ઢોલીવૂડને લાગ્યો આંચકો : ‘મહોતું’ ફૅમ અભિનેત્રી હેપ્પી ભાવસાર નાયકનું નિધન

25 August, 2022 08:45 AM IST  |  Mumbai | Rachana Joshi

અભિનેત્રી છેલ્લા બે દિવસથી હતા વેન્ટિલેટર પર : બે મહિનાની જોડકી બાળકોની માતા હતા હેપ્પી

હેપ્પી ભાવસાર નાયક (તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા)

ગુજરાતી અભિનેત્રી અને ડબિંગ આર્ટિસ્ટ હેપ્પી ભાવસાર નાયક (Happy Bhavasar Nayak)નું  અવસાન થયું છે. અભિનેત્રીના અવસાનના સમાચાર સાંભળીને ઢોલીવૂડને બહુ મોટો આંચકો લાગ્યો છે. આજે સવારે અમદાવાદમાં તેમની અંતિમ ક્રિયા થશે.

સુત્રોએ આપેલી માહિતી પ્રમાણે, ‘મહોતું’ ફૅમ અભિનેત્રી હેપ્પી ભાવસાર નાયકને ફેફસાંનું કૅન્સર થયું હતું. બે મહિના પહેલા જ તેમને કૅન્સરનું નિદાન થયું હતું. તેઓ છેલ્લા બે દિવસથી વેન્ટિલેટર પર હતા. સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે. બુધવારે મોડી રાત્રે આ દુઃખદ ઘટના બની હતી.

આ લખાઈ રહ્યું હતું ત્યારે અભિનેત્રીની અંતિમ ક્રિયા ચાલી રહી હતી.

હેપ્પી ભાવસાર નાયકે ગુજરાતી અભિનેતા અને આરજે મૌલિક નાયક (Maulik Nayak) સાથે લગ્ન કર્યા છે. તેમને બે મહિનાની જુડવા દીકરીઓ ક્રિષ્ના અને ક્રિષન્વી છે. બે મહિનાની દીકરીઓને આમ મુકીને હેપ્પી ભાવસારે લીધેલી અચાનક વિદાયથી પરિવારજનો અને મિત્રો ઘેરા આઘાતમાં છે.

હેપ્પી ભાવસારે કમર્શિયલ ડેબ્યુ દૂરદર્શનની ફિલ્મ ‘શ્યામલી’થી કર્યું હતું. ત્યાર બાદ હેપ્પીએ ‘મારા સાજણજી’, ‘મારી પાનખર ભીંજાઈ’ જેવી અનેક સિરિયલોમાં અભિનય કર્યો હતો. સિરિયલ અને નાટકો બાદ હેપ્પી ભાવસારે વિજયગિરી બાવાની ફિલ્મ ‘પ્રેમજી રાઈઝ ઓફ અ વોરિયર’ દ્વારા ગુજરાતી ફિલ્મોમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ માટે તેમને ‘ટ્રાન્સમીડિયા’નો ‘બેસ્ટ એક્ટ્રેસ ઈન સપોર્ટિંગ રોલ’નો એવૉર્ડ મળ્યો હતો. તેમજ ‘મહોતું’ શોર્ટ ફિલ્મ દ્વારા અભિનેત્રીએ લોકોના દિલમાં જગ્યા બનાવી હતી. આ ફિલ્મને પણ નેશનલ એવૉર્ડ મળ્યો હતો.

અભિનેત્રીએ ‘મોન્ટુ ની બિટ્ટુ’નામની ફિલ્મમાં મોહીનીનું પાત્ર ભજવ્યું હતું અને તેમાં બૉલિવૂડ અભિનેત્રી માધુરી દિક્ષિતના લૂક્સ કૉપી કર્યા હતા. જેના માટે અભિનેત્રીના ભારોભાર વખાણ થયા હતા. આ સિવાય ‘મૃગતૃષ્ણા’ તેમની યાદગાર ફિલ્મોમાંની એક છે.

હેપ્પી ભાવસાર નાયકના નિધનથી સહુ કોઈ ઘેરા આઘાતમાં છે.

entertainment news dhollywood news gujarati film