આજે ઓપન થાય છે એક રૂમ રસોડું

05 January, 2020 03:03 PM IST  |  Mumbai Desk

આજે ઓપન થાય છે એક રૂમ રસોડું

સ્પર્શ પ્રોડક્શન અને નિર્માતા ઉમેશ શુક્લ, સૌમ્ય જોષી, ચેતન ગાંધીનું નવું નાટક ‘એક રૂમ રસોડું’ નામ પરથી જ પુરવાર કરે છે કે એક મિડલ ક્લાસ ફૅમિલીની વાત કરે છે. નાટકના લેખક જયેશ મહેતા છે અને નાટકનું દિગ્દર્શન ઉમેશ શુક્લનું છે. અગાઉ ‘વેલકમ જિંદગી’, ‘૧૦૨ નૉટ આઉટ’ અને ‘આજ જાને કી ઝીદ ના કરો’ જેવાં નાટક આપી ચૂકેલા સૌમ્ય જોષી આ નાટકથી પહેલી વખત લેખક-દિગ્દર્શકને બદલે મુંબઈની રંગભૂમિ પર નિર્માતા બની રહ્યા છે તો ‘ઓહ માય ગૉડ’ અને ‘૧૦૨ નૉટ આઉટ’ જેવી ફિલ્મો આપી ચૂકેલા ઉમેશ શુક્લ લાંબા સમય પછી ગુજરાતી રંગભૂમિ પર પાછા ફર્યા છે. 

‘એક રૂમ રસોડું’ સત્યઘટના પર આધારિત છે. સપનું એ દરેકેદરેક વ્યક્તિ અને દરેક ક્લાસના લોકોનો જન્મસિદ્ધ હક્ક છે. સપનું જોવું એ ગુનો નથી, પણ સપનું જોઈને ફરી સૂઈ જવું એ ગુનો છે. જાગતી આંખે જોવાયેલા સપનાને સાકાર કરવા માટે માણસ કઈ હદ સુધી જઈ શકે છે એની વાત ‘એક રૂમ રસોડું’માં કહેવામાં આવી છે. નાટકના વિષયમાં કૉમેડી તો છે જ, પણ એની સાથોસાથ નાટકની નસમાં લાગણી અને લાચારી પણ સતત ફરી રહ્યાં છે. નાટકમાં એક એવા પરિવારની ત્રણ સભ્યોની વાત કહેવામાં આવી છે જે ત્રણેત્રણનાં પોતાનાં સપનાંઓ છે તો સાથોસાથ ત્રણેત્રણ વ્યક્તિ એકબીજાનાં સપનાંઓથી પણ વાકેફ છે અને સૌકોઈ સામેવાળાના સપનાને સાકાર કરવા માટે કંઈ પણ કરવા તૈયાર છે.
‘એક રૂમ રસોડું’ના મુખ્ય કલાકારોમાં જયેશ બારભાયા, રિદ્ધિ નાયક-શુક્લ, નેહા પકાઈ, બ્રિંદા રાવલ, વેદ શાહ, મયંક પંડ્યા, યશ ગજ્જર અને કમલેશ ઓઝા છે. નાટકનો શુભારંભ આજે રાતે પોણાઆઠ વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી થશે.

entertaintment