આવતી કાલે ઓપન થાય છે : રિમઝિમ વરસે જિંદગી

22 February, 2020 11:17 AM IST  |  Mumbai

આવતી કાલે ઓપન થાય છે : રિમઝિમ વરસે જિંદગી

ગુજરાતી નાટક રિમઝિમ વરસે જિંદગી

શ્રી વિઘ્નેશ્વર અને કિરણ ભટ્ટ પ્રસ્તુત, કિરણ ભટ્ટ દિગ્દર્શિત ‘રિમઝિમ વરસે જિંદગી’ જાણીતાં ફિલ્મ જર્નલિસ્ટ ભાવના સોમૈયાની એક વાર્તા પર આધારિત છે. આ વાર્તાનું નાટ્યરૂપાંતર પ્રીતેશ સોઢાએ કર્યું છે જ્યારે એના સહલેખક હિતેન આનંદપરા છે. નાટકના મુખ્ય કલાકારોમાં સનત વ્યાસ, દિલીપ દરબાર, નાદિયા હિમાની, શ્રદ્ધા સુથાર અને ક્રિષ્ના શુક્લ છે. નાટકના દિગ્દર્શક કિરણ ભટ્ટ કહે છે, ‘દરેકના જીવનમાં એક તબક્કો એવો આવતો હોય છે જ્યારે તેની સામે બેમાંથી એક રસ્તો પસંદ કરવાનો આવે છે. નાટકમાં પણ એવી જ યુવતીની વાત છે જેની સામે આ પ્રકારે બે રસ્તા આવી જાય છે. તે કયો રસ્તો પસંદ કરે છે અને શું કામ તેની આખી જર્ની અહીં કહેવામાં આવી છે.’

અવિનાશ અને અક્ષય બન્ને દોસ્ત છે. અવિનાશ ભારતમાં રહે છે, પ્રોફેસર છે અને વાઇફ રાધિકા સાથે શાંતિની જિંદગી જીવે છે, જ્યારે અક્ષય અમેરિકામાં બિઝનેસમૅન છે. દાયકાઓ પછી હવે બન્ને મિત્રો મળે છે. રિમઝિમને મ્યુઝિક અને કવિતામાં અઢળક રસ છે. અવિનાશની એક પાલક દીકરી પણ છે રિમઝિમ અને અક્ષય એ દીકરીનો જન્મદાતા છે. જીવનનો એક તબક્કો એવો આવી જાય છે જ્યારે રિમઝિમની જિંદગી ન સમજાય એવા ત્રિભેટે આવીને ઊભી રહી જાય છે. અહીંથી તે બે ફૅમિલી તરફ ખેંચાવાની શરૂઆત થાય છે અને આ ખેંચાણમાં સામા પક્ષે પાલક પિતા છે તો એક પક્ષે લોહીના સંબંધ છે એ પપ્પા છે. કિરણ ભટ્ટ કહે છે, ‘પિતા-પુત્રના સંબંધોની એવી વાતો નાટકમાં છે જે દર્શકના મનમાં અઢળક લાગણી જન્માવશે અને સાથોસાથ સંતાન માટે પ્રેમ પણ જન્માવશે. આ બધી વાતો રમૂજ અને કૉમેડીની ફ્લેવર સાથે કહેવામાં આવી છે.’

‘રિમઝિમ વરસે જિંદગી’નો શુભારંભ શનિવારે રાતે ૮ વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી થશે.

dhollywood news gujarati film entertaintment