ફિલ્મ-રિવ્યુ - ફાસ્ટ ઍન્ડ ફ્યુરિયસ : હૉબ્સ ઍન્ડ શૉ

02 August, 2019 11:55 AM IST  |  મુંબઈ

ફિલ્મ-રિવ્યુ - ફાસ્ટ ઍન્ડ ફ્યુરિયસ : હૉબ્સ ઍન્ડ શૉ

ફાસ્ટ ઍન્ડ ફ્યુરિયસ : હૉબ્સ ઍન્ડ શૉ

હૉલીવુડની સૌથી ફેમસ ફિલ્મ સિરીઝમાંની એક ‘ફાસ્ટ ઍન્ડ ફ્યુરિયસ’ની પહેલી વાર સ્પિન ઑફ સિરીઝ શરૂ કરવામાં આવી છે. આ સ્પિન ઑફ સિરીઝની પહેલી ફિલ્મનું નામ ‘ફાસ્ટ ઍન્ડ ફ્યુરિયસ : હૉબ્સ ઍન્ડ શૉ’ રાખવામાં આવ્યું છે. હૉબ્સ એટલે ડ્વેઇન જૉન્સનનું પાત્ર લૂક હૉબ્સ અને શૉ એટલે જેસન સ્ટેધમનું પાત્ર ડેકર્ડ શૉ. આઠ ફિલ્મોની મારધાડ સફળતા બાદ હવે સ્પિન ઑફનું સર્જન કરવામાં આવ્યું છે. હૉબ્સ અને શૉના પાત્ર બાદ અન્ય ઘણાં પાત્રો છે જેની પણ સ્પિન ઑફ બનાવવામાં આવશે.

ફ્લૅશબૅક

અમેરિકાની ડિપ્લોમૅટિક સિક્યૉરિટી સર્વિસના લૉયલ એજન્ટ હૉબ્સને ફરી દુનિયા બચાવવાનો ટાસ્ક આપવામાં આવે છે. આ ટાસ્કમાં તેને સાથ આપવા જઈ રહ્યો છે ડેકર્ડ શૉ. શૉ બ્રિટિશ મિલિટરી ઇલાઇટ ઑપરેટિવનો ફૉર્મર એજન્ટ હોય છે. હૉબ્સ સરકારી એજન્ટ હોય છે, પરંતુ તે કોઈ પણ કામ સરકારના નિયમ અનુસાર નથી કરતો. જ્યારે પણ નિયમની બહાર રહીને કામ કરવાનું હોય ત્યારે હૉબ્સને કેસ આપવામાં આવે છે. શૉને કોઈ સાથે કશી લેવા-દેવા નથી હોતી. તે ફક્ત પોતાના કામથી મતલબ રાખે છે અને તેને ઇચ્છા થાય ત્યારે તે સ્થળ અથવા તો વ્યક્તિને બૉમ્બથી ઉડાડી દે છે. હૉબ્સની એન્ટ્રી ૨૦૧૧માં આવેલી ‘ફાસ્ટ ફાઇવ’માં થઈ હતી. ત્યાર બાદ તે સતત આ ફ્રૅન્ચાઇઝીમાં જોવા મળ્યો છે અને તે હવે ખૂબ મહત્ત્વનો પાર્ટ બની ગયો છે. ડેકર્ડ શૉની એન્ટ્રી ‘ફ્યુરિયસ સેવન’માં થઈ હતી અને તે ‘ધ ફેટ ઑફ ધ ફ્યુરિયસ’ એટલે કે આઠમા પાર્ટમાં પણ જોવા મળ્યો હતો. ડેકર્ડ શૉ તેના ભાઈ ઓવેન શૉના મર્ડરનો બદલો લેવા માટે આવ્યો હોય છે.

