મારા ખરાબ સમયમાં પણ મારા ફૅન્સ મારી સાથે રહ્યા હતા : જિમિત ​ત્રિવેદી

29 January, 2023 12:20 PM IST  |  Mumbai | Harsh Desai

જિમિત ​ત્રિવેદીએ હિન્દી અને ગુજરાતી ફિલ્મોની સાથે ટીવી સિરિયલ અને નાટકોમાં પણ કામ કર્યું છે

જિમિત ​ત્રિવેદી

જિમિત ​ત્રિવેદીએ હિન્દી અને ગુજરાતી ફિલ્મોની સાથે ટીવી સિરિયલ અને નાટકોમાં પણ કામ કર્યું છે. અક્ષયકુમારની ‘ભૂલભુલૈયા’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરનાર જિમિતે ૨૦૧૫માં ‘ગુજ્જુભાઈ ધ ગ્રેટ’ ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું હતું. આ સાથે જ તેણે અમિતાભ બચ્ચનની ‘102 નૉટ આઉટ’, ‘પોલમ પોલ’ અને ‘જયસુખ ઝડપાયો’માં કામ કર્યું છે. તેણે ‘સારાભાઈ વર્સસ સારાભાઈ’, ‘ખિચડી’ અને ‘મધુબાલા’ જેવી ઘણી સિરિયલમાં પણ કામ કર્યું છે.

પોતાની જાતને પાંચ શબ્દોમાં કેવી રીતે વર્ણવશો?
ઑનેસ્ટ, રિલાયેબલ, ટૅલન્ટેડ, ફની, ક્યુરિયસ.

ચહેરા પર કઈ વાતથી સ્માઇલ આવી જાય છે અને શાનો ડર લાગે છે?
જ્યારે મારું કામ કોઈના જીવનમાં સકારાત્મક પ્રભાવ પાડે ત્યારે ચહેરા પર સ્માઇલ આવી જાય છે. ડર એ વાતનો રહે છે કે પોતાનાથી કોઈ ખોટું કામ ન થઈ જાય.

ડેટ પર કોઈને લઈ જવા હોય તો ક્યાં લઈ જશો અને કેમ?
કેન્યામાં મસાઇમારા વાઇલ્ડલાઇફ સૅન્ક્ચ્યુઅરી છે હું ત્યાં લઈ જવા માગું છું.

સૌથી વધુ પૈસાનો ઉપયોગ શું ખરીદવામાં કરો છો?
પુણ્યનાં કામ કરવા માટે સૌથી વધુ પૈસાનો ઉપયોગ કરવાનું મને ગમે છે.

તારું અટેન્શન કોઈએ મેળવવું હોય તો શું કરવું જોઈએ?
એકદમ સાચી રીતે કામ કરવું અને કૉમન સેન્સનો ઉપયોગ કરીને મારી સાથે વાત કરવાથી મારું અટેન્શન મેળવી શકાય છે.

તમારા વિશે એવી કઈ વાત છે જે લોકો હંમેશાં યાદ રાખે એવી તમારી ઇચ્છા છે?
મેં જે પણ કામ કર્યાં છે એનાથી લોકો મને યાદ રાખે એવી મારી ઇચ્છા છે. 

ફૅન્સ દ્વારા કરવામાં આવેલી સૌથી વિચિત્ર અથવા તો સ્પેશ્યલ વસ્તુ કઈ છે?
મારા અતિ ખરાબ સમયમાં દૂર હોવા છતાં મારી સાથે રહ્યા એ મારા માટે સ્પેશ્યલ છે અને એ લોકો પણ સ્પેશ્યલ છે.

તમારી સૌથી યુઝલેસ ટૅલન્ટ કઈ છે?
ટૅલન્ટ ક્યારેય યુઝલેસ હોતી જ નથી.

પહેલી જૉબ કઈ હતી?
પહેલી જૉબ ‘જલસા કરો જયંતીલાલ’માં બૅકસ્ટેજ સંભાળવાની હતી.

ફેવરિટ કપડાં કયાં છે જે હજી પણ સાચવીને રાખ્યાં હોય?
ફેવરિટ જેવું તો નથી પણ કપડાંની સાચવણી હું સારી રીતે કરું છું. સારી ક્વૉલિટીનાં કપડાં પહેરું, જે કમ્ફર્ટેબલ હોય અને સારાં લાગે. 

સૌથી ડેરિંગવાળું કામ આજ સુધી કયું કર્યું છે?
અમેરિકાના ફ્લૉરિડાના દરિયામાં શાર્કથી બચીને બહાર આવ્યા બાદ અડધો કલાક સુધી હું ડરી રહ્યો હતો, પરંતુ ત્યાર બાદ ફરી દરિયામાં નહાવા ગયો હતો.

એવી કઈ વસ્તુ છે જેને હજી પણ એક મિસ્ટરી બનાવીને રાખી છે?
મારી વિચારવાની જે રીત છે એને જ મેં મિસ્ટરી બનાવીને રાખી છે.

entertainment news dhollywood news jimit trivedi harsh desai