‘રાડો’ Review : એક્શન ડ્રામા ફિલ્મ ગુજરાત રાયટ્સની યાદ તાજી કરે છે

26 July, 2022 06:00 PM IST  |  Mumbai | Rachana Joshi

એક્શન પૅક્ડ ફિલ્મે ગુજરાતી ફિલ્મોમાં એક નવો ચીલો ચીતર્યો : BGM સકૉર ફેન્ટાસ્ટિક : સ્ટોરી હજી બહેતર થઈ શકી હોત

‘રાડો’નું પોસ્ટર

ફિલ્મ : રાડો

કાસ્ટ : હિતુ કનોડિયા, યશ સોની, હિતેન કુમાર, તર્જની ભાદલા, નિકિતા શર્મા, ભરત ચાવડા, નીલમ પાંચાલ, દેવર્ષિ શાહ, પ્રાચી ઠાકર, ડેનિશા ઘુમરા, પ્રતિક રાઠોડ, રાજન ઠાકર, ચેતન દૈયા, ગૌરાંગ આનંદ

લેખક : કૃષ્ણદેવ યાજ્ઞિક

ડિરેક્ટર : કૃષ્ણદેવ યાજ્ઞિક

રેટિંગ : ૩.૫/૫

પ્લસ પોઇન્ટ : એક્શન સિક્વન્સ, સિનેમેટોગ્રાફી, પર્ફોમન્સ, ટેકનિકલ આસ્પેક્ટ્સ, ડિરેક્શન, BGM સ્કૉર

માઇનસ પોઇન્ટ : સ્ટોરી, સ્ક્રિનપ્લે, પ્રોજેક્શન, ડાયલોગ્સ, લાઉડ મ્યુઝિક

‘રાડો’ ફિલ્મની વાર્તા ખરેખર તેના ટાઇટલને સાર્થક કરે છે. ફિલ્મમાં પહેલા સીનથી છેલ્લા સીન સુધી રાડો અને રાયટ્સ જ છે. જે ગુજરાતમાં વર્ષ ૨૦૦૨માં થયેલા રમખાણોની યાદો તાજી કરી દે છે. સાઉથ ઇન્ડિયન ફિલ્મ જેવી એક્શન અને હિન્દી ફિલ્મો જેવી સિનેમેટોગ્રાફી એટલે ‘રાડો’.

ફિલ્મની વાર્તા

ફિલ્મમાં એકસાથે પાંચથી છ વાર્તાઓ ચાલે છે. બધી જ વાર્તાઓ આમ એકબીજા સાથે કનેક્ટેડ છે. છતાં એકબીજાથી બહુ જુદી ચાલે છે. કૉલેજ ઇલેક્શનની બબાલ, બાળકના આગમનની રાહ જોતો પોલીસ કર્મચારીનો પરિવાર, મુખ્યપ્રધાન અને તેમના માથાફરેલ દીકરા સાથેના સંબંધો, ત્રણ સહેલીઓ, હૉસ્પિટલના માલિક અને તેમનો પરિવાર દરેકના જીવનમાં એવી ઘટનાઓ બને છે કે બધા જ એક સમયે જુદા-જુદા કારણસર હૉસ્પિટલ પહોંચે છે. દરમિયાન એક ધર્મગુરુ તે જ હૉસ્પિટલમાં મૃત્યુ પામે છે. પછી ધીમે-ધીમે બધી વાર્તાઓના એકબીજા સાથેના કનેક્શન ખુલતા જાય છે.

પરફોર્મન્સ

હિતુ કનોડિયા અને હિતેન કુમાર આ બે પીઢ કલાકારોએ અર્બન ગુજરાતીમાં ફિલ્મોમાં જોરાદાર એન્ટ્રી કરી છે. યશ સોનીનો એંગ્રી યંગમેનનો લુક જ ફિલ્મ માટે કાફી છે, બાકી એક્ટિંગ જોઈને પણ સીટીઓ મારવાનું મન થાય ખરું. તે સિવાય નિલમ પાંચાલ, ચેતન દૈયા, ભરત ચાવડા, ગૌરાંગ આનંદ, પ્રતિક રાઠોડે તેમની ભુમિકા બહુ સરસ નિભાવી છે. નિકિતા શર્માએ, તર્જની ભાદલા, દેવર્ષિ શાહ, પ્રાચી ઠાકર, ડેનિશા ઘુમરા, પ્રતિક રાઠોડ, રાજન ઠાકર વગેરે યુવાન કલાકારોએ ફિલ્મના પાત્રને યોગ્ય ન્યાય આપ્યો છે.

