રુંવાટાં ઉભા કરી દેશે નેશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મ 'હેલ્લારો'નું ટ્રેલર

10 October, 2019 04:54 PM IST  |  મુંબઈ

રુંવાટાં ઉભા કરી દેશે નેશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મ 'હેલ્લારો'નું ટ્રેલર

ફિલ્મ હેલ્લારોનું એક દ્રશ્ય

બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ અવૉર્ડ મેળવનારી ફિલ્મ હેલ્લારોનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ જ ફિલ્મની 13 અભિનેત્રીઓને નેશનલ અવૉર્ડમાં સ્પેશિયલ મેન્શન પણ મળ્યું હતું. અવૉર્ડ મળ્યો ત્યારથી જ લોકોમાં ફિલ્મને લઈને ઉત્સુકતા હતી. આખરે ફિલ્મનું ટ્રેલર આવી ગયું છે. જેના એક એક ડાયલોગ અને મ્યુઝિક તમારા રુંવાટા ઉભા કરી દેશે

1975ના વર્ષની આ વાત છે. સતત 3 વર્ષ સુધી વરસાદ નહોતો પડ્યો. પરંપરા એવી કે વરસાદ આવે તે માટે માતાજીને રિઝવવા માટે પુરૂષો ગરબા કરે અને મહિલાઓએ ઉપવાસ કરવાના. સ્ત્રીઓને ગરબા રમવાની છૂટ નહીં. તેમની આવી વેરાન રણ જેવી જિંદગીમાં એક ઢોલી આવે છે, ગુલાબ જેવી સુગંધ લઈને. પાણી ભરવા જાય ત્યારે એ ઢોલીના તાલે ગામની સ્ત્રીઓ ગરબે ઝૂમે છે. સ્ત્રીઓને લાગે છે જાણે તેમની ખારા રણ જેવા જીવનમાં કોઈ મીઠી વિરડી બનીને આવ્યું છે. પરંતુ તેમની આ ખુશી લાંબી નથી ટકતી. પછી શું થાય છે, કેવા વળાંકો આવે છે તે જ છે ફિલ્મ હેલ્લારોની વાર્તા.

હેલ્લારો કચ્છમાં આકાર લેતા કથા છે. જેમાં 13 અભિનેત્રીઓ કામ કરી રહી છે. આ અભિનેત્રીઓમાં શ્રદ્ધા ડાંગર, શચિ જોશી, બ્રિન્દા ત્રિવેદી નાયક, નીલમ પંચાલ, તેજલ પંચાસરા, કૌશાંબી ભટ્ટ, તર્જન ભાડલા, સ્વાતિ દવે, ડેનિશા, રિદ્ધિ યાદવ, જાગૃતિ ઠાકોર, કામિની પંચાલ, એકતાનો સમાવેશ થાય છે. સાથે જ ફિલ્મમાં જયેશ મોરે, આર્જવ ત્રિવેદી, શૈલેષ પ્રજાપતિ અને મૌલિક નાયક પણ મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મના ડાયરેક્ટર છે અભિષેક શાહ અને ફિલ્મના સંવાદો, ગીત અને અતિરિક્ત પટકથા લેખક છે સૌમ્ય જોશી.

આ પણ જુઓઃ આવા 'ગરબાઘેલા' છે આપણા સેલેબ્સ, નથી ચૂકતા ગરબે રમવાનો એક પણ મોકો

‘હેલ્લારો’ ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયામાં પ્રદર્શિત થશે. ભારત સરકાર દ્વારા દર વર્ષે યોજાતા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (IFFI)નું આ 50મું વર્ષ છે. એના ‘ઇન્ડિયન પૅનોરમા’ સેક્શનમાં ઓપનિંગ ફિલ્મ તરીકે ‘હેલ્લારો’ની પસંદગી કરવામાં આવી છે.ફિલ્મનું ટ્રેલર અદ્ભૂત છે. જેને જોઈને ફિલ્મને જોવાની ઉત્સુકતા વધી રહી છે. કચ્છની સંસ્કૃતિને તેમાં આબાદ રીતે ઝીલવામાં આવી છે. હવે રાહ છે તો માત્ર ફિલ્મની રિલીઝની..

gujarati film dhollywood news