ઇન્ડિયન ​રેસ્ટોરાંમાં એક ડિનર માટે ૪૮ લાખ ખર્ચ્યા જૉની ડેપે

08 June, 2022 03:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હૉલીવુડ ઍક્ટર જૉની ડેપે એક ડિનર માટે ૪૮ લાખ રૂપિયા ખર્ચ કર્યા હોવાની ચર્ચા છે.

ઇન્ડિયન ​રેસ્ટોરાંમાં એક ડિનર માટે ૪૮ લાખ ખર્ચ્યા જૉની ડેપે

હૉલીવુડ ઍક્ટર જૉની ડેપે એક ડિનર માટે ૪૮ લાખ રૂપિયા ખર્ચ કર્યા હોવાની ચર્ચા છે. એક્સ-વાઇફ ઍમ્બર હર્ડ સામેનો કેસ જીતી ગયાના થોડા દિવસ બાદ એક રેસ્ટોરાંમાં તેના ફ્રેન્ડ્સ સાથે જોવા મળ્યો હતો. બર્મિંગહૅમમાં આવેલી વારાણસી રેસ્ટોરાંમાં તે રવિવારે તેના ફ્રેન્ડ્સ સાથે જોવા મળ્યો હતો. તેણે ઑથેન્ટિક ઇન્ડિયન ફૂડ, કૉકટેલ અને રોસ શૅમ્પેનની લિજ્જત માણી હતી. જૉનીએ પાર્ટી આપી હતી એમાં તેનો ફ્રેન્ડ જેફ બેક અને અન્ય ૨૦ જણે હાજરી આપી હતી. જૉની હાલમાં તેના ફ્રેન્ડ જેફની ટૂરમાં જોડાયો છે. તે તેના ઘણા શોમાં પણ સ્ટેજ પર ગિટાર સાથે જોવા મળ્યો હતો. ૨૦,૦૦૦ સ્ક્વેર ફીટની આ રેસ્ટોરાં ખાસ જૉની માટે બંધ કરવામાં આવી હતી જેથી તે પ્રાઇવેટમાં તેના ફ્રેન્ડ્સ સાથે ભોજનની મજા લઈ શકે. આ વિશે વારાણસીના ઑપરેશન ડિરેક્ટર મોહમ્મદ હુસેને કહ્યું હતું કે ‘રવિવારે બપોરે અચાનક અમને ફોન આવ્યો હતો કે જૉની ડેપ અમારી રેસ્ટોરાંમાં આવવા માગે છે. મને શૉક લાગ્યો હતો, પરંતુ પછી થયું કે આ કદાચ મજાક હોઈ શકે. જોકે ત્યાર બાદ તેની સિક્યૉરિટીએ આવીને રેસ્ટોરાંની તપાસ કરી હતી અને ત્યાર બાદ ફાઇનલ થયું હતું. જૉની ડેપને પ્રાઇવસી મળે એ હેતુથી અમે રેસ્ટોરાં અન્ય લોકો માટે બંધ રાખી હતી. તેમણે અમારા સ્ટાફ, ફ્રેન્ડ્સ અને ફૅમિલી સાથે ઘણો સમય પસાર કર્યો હતો અને ફોટો પણ ક્લિક કરાવ્યા હતા. તેઓ ખૂબ જ મોટા સ્ટાર છે અને એમ છતાં તેમણે અમને ખૂબ જ સમય આપ્યો હતો. તેમનું બિલ પાંચ આંકડામાં હતું. શનિવારે અમારા સૌથી વધુ ગ્રાહક હોય છે જે લગભગ ૪૦૦ જેટલા હોય છે. એ તમામ કરતાં અમારો બિઝનેસ જૉની ડેપની એકમાત્ર વિઝિટમાં વધુ થયો હતો. રેસ્ટોરાં કેવી રીતે કામ કરે છે અને CCTV વિશે પણ તેમણે મારી સાથે ચર્ચા કરી હતી.’

hollywood news johnny depp