સંજય ગોરડિયાના આ વીડિયોને રિટ્વીટ કરી વડાપ્રધાને આપ્યો સંદેશ

26 March, 2020 05:11 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

સંજય ગોરડિયાના આ વીડિયોને રિટ્વીટ કરી વડાપ્રધાને આપ્યો સંદેશ

નરેન્દ્ર મોદીએ રિટ્વીટ કર્યો સંજય ગોરડિયાનો વીડિયો

દેશમાં કોરોનાવાયરસનો પ્રકોપ વરસી રહ્યો છે ત્યારે બોલીવુડ ઇન્ડસ્ટ્રીની સાથે સાથે ગુજરાતી ફિલ્મ જગત તેમજ થિયેટરના કલાકારો પણ કોરોનાવાયરસ વિશે જાગૃતતા ફેલાવવા શક્ય પ્રયત્નો કરી રહ્યા છે. બોલીવુડ જગતના મહાનાયક અમિતાભ બચ્ચનથી લઈને અક્ષય કુમાર, માધુરી દીક્ષિત, કેટરીના કૅફ, દીપિકા પાદુકોણ, પ્રિંયકા ચોપડા વગેરે વીડિયોઝ દ્વારા લોકોમાં કોરોના વિશે જાગૃતિ લાવવા પ્રયત્નો કરી રહ્યા છે. તેમજ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો પણ આ બાબતે પાછળ ન રહેતાં મલ્હાર ઠાકર, માનસી પારેખ, પ્રતીક ગાંધી, મયુર ચૌહાણ, ગીતાબેન રબારી, નીરવ બારોટ, કિંજલ દવે વગેરે કલાકારોએ પોતાના વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કર્યા છે. ત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું જાણીતું નામ એટલે સંજય ગોરડિયાએ પણ પોતાનો વીડિયો ટ્વિટર પર શૅર કર્યો છે.

સંજય ગોરડિયાએ શૅર કરેલો આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એટલું જ નહીં પણ આ વીડિયો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રિટ્વીટ કરીને આ સંદેશો આપ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો ટ્વીટ કરતાંની સાથે કૅપ્શન આપ્યું છે કે, "સંજય ગોરડિયાએ ખૂબ જ ઉમદા સંદેશ આપ્યો છે. જે પણ લોકોને ગુજરાતી સમજાય છે તેઓ અવશ્ય સાંભળે, અને આશા છે કે તેઓ જે કહે છે તે કરે પણ."

જાણો શું છે સંજય ગોરડિયાના વીડિયોમાં
"શું છે? ઘરમાં પડ્યા છો ને, હું એ ઘરમાં જ છું, ઘરમાં બેઠા રહેવાનું. મોટાઓ કહે ને એ કરવાનું, સમજ્યા...મોદી કાકાએ કહ્યું ને ઘરમાં બેસો તો બેસવાનું. આમ રસ્તા પર આમ ડાંડિયા રમવા નહીં નીકળી પડવાનું, ગરબા રમો છે? આવા વખતમાં ગરબા રમો છો. ઘરમાં બેસો ને..મનેય કંટાળો આવે છે. આ જો સવારથી ચાર વાર ઘરમાં ઝાડું માર્યું તોય બેઠો છું ને. કંટાળો આવે છે ને તો કંટાળો સહન કરવાનો. કંટાળો આવે ને તોય ઘરમાં જ બેસવાનું ને ઘરમાં જ બેસી રહેવાનું ઘરની બહાર નીકળવાનું નહીં. ભલે... મારા નાટકો જોશો. મારા નાટકની વીડિયો ક્લિપ જોજો. કંટાળો આવે તોય જોજો. ફરીફરીને જોજો. દરેક વખતે કંઇકને કંઇક નવું જ જોવા મળશે...જીવતાં બચીશું તો બધાં કામ થશે."

સંજય ગોરડિયાએ ઘરમાં સમય કેવી રીતે પસાર કરવો તેની એક રીત જણાવી છે અને તેની સાથે ખૂબ જ મહત્વની વાત કરી છે કે આ મહામારીમાંથી જીવતાં બચીશું તો બધાં કામ થઇ શકશે. તેથી ઘરમાં રહેવું કેટલું જરૂરી છે તે સંજય ગોરડિયાના આ વીડિયો પરથી સમજાઇ જાય છે.

Sanjay Goradia narendra modi coronavirus covid19