આજથી ઓપન થાય છે લાલજી લાજવાબ

15 December, 2019 02:26 PM IST  |  Mumbai Desk

આજથી ઓપન થાય છે લાલજી લાજવાબ

મનોરંજન મેનિયા નિર્મિત રાઇટર-ડિરેક્ટર ઇમ્તિયાઝ પટેલનું નવું નાટક ‘લાલજી લાજવાબ’માં વાત આસ્થા અને દુન્યવી તકલીફોની છે, પણ આ વાતને કૉમેડી ફૉર્મેટથી કહેવામાં આવી છે. નાટકના મુખ્ય કલાકારોમાં બકુલ ઠક્કર, હિતેષ પારેખ, દેવાંગ અને ચિરાગ મહેતા છે. નાટકની વાર્તા કાનજીની આસપાસ ફરે છે.

કાનજી સોમપુરા હવે થાકી ગયો છે, ત્રાસી ગયો છે. દરેક વાતમાં તેને એવું જ લાગ્યા કરે છે કે આ બધી હાલાકી તેણે જ ભોગવવી પડે છે. પડી રહેલી હાલાકીનો દોષ એ ભગવાનને આપે છે અને ભગવાન બિચારો આ બધું ચૂપચાપ સાંભળ્યા કરે છે. ઘરમાં પાણી ન હોય તો પણ ભગવાનનો વાંક અને ચેક રિટર્ન થાય તો પણ ભગવાનનો ગુનો. કાનજીની આ બધી તકલીફો પછી એક દિવસ એવી અવસ્થા ઉમેરાય છે કે કાનજીને સુપરપાવર મળે છે. સુપરપાવર આ શબ્દ સાંભળતાં જ સ્વાભાવિક રીતે સૌકોઈના મનમાં ખુશીઓના ઘોડા દોડવા માંડે, પણ કાનજીના કેસમાં એવું બને છે કે નહીં એ મહત્ત્વનું છે. કાનજીને સુપરપાવર મળ્યા પછી પરિસ્થિતિ જરા જુદી થાય છે અને જાતજાતનાં, ભાતભાતનાં નવાં ત્રાગાં શરૂ થઈ જાય છે. નાટકના રાઇટર-ડિરેક્ટર ઇમ્તિયાઝ પટેલ કહે છે, ‘હવેની બધી વાતો કૉમેડી સાથે એવી રીતે કહેવામાં આવી છે કે ઑડિયન્સ માટે કાનજીની તકલીફો પણ હસાવવાનું કામ કરે છે અને કાનજી જે રસ્તા કાઢે છે એ પણ ઑડિયન્સને લાફ્ટર આપવાનું કામ કરે છે. આ લાફ્ટર સાથે એ પણ એટલું જ સાચું છે કે ઑડિયન્સ નાટકનો મેસેજ લઈને ઘરે નહીં જાય, પણ પોતાના જીવનમાં પણ એને અમલમાં મૂકશે.’
‘લાલજી લાજવાબ’નો શુભારંભ આજે રાતે આઠ વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી થશે.

dhollywood news gujarati film