`John Wick Chapter 4 Review` : સુંદર સૂર્યોદયના દ્રશ્ય સાથે જૉન વિકની સ્ટોરીનો અંત?

25 March, 2023 08:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

‘જૉન વિક ચૅપ્ટર 4’નો ટોટલ રન ટાઇમ 3 કલાક અને 45 મિનિટનો રહેવાનો હતો પણ કોઈ સંજોગોના કારણે ફિલ્મનો રન ટાઇમ બે કલાક અને 49 મિનિટ કરી થિયેટરમાં રિલીઝ કરવામાં આવી છે.

જૉન વિક ચૅપ્ટર 4નું પોસ્ટર : તસવીર સૌજન્ય વિરેન છાયા

ફિલ્મ : જૉન વિક ચૅપ્ટર 4

કાસ્ટ : કિયાનું રીવ્સ, ડૉની યેન, બિલ સ્કર્સ્ગર્ડ

ડાઇરેક્ટર : ચાડ સ્ટેહેલ્સ્કી

પ્લસ પોઇંટ્સ : ફિલ્મની લોકેશન્સ, ઍક્શન સીન અને સિનેમેટોગ્રાફી

રેટિંગ : 4 / 5

2014માં આવેલી ‘જૉન વિક’ (John Wick) ઍક્ટર કિયાનુ રીવ્સ (Keanu Reeves)ના ઍક્ટિંગ કરિયરને ફરી જીવંત કરનારી ફિલ્મ માનવમાં આવે છે. જબરજસ્ત ઍક્શન, ફાઇટ સીક્વન્સ, અંડરવર્લ્ડની દુનિયા અને માફિયારાજને ખુબ જ સરસ રીતે ફ્લિમમાં દર્શાવવા માટે જૉન વિક  ઍક્શનફિલ્મના ફૅન્સને પોતાની તરફ આકર્ષિત કરે છે. આ ફિલ્મના અત્યાર સુધી 3 ભાગ આવ્યા છે, અને ફિલ્મના દરેક ભાગે દર્શકોને એકથી એક ચડિયાતી ઍકશનથી ભરપૂર ફિલ્મો આપી છે. જૉન વિક ચૅપ્ટર 4’ (John Wick Chapter 4) આ ફિલ્મ સીરિઝનો ચોથો ભાગ છે જે 23 માર્ચ 2023ના રોજ થિયેટર્સમાં રિલીઝ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં જૉન વિકનું પાત્ર 58 વર્ષના કીઆનુ રીવ્ઝે ભજવ્યું છે અને તેમણે ફરી ઍકશન અને ઍક્ટિંગથી દર્શકોને પ્રભાવિત કર્યા છે. ‘જૉન વિક ચૅપ્ટર 4’નો ટોટલ રન ટાઇમ 3 કલાક અને 45 મિનિટનો રહેવાનો હતો પણ કોઈ સંજોગોના કારણે ફિલ્મનો રન ટાઇમ બે કલાક અને 49 મિનિટ કરી થિયેટરમાં રિલીઝ કરવામાં આવી છે એવું ફિલ્મના ડિરેક્ટર ચાડ સ્ટેહેલ્સ્કી (Chad Stahelski)એ કહ્યું હતું.

ફિલ્મની વાર્તા

જૉન વિક ચૅપ્ટર 4 સ્ટારિંગ કિયાનુ રીવ્સની સ્ટોરી જૉન વિક ચૅપ્ટર 3 parabellumની વાર્તાને આગળ વધારતા ફિલ્મનું મુખ્ય પાત્ર જૉન વિક હાઇ ટેબલની ગુલામીમાંથી પોતાને આઝાદ કરવા અને જીવનની નવી શરૂઆત કરવા માટે અનેક પ્રયત્નો કરે છે. ફિલ્મમાં વિલન ‘માર્ક્વિસ ડી ગ્રામોન્ટનું (Marquis de Gramont) પાત્ર ભજવનાર ‘બિલ સ્કર્સ્ગર્ડ’ (Bill Skarsgard) જૉન વિકને મારવા માટેના પ્રયત્નો કરે છે અને ફિલ્મમાં જૉન વિક મિત્રો સાથે મળીને પોતાને કેવી રીતે બચાવે છે તે આ ફિલ્મે અદ્ભુત સ્ટોરી અને ઍકશન વડે દર્શાવ્યું છે. જૉન વિક ફિલ્મના વિલન માર્ક્વિસ ડી ગ્રામોન્ટ સુધી પહોંચવા જૉન તેને મારવા આવેલા દરેક હત્યારાને મારીને પોતાનો જીવ બચાવે છે તે આ ફિલ્મમાં સરસ ઍક્શન સીન્સ સાથે દર્શાવવામાં આવ્યું છે.