સ્ટોરીટાઇમ

આ ફિલ્મની સ્ટોરી એક ડેડલી વાઇરસ પર આધારિત છે. ‘અવેન્જર્સ : એન્ડગેમ’માં થેનોસ જેમ દુનિયાના અડધા વ્યક્તિને મારીને પ્રકૃતિને બચાવવા માગતો હોય એમ જ આ ફિલ્મમાં વિલન એક વા‌ઇરસની મદદથી લોકોને મૃત્યુને ઘાટ પહોંચાડી પૃથ્વીનો સર્વનાશ થતો બચાવવા માગે છે. જોકે આ ખોટું હોવાથી એમઆઇ૬ની એજન્ટ વેનેસા કિર્બી એ વાઇરસને ચોરી લે છે અને એ ખોટા હાથમાં જાય એ પહેલાં પોતાની બૉડીમાં ઇન્સર્ટ કરી દે છે. હવે જો તે આ વાઇરસને પોતાની બૉડીમાંથી બે દિવસમાં નહીં કાઢે તો તેનું મૃત્યુ નિશ્ચિત હોય છે. જોકે તે અચાનક ગાયબ થઈ ગઈ હોવાથી તેને ટેરરિસ્ટ જાહેર કરી દેવામાં આવે છે અને હૉબ્સને તેને શોધવા માટે મોકલવામાં આવે છે. વેનેસા ડેકર્ડ શૉની બહેન છે અને એ માટે તેને પણ આ મિશનમાં સામેલ કરવામાં આવે છે. હૉબ્સ અને શૉએ સાથે કામ કરવું એટલે સામત આવવી. જોકે હૉબ્સ દુનિયા માટે અને ડેકર્ડ તેની બહેન માટે સાથે મળીને કામ કરે છે અને ત્યાંથી શરૂ થાય છે ટૉમ ઍન્ડ જેરીનું ઍક્શન વર્ઝન.

ઍક્શન-એ-બહાર

ફિલ્મમાં વિલન (જેનો ફક્ત અવાજ સાંભળવા મળશે) તરીકે કામ કરતા બ્રિક્સટન એટલે કે ઇદ્રિસ અલ્બાએ ધમાકેદાર કામ કર્યું છે. સાઇબર-જી‌નેટિકલી તે ખૂબ જ પાવરફુલ અને બુલેટ-પ્રૂફ બની જાય છે. હૉબ્સ અને શૉની ઇમેજ પ્રમાણે ફિલ્મમાં પહેલેથી લઈને છેલ્લે સુધી ઍક્શનનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ એ બન્નેને કોઈએ ટક્કર આપી હોય તો એ છે બ્રિક્સટન. ફિલ્મનો એક માઇનસ પૉઇન્ટ એ છે કે એન્ડના ક્લાઇમૅક્સનાં મોટા ભાગનાં દૃશ્યો ટ્રેલરમાં દેખાડી દેવામાં આવ્યાં છે. જોકે એ સિવાય પણ ઘણી ઍક્શન જોવા મળશે. ગોળીઓના વરસાદ અને બૉમ્બધડાકા વચ્ચે હૉબ્સ-શૉ અને બ્રિક્સટનની ફાઇટ ખૂબ અદ્ભુત છે. ‘ફાસ્ટ ઍન્ડ ફ્યુરિયસ’ સિરીઝને અનુરૂપ દિલધડક ઍક્શન-દૃશ્યો પણ આમાં છે.

પ્લસ પૉઇન્ટ

ફિલ્મની સ્ટોરી ઍડ્વાન્સ ટેક્નૉલૉજીની આસપાસ ફરે છે. બંદૂક ચલાવવા માટે હવે ચિપની જરૂર પડતી હોય છે જેથી કોઈ પણ વ્યક્તિના હાથમાં બંદૂક આવે તો પણ એ ચલાવી ન શકે. આ કેસમાં હૉબ્સ અને શૉ હથિયાર વગરના બને છે અને તેઓ ટેક્નૉલૉજીથી દૂર રહેલા વિસ્તાર સામોઆ પહોંચે છે. આ ફિલ્મમાં સામોઆ કલ્ચરને દેખાડવામાં આવ્યું છે જે રૉક એટલે કે ડ્વેઇન જૉન્સનનું ઓરિજિનલ કલ્ચર છે. ફિલ્મમાં તેના કઝિન રેસલર રોમન રેનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. WWFના ફૅન્સ માટે રૉક અને રોમનની રેસલિંગ ફાઇટની સ્ટાઇલ આ ફિલ્મમાં ખૂબ એક્સાઇટિંગ છે.

