હોલી સૉન્ગના શૂટિંગમાં થયેલો સીન ક્યારેય નહીં ભુલાય

14 August, 2022 01:23 PM IST  |  Mumbai | Bhavya Gandhi

આ હોલી સૉન્ગમાં ઘણા બધા આર્ટિસ્ટ એવા હતા જેઓ ફિલ્મમાં નહોતા. શ્રદ્ધા ડાંગર તો ફિલ્મમાં હતી અને સૉન્ગમાં પણ હતી.

ભવ્ય ગાંધી

બે મહિના પહેલાં ફિલ્મ આવી ‘કહેવતલાલ પરિવાર.’ આ ફિલ્મમાં હું સિદ્ધાર્થ રાંદેરિયાનો દીકરો બન્યો છું. ફિલ્મમાં એક હોલી સૉન્ગ છે, જે બધાએ જોયું જ છે. આ સૉન્ગની વાત મારે તમને કહેવી છે. શૂટિંગ દરમ્યાનની આ વાત યુનિટ સિવાય કોઈ જાણતું નથી. તમે વાંચશો પછી તમને બહુ મજા આવશે.
આ હોલી સૉન્ગમાં ઘણા બધા આર્ટિસ્ટ એવા હતા જેઓ ફિલ્મમાં નહોતા. શ્રદ્ધા ડાંગર તો ફિલ્મમાં હતી અને સૉન્ગમાં પણ હતી. મારા અને શ્રદ્ધા ઉપરાંત ઈશા કંસારા, વ્યોમા નંદી અને દીક્ષા જોષી. આ ત્રણ ઍક્ટ્રેસ હતી અને આ ત્રણેત્રણ મારી ફેવરિટ. ઈશા અને વ્યોમા માટે તો હું કહીશ કે એ મારો એક સમયનો બહુ મોટો ક્રશ. આ બધા ઉપરાંત પ્રતીક ગાંધી, પાર્થ ઓઝા પણ ખરા. મ્યુઝિક-ડિરેક્ટર સચિન સંઘવીની દીકરી તનીષા પણ. શૂટિંગની આગલી રાતે અમારા ડિરેક્ટર વિપુલ મહેતાએ આવીને મને કહ્યું કે ભવ્ય તારી જોડી તનીષા સાથે કરી છે. તનીષા તો બિચારી સાવ નાનું બચ્ચું એટલે મેં કહ્યું કે સર, આવું શું કરો છો. પ્લીઝ, પ્રૉપર પૅર બનાવોને. બહુ લટકાવ્યા પછી મને હસતાં-હસતાં કહે કે મજાક કરું છું, તારી જોડી ઈશા સાથે છે.
વાહ!
મેં તમને કહ્યું કે ઈશા તો મારો પહેલો ક્રશ. એ આખી રાત મને સરખી ઊંઘ પણ ન આવી. સવાર પડી, એકદમ ફ્રેશ થઈને હું નીચે આવ્યો. થોડી વારમાં ઈશા આવી અને અમે ડાન્સ શીખવાનું શરૂ કર્યું. હું એ દિવસે અનહદ ખુશ હતો. બહુ મજા આવી એ સૉન્ગની તૈયારીમાં. તમે જો સૉન્ગ જોયું હોય તો એ આઉટડોર સૉન્ગ છે. આ સૉન્ગની કોરિયોગ્રાફી જેમણે કરી છે તેમને તમે ઓળખો જ છો. તેઓ આપણા ‘મિડ-ડે’ના કૉલમનિસ્ટ છે, સમીર-અર્ષ તન્ના. બહુ પૉપ્યુલર અને નૅશનલ અવૉર્ડ વિનર કોરિયોગ્રાફર. જો ગુજરાતી કે પછી ટ્રેડિશનલ ઇન્ડિયન ફ્લેવર જોઈતી હોય તો દુનિયાના કોઈ પણ ફિલ્મ-ડિરેક્ટરને આમનું જ નામ યાદ આવે.