પર્ફોમન્સ

હોલીવૂડના સૌથી જાણીતા અને લોકપ્રિય અભિનેતા કિયાનુ રીવ્સ પોતાની દરેક ફિલ્મમાં દર્શકોના મનમાં પોતાની છાપ છોડી જાય તેવું પર્ફોમન્સ આપે છે, અને તેમની આ ચોથી ફિલ્મ છે જેમાં તે જૉન વિકનું પાત્ર ભજવી રહ્યા છે અને તેમણે આ ફિલ્મમાં પણ તેમના પાત્રને પૂરેપૂરો ન્યાય આપ્યો છે. ફિલ્મમાં ઍક્ટર બિલ સ્કર્સ્ગર્ડ જેઓ હોરર ફિલ્મ ITમાં પેની વાઇસનો રોલ કરવા માટે જાણીતા છે તેમણે આ ફિલ્મમાં માર્ક્વિસ ડી ગ્રામોન્ટ Marquis de Gramont, નામનું પાત્ર ભજવ્યું છે અને તેમના પાત્રને સ્ક્રીન પર જોઈને તમને તેમના પાત્રમાં ક્લાસ, રૉયલ્ટી અને પર્ફેક્ટ ઍક્ટિંગનો અનુભવ થશે. ફિલ્મમાં ડૉની યેને (Donnie Yen) કૈન (Caine) નામના એક અંધ હત્યારા (Assassin)નું પાત્ર ભજવ્યું છે અને તે પોતાની દીકરીને બચાવવા જૉન વિકને મારવા માટે વિલનનો સાથ આપે છે. ફિલ્મમાં સૌથી વધારે કોઈએ દર્શકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હોય તો તે ડૉની યેન છે. ફિલ્મમાં અનેક દિગ્ગજ અભિનેતાઓ અને સ્ટંટમેન્સ છે જેમના લીધે દરેક પાત્રોનો પરિચય સરળ અને ખુબ જ સરસ રીતે ફિલ્મમાં જોવા મળે છે.

આ પણ વાંચો: Viral Video: કિઆનુ રીવ્ઝના આવા વિચિત્ર વીડિયો જોઈને ફેન્સ થયા નારાજ

પ્લસ પોઇંટ્સ

જ્યાં જૉન વિકના પહેલા, બીજા અને ત્રીજા ભાગમાં, ફિલ્મની લોકેશન અમેરિકાના ન્યુ યોર્ક શહેરની દર્શાવવામાં આવી હતી તે ફિલ્મના ચોથા ભાગને યુરોપના બર્લિન, અને પૅરિસમાં શૂટ કરવામાં આવ્યો છે અને ફિલ્મનો એક ઍક્શન પ્લૉટ જપાનમાં પણ શૂટ કરવામાં આવ્યો છે. ફિલ્મની દરેક લોકેશન અને પાત્રો ફિલ્મના દરેક સીન અને સ્ટોરીને બિલ્ડઅપ કરવામાં અસરદાર સાબિત થાય છે. જૉન વિક એક એવી ફિલ્મ છે જે પોતાની સ્ટોરીથી વધારે ફિલ્મના ઍક્શન સીનથી દર્શકોને મનોરંજન પૂરું પાડવાનું કામ કરે છે. જૉન વિક 4 ફિલ્મમાં ભરપૂર ઍક્શન હોવાને લીધે ફિલ્મની સિનેમેટોગ્રાફીનું કામ મુશ્કેલ બની જાય છે પણ આ ફિલ્મ અદભૂત સિનેમેટોગ્રાફી તકનિકથી દરેક ઍકશન સીન માટે અલગ કૅમેરા એંગલનો ઉપયોગ જૉન વિક ફિલ્મને બીજી ઍકશન ફિલ્મોથી જુદી અને રસપ્રદ બનાવે છે.

ફિલ્મ જોવી કે નહીં

જૉન વિક ચૅપ્ટર 4 એક ટોટલ ઍક્શન અને સસ્પૅન્સથી ભરપૂર રેટેડ આર (Rated R) ફિલ્મ છે જેમાં ગન્સ, બ્લડ અને વાઇલેન્સ (Guns, Blood and Violence) હોવાથી આ ફિલ્મ 18 વર્ષથી વધારે ઉંમર વાળા દર્શકો માટે છે. ફિલ્મ સ્ટોરી અને ઍક્શનથી ભરપૂર છે જે તમને દરેક રીતે ઍન્ટરટેઈન્મેન્ટ આપશે. આ ફિલ્મની સ્ટોરી સમજવા માટે તમે જૉન વિક ફિલ્મના ત્રણેય ભાગ ન જોયા હોય તો ફિલ્મની સ્ટોરી સમજવામાં મુશ્કેલી આવશે.

(ફિલ્મ રિવ્યૂ : વિરેન છાયા)

entertainment news hollywood film review hollywood news movie review keanu reeves film review