સેન્સેશનલ કોર્ટ કેસની પહેલી ફેબ્રુઆરીએ શરૂઆત થશે

26 January, 2019 01:10 PM IST  |  | દેવાંશી શાહ

સેન્સેશનલ કોર્ટ કેસની પહેલી ફેબ્રુઆરીએ શરૂઆત થશે

ઑર્ડર ઑર્ડર

ફિલ્મની રિલીઝ-ડેટ જ્યારે નજીક આવી રહી છે ત્યારે પ્રોડ્યુસર શ્યામ ખાંધેડિયાએ ‘મિડ-ડે’ સાથે ‘ઑર્ડર ઑર્ડર આઉટ ઑફ ઑર્ડર’ની કેટલીક ઇન્ટ્રેસ્ટિંગ ફૅક્ટ વિશે માહિતી શૅર કરી છે. આ ફિલ્મને ધ્વનિ ગૌતમ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. સ્પાર્ક ફિલ્મ્સ ઍન્ડ કંપનીના શ્યામ ખાંધેડિયા અને રાહુલ સવાણી દ્વારા એને પ્રોડ્યુસ કરવામાં આવી છે. આ ફિલ્મમાં જિનલ બેલાની, રોનક કામદાર અને ગૌરવ પાસવાલા મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યાં છે. આ ફિલ્મના ટ્રેલરને યુટ્યુબ પર ખૂબ જ સારો પ્રતિભાવ મળી રહ્યો છે.

‘ઑર્ડર ઑર્ડર આઉટ ઑફ ઑર્ડર’ ફિલ્મ શેના વિશે છે?

આ ફિલ્મમાં મુખ્ય બે હીરો ભાઈઓ હોય છે. તેઓ બન્ને વકીલ હોય છે અને એક અળવીતરા કેસને કારણે કોર્ટમાં એકબીજાની સામસામે આવી જાય છે. તેઓ તેમની પર્સનલ લાઇફને લઈને મુશ્કેલીમાં મુકાય છે અને તેઓ જેમને પ્રેમ કરતા હોય તેની સાથે જ ઝઘડો કરતા જોવા મળશે. આ ફિલ્મમાં જોવા મળશે કે એક ફૅમિલી આ કેસને કેવી રીતે હૅન્ડલ કરે છે અને એમાંથી કેવી રીતે બહાર આવે છે. આ ફિલ્મ એક સંપૂર્ણ પૅકેજ છે જેમાં કોર્ટરૂમ ડ્રામા, કૉમેડી, લવ-ટ્રાયેન્ગલ, પિતા અને પુત્ર વચ્ચેના સંબંધ અને ફૅમિલી ઇમોશન્સનો સમાવેશ થાય છે. આ તમામ સાથે ફિલ્મમાં એક સુંદર અને મહત્વનો મેસેજ પણ આપવામાં આવ્યો છે.

આ ફિલ્મ બનાવવાની પ્રોસેસ કેવી રહી?

આ ફિલ્મમાં ઘણી વસ્તુઓ પહેલી વાર જોવા મળશે. બૉલીવુડનો ફેમસ સિંગર કેકે ‘ઑર્ડર ઑર્ડર આઉટ ઑફ ઑર્ડર’ના ગીત ‘તારી મારી વાતો’ દ્વારા ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરી રહ્યો છે. આ ફિલ્મને લઈને એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે અમે એમાં એક નવી-નવી ટેક્નિક અને આઇડિયાનો ઉપયોગ કર્યો છે જે આજ સુધી એક પણ ગુજરાતી ફિલ્મમાં જોવા નથી મળ્યા. ‘ઑર્ડર ઑર્ડર આઉટ ઑફ ઑર્ડર’નું બૅકગ્રાઉન્ડ મ્યુઝિક લાઇવ ઑર્કેસ્ટ્રા દ્વારા આપવામાં આવ્યું છે નહીં કે કમ્પ્યુટર જનરેટેડ. આથી ફિલ્મની એક અલગ જ ઇમ્પરેશન જોવા મળશે. હું એક વાતની ખાતરી આપી શકું છું કે ‘ઑર્ડર ઑર્ડર આઉટ ઑફ ઑર્ડર’ને જોવાનો દર્શકોનો અનુભવ એકદમ અદ્ભુત અને અલગ રહેશે.

‘#05’ની સ્ટોરી શું છે?

05એ ‘ઑર્ડર ઑર્ડર આઉટ ઑફ ઑર્ડર’નું શૉર્ટ ફૉર્મ છે. આ ફિલ્મને પહેલાં અમે ‘ઑર્ડર ઑર્ડર’ નામ આપવાનું નક્કી કર્યું હતું. જોકે મારી બહેન પૂજા સવાણીએ મને આઇડિયા આપ્યો હતો આ ફિલ્મનું નામ હાલમાં અમે જે રાખ્યું છે એ આપવું જોઈએ. તેણે અમને હૅશટૅગનો ઉપયોગ કરવા માટે કહ્યું હતું અને એથી જ અમે ‘#05’ આપ્યું છે. આનાથી ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર આસાનીથી ફિલ્મ વિશેની તમામ માહિતી જોઈ શકાય છે.

સ્પાર્ક ફિલ્મ ઍન્ડ કંપનીનો આગામી પ્રોજેક્ટ શું છે?

અમે આ વર્ષે જૂનમાં એક નવી ફિલ્મનું શૂટિંગ શરૂ કરીશું અને એને દિવાળી પર રિલીઝ કરવાનું પ્લાનિંગ છે. અમે ફિલ્મની કન્ટેન્ટને ક્વૉલિટીવાળી બનાવવા ઇચ્છીએ છીએ. અમે દર વર્ષે ઓછામાં ઓછી બે ફિલ્મો બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ, પરંતુ દરેક ફિલ્મ યુનિક કન્ટેન્ટવાળી હોય એવો અમે આગ્રહ રાખી રહ્યા છીએ.

આ પણ વાંચો : કંગનાની જેમ ગુજરાતી ફિલ્મોમાં પણ એક્ટર્સ કરી રહ્યા છે 'ડબલ રોલ'

ગુજરાતી સિનેમાના ફ્યુચર વિશે તમારું શું વિચારવું છે?

ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ મોટો બદલાવ આવ્યો છે. પહેલાં જે ગુજરાતી ફિલ્મો બનતી હતી અને છેલ્લા દાયકામાં જે ગુજરાતી ફિલ્મો બની છે એમાં આસમાન-જમીનનો ફરક છે. અત્યારની અર્બન ગુજરાતી ફિલ્મો મુખ્યત્વે સાર કન્ટેન્ટને મહત્વ આપી રહી છે. આ મૉડર્ન ગુજરાતી ફિલ્મોને લોકો એટલા માટે પસંદ કરે છે, કારણ કે એ એની સ્ટોરીલાઇન અને વિષયને કારણે લોકોને પસંદ પડે છે નહીં કે કારણ વગરના ગ્લૅમરને કારણે. દર્શકો, મીડિયા અને સરકાર અમને આજે જે રીતે સર્પોટ કરી રહ્યાં છે એ જ રીતે આગળ પણ કરતાં રહે તો આગામી વર્ષોમાં ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી ખૂબ જ આગળ વધશે.