સ્ક્રિપ્ટ અને ડિરેક્શન

પહેલા સીનથી જ ફિલ્મમાં એક સાથે પાંચથી છ વાર્તાઓ ચાલે છે. એક સીન પુરો થાય છે તેને કનેક્ટેડ બીજો સીન અને બીજાને કનેક્ટેડ ત્રીજો સીન હોય છે. આમ બધી જ વાર્તાઓ અલગ અલગ પણ તેના તાર ક્યાંકને ક્યાંક જોડાયેલા છે. એકસાથે ચાલતી આ વાર્તાઓ એટલી ઝડપથી ચાલે છે કે તેની સાથે કનેક્ટ કરવામાં થોડીક મુશ્કેલી પડે છે. એક દશૅક તરીકે તમારે ક્યા પાત્રની ગળી જાલીને ફિલ્મ જોવાની છે તેની ગુંચવણ થાય. જોકે, બાદમાં વાર્તા બહુ જ ઇન્ટરસ્ટિંગ થતી જાય છે. પહેલા હાફના અંતમાં સમજાય જાય છે કે કઈ વાર્તાનો કયા પાત્ર કે વાર્તા સાથે સંબંધ છે. પણ બીજા હાફમાં વાર્તાની પકડ થોડીક ઢીલી પડતી જાય છે. જે પાત્રોનું મહત્વ વધવું જોઈતું હતું અથવા તો જે સ્ટોરી પર વધુ ધ્યાન આપવાની જરુર હતી તેને સેકન્ડ હાફમાં યોગ્ય રીતે દર્શાવવામાં નથી આવી. એકસાથે ચાલતી પાંચ-છ વાર્તાઓ બીજા હાફમાં ફક્ત મુખ્ય પાત્ર કરણ અને કવન્તાની કતૉહતૉ માધવીની આસપાસ જ ફરે છે. રાડો અને રાયટ્સ દેખાડવામાં કેટલાક અંશે વાર્તા પરની પકડ છુટી ગઈ છે અને ઈમોશનલ કનેક્ટ પણ મિસિંગ છે.

સૌથી સરાહનીય વાત એ છે કે, વાર્તામાં રાજકીય ખટપટ બહુ જ સમજદારી પુર્વક દેખાડવામાં આવી છે. કોઈપણ ધર્મનું નામ લીધા વગર દર્શાવવામાં આવ્યું છે કે, જ્યારે પણ ધર્મ સમાજ પર હાવી થાય છે તયારે તે વિનાશ જ સર્જે છે. ધર્મનું આંધળું અનુકરણ કરવામાં આવે તો તેનું પરિણામ શું આવે છે તે વાર્તામાં દર્શાવવામાં આવ્યું છે.

ડિરેક્શનની વાત કરીએ તો, કૃષ્ણદેવ યાજ્ઞિકે લેખકની સાથે દિગ્દર્શકની ભૂમિકા પણ સુપેરે નિભાવી છે. તેમની આ ફિલ્મ અન્ય ફિલ્મો કરતા સાવ જુદી છે. ગુજરાતી સિનેમામાં ફરી એકવાર નવો ચીલો ચીતરવાનું કામ તેમણે કર્યું છે. કૃષ્ણદેવે ‘છેલ્લો દિવસ’ ફિલ્મથી અર્બન ગુજરાતી ફિલ્મોમાં પોતાનો પ્રભાવ જમાવ્યો હતો. હવે આ ફિલ્મ અર્બન ગુજરાતી ફિલ્મોને વધારે મોટા ફલક તરફ લઈ જઈ રહી છે.

મ્યુઝિક

ફિલ્મમાં કોઈ ગીત નથી. માત્ર એક ભજન છે. જેના શબ્દો મિલિંદ ગઢવીના છે અને કંઠસ્થ ઓસમાન મીરે કર્યું છે.

બેકગ્રાઉન્ડ મ્યુઝિકલ રાહુલ મુંજારિયાએ આપ્યું છે. એક્શન ફિલ્મ પ્રમાણે આપવામાં આવેલુ મ્યુઝિક એકદમ યોગ્ય છે. ઇન્ટરવલ પહેલાનું બીજીએમ મ્યિઝિક બહુ જ સુંદર છે. જોકે ફિલ્મના ક્લાઇમેક્સ તરફ જઈએ ત્યારે કેટલાક મુખ્ય સીનમાં મ્યુઝિક અને ઈમોશન મીસ-મેચ થાય છે. ત્યારે મ્યુઝિક અને સીન બન્નેનો ચાર્મ થોડોક ઓછો થઈ છે. પણ ઓવરઓલ બેકગ્રાન્ડ મ્યુઝિક સારું છે.

ફિલ્મ જોવી કે નહીં?

ગુજરાતી ફિલ્મમાં કંઈક નવું થયું છે તે જોવા માટે તમારે ચોક્કસ થિયેટર સુધી જવું જોઈએ. બિગ બજેટ ગુજરાતી ફિલ્મનો બિગ સ્ક્રિન પર અનુભવ કરવા જેવો ખરો.

entertainment news dhollywood news gujarati film movie review yash soni nilam panchal rachana joshi