રોહિત શેટ્ટી સ્ટાઇલ

ફિલ્મને ‘ડેડપૂલ 2’ના ડિરેક્ટર ડેવિડ લીચે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં રોહિત શેટ્ટીની ફિલ્મની ઘણી ઝલક જોવા મળશે. ઘણી ઍક્શન એવી છે જે જોઈને આપણને લાગે કે એ શક્ય જ નથી. ખાસ કરીને અંતમાં પીપળાઓને જમીનમાંથી બૉમ્બ તરીકે છોડવામાં આવે એ. બ્રિક્સટન ફિલ્મમાં પોતાને ‘બ્લૅક સુપરમૅન’ કહે છે અને તેની પાસે એક બાઇક હોય છે. જોકે આ બાઇકમાં શું હોય છે અને એ કેવી રીતે ટ્રાન્સફૉર્મ થતી હોય એનો કોઈ ઉલ્લેખ નથી. માઇકલ બેની ‘ટ્રાન્સફૉર્મર્સ’ સિરીઝમાં આપણે કારને રોબોટમાં ટ્રાન્સફૉર્મ થતી જોઈ છે, પરંતુ એમાં એ દેખાડવામાં આવ્યું છે કે તેઓ ટ્રાન્સફૉર્મર્સ છે. જોકે અહીં એવો કોઈ ઉલ્લેખ નથી. સાથે જ ફિલ્મમાં ‘ડેડપૂલ’ સિરીઝ જેવા હ્યુમરનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેટલાંક દૃશ્યમાં એ સારાં લાગે છે, પરંતુ અમુક દૃશ્યને ખૂબ જ ખેંચવામાં આવ્યાં છે.

મહેમાનનવાજી

ડ્વેઇન જૉન્સન, જેસન સ્ટેધમ, ઇદ્રિસ એલબા અને વેનેસા કિર્બીની ઍક્શન લાજવાબ છે, પરંતુ આ સાથે જ કેટલાંક પાત્રો મહેમાન ભૂમિકામાં જોવા મળ્યાં છે. ખાસ કરીને રાયન રેનોલ્ડ્સ, કેવિન હાર્ટ અને રોબ ડેલને જેમણે અનુક્રમે લોક, ડિકલી અને એજન્ટ લોબનું પાત્ર ભજવ્યું છે. આ સાથે જ શૉની મમ્મી તરીકે હેલન મિરન અને ગર્લફ્રેન્ડ તરીકે ઐઝા ગોન્ઝાલિઝે પાત્ર ભજવ્યું છે. આ તમામ પાત્ર મહેમાન ભૂમિકામાં છે, પરંતુ સેકન્ડ પાર્ટમાં તેમના પાત્રને વધુ એક્સપ્લોર કરવામાં આવે એવી શક્યતા છે.

ફૅમિલી ડ્રામા

ફિલ્મ આમ તો મારધાડવાળી છે, પરંતુ એમાં ફૅમિલી ડ્રામા પણ છે. ‘ફાસ્ટ ઍન્ડ ફ્યુરિયસ’ની છેલ્લી ચાર ફિલ્મોમાં કામ કર્યા બાદ હૉબ્સ મારઝૂડથી દૂર રહેવા માગતો હોય છે. તેને ફૅમિલીની વૅલ્યુ સમજાવા લાગે છે. તેની અને તેની દીકરી વચ્ચેની વાતચીત અને સંબંધોને પણ ખૂબ જ સારી રીતે દેખાડવામાં આવ્યાં છે.

આ સંબંધોને કારણે તે થોડો સૉફ્ટ બની ગયો હોય છે. બીજી તરફ ડેકર્ડ શૉ તેની ફૅમિલીથી દૂર થઈ ગયો હોય છે. તેના કામને કારણે ફૅમિલી પર કોઈ સમસ્યા ન આવે એ કારણસર તે દૂર થયો હોય છે. જોકે જ્યારે વાત તેની બહેનને બચાવવાની આવે ત્યારે તે પણ ફૅમિલી માટે દોડી આવે છે. આમ ફિલ્મમાં ફૅમિલી રીયુનિયન અને એકબીજાની ભૂલને કારણે ફૅમિલીને ન છોડવાની અને તેમને માફ કરવાની વાત પણ કહેવામાં આવી છે. જોકે આ ફિલ્મ પરથી ‘રેસ 3’ના મેકર્સે શીખ લેવી જોઈએ કે ફૅમિલી-ફૅમિલી કરતી ફિલ્મોને કેવી રીતે ઍક્શનથી ભરપૂર દેખાડવી.

આખરી સલામ

‘અવેન્જર્સ’ની વ્યક્તિને મારી નાખી પૃથ્વી બચાવવાની વાત, ‘ટ્રાન્સપોર્ટર’ના જેસન સ્ટેધમના કાર-સ્ટન્ટ, ‘ટ્રાન્સફૉર્મર્સ’ની જેમ વ્હિકલનું ટ્રાન્સફોર્મેશન અને ‘મિશન ઇમ્પૉસિબલ’ સિરીઝના વાઇરસની વાતનો ખીચડો હોય એવું લાગે છે. સ્ટોરીમાં થોડો બદલાવ કરી એને વધુ સારી રીતે બનાવી શકાય હોત તેમ જ શરૂઆતની ૩૦ મિનિટને વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવી શકાઈ હોત.

hollywood news hollywood film review fast and furious