આજે ઓપન થાય છે નવું નાટક આંધળોપાટો

26 January, 2019 01:23 PM IST  | 

આજે ઓપન થાય છે નવું નાટક આંધળોપાટો

આંધળોપાટો

નીલેશ દવે નિર્મિત કબીર પ્રોડક્શનનું નવું નાટક ‘આંધળોપાટો’ના લેખક-ડિરેક્ટર અનિલ કાકડે છે. કૉમેડી-સસ્પેન્સ-થ્રિલર જોનરના આ નાટકનું મુખ્ય પાત્ર વીર પ્રતાપસિંહ છે અને તેની આસપાસ આખું નાટક ઘુમરાય છે.

વીર પ્રતાપસિંહ મેજર છે અને એક અટૅકમાં તેણે પોતાની આંખો ગુમાવી છે. આંખોની સારવાર માટે તે અત્યારે રજા પર છે, પણ રજાના આ દિવસો દરમ્યાન પણ વીર પ્રતાપસિંહ કશુંક શોધી રહ્યો છે. આ શોધ તેના માટે અત્યંત આવશ્યક છે અને એટલે જ તે રહસ્મય કહેવાય એમ ઓરડામાં જ હંમેશાં બંધ રહે છે. એક રાતે વીરના સૂઈ ગયા પછી એ રૂમમાં ત્રણ વ્યક્તિઓ એન્ટર થાય છે. આ ત્રણમાંથી એક સોનલ છે અને બીજા બે તેના ફ્રેન્ડ રાજુ અને વિજય છે. ત્રણેયનો ઇરાદો ચોરીનો છે અને એ પણ ખાસ ચીજનો, આ કામમાં તે સફળ થાય એ પહેલાં જ રાજુ તેનું હિયરિંગ મશીન પાડી દે છે. એ મશીન હોય તો જ રાજુને સંભળાય છે અન્યથા રાજુ કશું સાંભળી નથી શકતો. હવે પરિસ્થિતિ વણસે છે. જો સોનલ બોલે તો વીર જાગી જાય. સાવધાની અને સાવચેતી સાથે એ ત્રણેય પોતાનું કામ કરે છે, પણ એમ છતાં એકાએક વીર જાગી જાય છે. વીર જાગી જાય છે, પણ તેની એ ખુલ્લી આંખો સાથે પણ તેને કશું દેખાતું નથી અને એ પછી પણ વીરની સિક્સ્થ સેન્સ તેને હેલ્પ કરે છે અને વીર સમજી જાય છે કે તેના રૂમમાં કોઈ છે.

વીર હવે સાવધાની સાથે રૂમમાં ઘૂસેલાં ત્રણેત્રણને પકડી લે છે, પણ એ જ સમયે ખબર પડે છે કે એ જ જગ્યાએ હજી પણ એક વ્યક્તિ હાજર છે. કોણ છે આ પાંચમી વ્યક્તિ? સોનલ અને તેના બે ફ્રેન્ડ્સ શું શોધવા માટે વીરના રૂમમાં આવ્યાં હતાં? કોણ છે એ ત્રણ? આંખે અંધાપો હોવા છતાં પણ વીર શું શોધતો હતો? નાટકના લેખક-ડિરેક્ટર અનિલ કાકડે કહે છે, ‘આ અને આવા અનેક સવાલોના જવાબ ‘આંધળોપાટો’માં રસપ્રદ રીતે વણી લેવામાં આવ્યા છે.’

આ પણ વાંચો : સેન્સેશનલ કોર્ટ કેસની પહેલી ફેબ્રુઆરીએ શરૂઆત થશે

‘આંધળોપાટો’ના મુખ્ય કલાકારોમાં વિપુલ વિઠલાણી, યોગિતા ચૌહાણ, સિદ્ધાર્થ ભૂપતાણી, અનેરી સાવલા અને પરેશ ભટ્ટ છે. નાટકનો શુભારંભ શનિવારે રાતે સાડાસાત વાગ્યે નેહરુ ઑડિટોરિયમથી થશે.