશે. જોકે આ સેશનમાં સેક્સ વિશે વાત કરવામાં આવી છે. આ સાથે જ એન્ડની બમન ઈરાનીની સ્પીચ ખૂબ જ અદ્ભુત છે. સેક્સ એજ્યુકેશન વિશે તેમણે ખૂબ જ સારી સ્પીચ આપી છે અને આ બે દૃશ્ય ફિલ્મની જાન છે.

મ્યુઝિક અને બૅકગ્રાઉન્ડ

ફિલ્મનાં બે ગીત ખૂબ જ ફેમસ થયાં છે. જોકે આ બન્ને ‘સનેડો’ અને ‘ઓઢણી’ રીક્રિએટ કરવામાં આવ્યાં છે. આ સાથે જ લવ સૉન્ગ ‘વાલમ’નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે આ તમામ ગીત એક્સપેક્ટેડ છે. મતલબ કે કયું ગીત ક્યારે આવશે એ તમને સ્ટોરી સાથે ખબર પડી જાય છે. ફિલ્મનું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક અમુક જગ્યાએ દૃશ્ય પર હાવી થઈ જાય છે અને એ ખૂબ જ લાઉડ લાગે છે.

આ પણ વાંચો : બાળકોની સાથે વયસ્કો માટે પણ શિક્ષણ ખૂબ જરૂરી છે : બમન ઈરાની

આખરી સલામ

માર્કેટમાં સૌથી વધુ પ્રોડક્ટ ચાઇનાની વેચાય છે, પરંતુ આ પ્રોડક્ટનું વેચાણ મુશ્કેલ છે. ચાઇનાની પ્રોડક્ટ માટે એમ કહેવાય છે કે ચલે તો ચાંદ તક નહીં તો શામ તક. જોકે આ પ્રોડક્ટને શામ તક ચાલવામાં પણ ઘણી મુશ્કેલી પડશે.

rajkummar rao mouni roy bollywood news movie review film review