17 March, 2026 11:54 AM IST | Los Angeles | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ચોપડા તેના ડ્રેસિંગ અને લુકથી છવાઈ ગઈ હતી
આ વર્ષે પ્રતિષ્ઠિત ઑસ્કર અવૉર્ડ્સ સમારોહમાં પ્રિયંકા ચોપડા તેના ડ્રેસિંગ અને લુકથી છવાઈ ગઈ હતી. પ્રિયંકાએ આ અવૉર્ડ્સ ફંક્શનમાં પ્રેઝન્ટર તરીકે જવાબદારી નિભાવી હતી અને પતિ નિક જોનસ સાથે હાજરી આપી હતી. ઈશા અંબાણી પણ રેડ કાર્પેટ પર પતિ આનંદ પિરામલ સાથે જોવા મળી હતી.
રેડ કાર્પેટ પર પ્રિયંકાએ ટોચની બ્રૅન્ડ ‘ડિઓર’નું સુંદર વાઇટ સ્ટ્રૅપલેસ ગાઉન પહેર્યું હતું જેમાં ફેધર ડિટેલિંગ અને હાઈ સ્લિટ હતી. પ્રિયંકાના કસ્ટમ-મેડ વાઇટ ગાઉનની કિંમત ૮૦ લાખથી ૧.૬ કરોડ રૂપિયાની આસપાસ હોવાની ધારણા છે. પ્રિયંકાએ બુલગારીનો ડાયમન્ડ નેકલેસ પહેર્યો હતો અને આ બ્રૅન્ડના હાઈ-જ્વેલરી કલેક્શનની કિંમત ૧૦ કરોડથી લઈને ૫૦ કરોડ રૂપિયા જેટલી હોઈ શકે છે.
બૉલીવુડથી લઈને હૉલીવુડ સુધીની સફર કરનાર પ્રિયંકા ચોપડાએ ઑસ્કર અવૉર્ડ્સમાં પ્રેઝન્ટર તરીકેની જવાબદારી નિભાવીને ભારતનું ગૌરવ વધાર્યું છે. આ ખાસ પ્રસંગે પ્રિયંકાને સપોર્ટ કરવા માટે તેનો પતિ નિક જોનસ પણ હાજર હતો. રેડ કાર્પેટ પર પહોંચતાં પહેલાં નિકે સોશ્યલ મીડિયામાં એક વિડિયો-ક્લિપ શૅર કરી હતી જેમાં તે પાણી પી રહ્યો છે. આ વિડિયોમાં નિકના હાથ પર બંધાયેલી નાડાછડી સ્પષ્ટ દેખાતી હતી અને તેણે ભારતીય ફૅન્સનું ધ્યાન ખેંચ્યું છે. નાડાછડી એ લાલ અને પીળા રંગનો પવિત્ર સુતરાઉ દોરો છે જે ધાર્મિક અને પરંપરાગત રીતે કાંડા પર બંધાય છે. નિકના કાંડા પરની નાડાછડીને ભારતીય ધાર્મિક સંસ્કૃતિ સાથે જોડાણનું પ્રતીક માનવામાં આવે છે. નિક દ્વારા ભારતીય રિવાજોનું પાલન કરવાની રીત પણ લોકોને ખૂબ ગમે છે અને સોશ્યલ મીડિયા પર ફૅન્સ તેની પ્રશંસા કરી રહ્યા છે.
પ્રિયંકા ચોપડા અને તેનો પતિ નિક જોનસ ઑસ્કર અવૉર્ડ્સના ફંક્શન પછીની આફ્ટર પાર્ટીમાં સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળ્યાં હતાં. પાર્ટીમાં હાજર રહેલા ઘણા લોકોની નજર આ કપલ પર જ અટકી હતી. આફ્ટર પાર્ટી માટે પ્રિયંકાએ બોલ્ડ અને ગ્લૅમરસ લુક પસંદ કર્યો હતો. તેણે આ પાર્ટી માટે ચમકદાર મેટલિક ગાઉન પસંદ કર્યો હતો અને ડ્રેસના નીચેના ભાગમાં બ્રાઉન રંગનું ફૉક્સ ફર લાગેલું હતું. પ્રિયંકાએ પોતાના આઉટફિટ સાથે મેળ ખાતો ફર સ્ટોલ પણ લીધો હતો જેને કારણે તેનો આખો લુક વધુ ખાસ દેખાતો હતો. પ્રિયંકાએ આ લુકને ઇઅરરિંગ્સ, એક ડાયમન્ડ રિંગ અને ગોલ્ડ હીલ્સ સાથે કમ્પ્લીટ કર્યો હતો.