29 April, 2020 07:22 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent
ઇરફાને ઘણી આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં કામ કર્યું હતું.
ઇરફાન ખાનનું નામ લખતા પહેલાં સ્વર્ગીય લખવું પડે એનાથી વધારે દર્દનાક ભાગ્યે જ કંઇ હોઇ શકે.તેણે પોતાના અભિનયનાં અજવાળા માત્ર બૉલીવુડ જ નહીં પણ હૉલીવુડ સુધી પ્રસાર્યા હતા.તેણે હૉલીવુડ સિનેમા પર પોતાની અમિટ છાપ છોડી છે અને તેના મોતનાં સમાચાર સાંભળીને હૉલીવુડે પણ અફસોસ પ્રગટ કર્યો છે.
જ્યુરાસિક વર્લ્ડનાં ડાયરેક્ટર કૉલિન ટ્રોવોરેએ ટ્વિટર પર પોતાની પીડા શેર કરતાં લખ્યું કે, “ઇરફાન ખાનને ગુમાવવાનો મને ભારે ખેદ છે.એક બહુ વૈચારિક માણસ જે પોતાની જિંદગીની આસાપાસની સુંદરતાને માણતો, તે પીડામા હોય છતાં પણ.અમારા છેલ્લા સંવાદમાં તેણે મને કહ્યું હતું કે જીવનનાં સૌથી કપરા સમયમાં માણસજાતનાં અસ્તિત્વનાં સુંદર પાસાને યાદ રાખવું જોઇએ.” આમ લખી તેમણે ઇરફાનનો એક ખડખડાટ હસતો ફોટોગ્રાફ શેર કર્યો હતો.
અમેરિકન ફિલ્મ મેકર અવા ડુવર્નેએ પણ ઇરફાનને શ્રદ્ધાંજલી આપતા લખ્યુ કે પોતે ઇરફાનની બહુ મોટી ફેન છે. તે બહુ જલદી ચાલ્યો ગયો અને તે જ્યરે પણ સ્ક્રિન પર હોય ત્યારે તેની પરથી નજર હટાવવી શક્ય જ નથી.તે તેની ફિલ્મોમાં સદાય જીવંત રહેશે.
ઇરફાને ઘણી આંતરરાષ્ટ્રીય ફિલ્મોમાં કામ કર્યું હતું જેમ કે જ્યુરાસિક વર્લ્ડ, ઇન્ફર્નો, લાઇફ ઑફ પાઇ, સ્લમ ડોગ મિલિયનર અને અન્ય. 53 વર્ષની વયે કેન્સર સામે લડાઇમાં આપણે ઇરફાન ખાનને ગુમાવ્યા છે.