હૉલીવૂડ અભિનેતા એલેક બાલ્ડવિને સેટ પર ચલાવી ગોળી, મહિલા સિનેમેટોગ્રાફરનું મોત

22 October, 2021 01:02 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

હૉલીવૂડ અભિનેતા એલેક બાલ્ડવિન (Alec Baldwin) દ્વારા એવી ઘટના બની કે એક મહિલા સિનેમેટોગ્રાફરે પોતાનો જીવ ગુમાવવો પડ્યો.

એલેક બાલ્ડવિન

હૉલીવૂડ અભિનેતા એલેક બાલ્ડવિન (Alec Baldwin) દ્વારા એવી ઘટના બની કે એક મહિલા સિનેમેટોગ્રાફરે પોતાનો જીવ ગુમાવવો પડ્યો. ન્યૂ મેક્સિકોના એક ફિલ્મ સેટ પર શુક્રવારે એક અમેરિકી અભિનેતા એલેક બાલ્ડવિને ગોળી ચલાવી હતી, જેમાં એક મહિલા સનિમેટોગ્રાફરનું મોત થયું છે. મહિલા સિનેમેટોગ્રાફરનું ઘટનાસ્થળે જ  મોત નિપજ્યું હતું.  જ્યારે આ ઘટનામાં ફિલ્મ નિર્દેશક પણ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. 

આ સંદર્ભે પોલીસે કહ્યું કે આ ઘટના સેંટા-ફે-ફિલ્મ સેટ પર બની હતી. બાલ્ડવિન ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યાં છે.  શૂટિંગ દરમિયાન બાલ્ડવિને પ્રૉપ ગનથી ગોળી ચલાવી દીધી હતી, જેનાથી મહિલા સિનેમેટોગ્રાફરનું મોત થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે હજી સુધી આ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો નથી. પોલીસે કહ્યું કે તે આ ઘટના મામલે ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે શૂટિંગમાં હાજર લોકોની પૂછપરછ કરવામાં આવશે. પૂછપરછ બાદ જે તારણ બહાર આવશે તેના આધારે પોલીસ કેસ કરશે. અહેવાલો અનુસાર, હેલિના હચકિન્સને અકસ્માત બાદ તાત્કાલિક આલ્બુકર્કની યુનિવર્સિટી ઓફ ન્યૂ મેક્સિકો હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, પરંતુ તેનો જીવ બચાવી શકાયો ન હતો.

આ અકસ્માત બાદ ફિલ્મનું શૂટિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. એલેક બાલ્ડવિન આ ફિલ્મના અભિનેતા તેમજ તેના નિર્માતા છે. ન્યૂ મેક્સિકો ફિલ્મ ઓફિસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, હાલમાં નવેમ્બરની શરૂઆત સુધી ફિલ્મના શૂટિંગ પર પ્રતિબંધ રહેશે. શૂટિંગને લગતો કોઈ પણ નિર્ણય પોલીસ દ્વારા કાર્યવાહી કર્યા બાદ જ લેવામાં આવશે.

hollywood news alec baldwin united states of america