સમીર સર અને અર્શ મૅડમ સાથે અમે કાંકરિયામાં જે ઑડિટોરિયમ છે ત્યાં સ્ટેજ પર પ્રૅક્ટિસ કરતાં હતાં અને અમારા ડિરેક્ટર વિપુલ સર સામે બેઠા હતા. કલાકો સુધી પ્રૅક્ટિસ કરી અને પછી પૅકઅપ થયું. બધા નીકળી ગયા અને અચાનક જ વિપુલ સરે કહ્યું કે થોડું વધારે પૉલિશ કરો, સારું લાગશે. ડિરેક્ટર્સ ઑર્ડર ઇઝ ધ ફાઇનલ ઑર્ડર. અમે બધા ફરી પાછા પ્રૅક્ટિસ પર લાગ્યા. હું અને ઈશા બાજુબાજુમાં ડાન્સ કરતાં હતાં. ચાલુ પ્રૅક્ટિસે અચાનક જ ઈશા ઊછળીને દૂર ચાલી ગઈ અને તેના ફેસ પર ડરનાં એક્સપ્રેશન.
‘ભવ્ય શું કરે છે, નહીં કર આવું પ્લીઝ...’
આઇ વૉઝ લિટરલી શૉક્ડ કે મેં શું કર્યું?
સ્ટેપ તો બરાબર છે, તો પછી આ કેમ આવી રીતે...
મેં ઈશાને પૂછ્યું કે શું થયું તો ઈશાએ તરત જ એવી રીતે બિહેવ કરવાનું ચાલુ કર્યું જાણે કે તે અન્કફર્મટેબલ થઈ હોય અને તેના મોઢે એક જ વાત, ‘પ્લીઝ આવું નહીં કરતો...’
હું તો ગભરાઈ ગયો કે મારાથી શું ખોટું થઈ ગયું અને હું કંઈ સમજું એ પહેલાં તો ઈશાએ સીન ઊભો કરી દીધો કે હું આની સાથે કમ્ફર્ટેબલ નથી. જોકે સર વચ્ચે પડ્યા અને અમે પ્રૅક્ટિસ ફરી શરૂ કરી દીધી, પણ દર વખતે સર થોડો ડાન્સ થાય અને અમને રોકે કે જોઈએ એવી મજા નથી આવતી ભવ્ય, આવી રીતે કેમ કરે છે? 
બધાનો બ્લૅમ મારા પર જ આવે અને બધા એમ જ કહે કે ભવ્ય બરાબર નથી કરતો. હું ફરીથી વધારે સિરિયસ થઈને ડાન્સ કરું અને પાંચ-સાત મિનિટ પછી ફરીથી એ જ વાત. આવું ત્રણેક વાર બન્યું અને અચાનક ફરી ઈશાએ સીન ક્રીએટ કર્યો. સીધી દૂર થઈ ગઈ અને વિપુલ સરને કહે કે મારાથી ભવ્ય સાથે ડાન્સ નહીં થાય, હું તેની સાથે કમ્ફર્ટેબલ નથી.
ઈશાની વાત સાંભળીને વિપુલ સર રીતસર ભડકી ગયા કે ભવ્ય શું કર્યું તેં?
‘અરે સર, મેં કંઈ નથી કર્યું. હું તો એનાથી દૂર...’
પણ સીન તો બની ગયો બરાબરનો. મેં તરત જ ઈશાને અને વિપુલ સરને સૉરી કહ્યું અને કહ્યું કે મને ખબર નથી કે તને કઈ વાત અન્કમફર્ટેબલ કરે છે. પ્લીઝ, મને તું કહે એટલે હું એ રિપીટ ન કરું, પણ ઈશા કશું બોલે નહીં.
(આગળ શું થયું અને કેવી રીતે સૉન્ગ શૂટ થયું એની વાત વધારે ઇન્ટરેસ્ટિંગ છે પણ એ ચર્ચા આપણે કરીશું હવે આવતા રવિવારે) 

dhollywood news Bhavya Gandhi