Anjali Barot: ઓડિશન આપ્યાના એક વર્ષ બાદ મુકેશ છાબરા કાસ્ટિંગમાંથી કોલ આવ્યો અને બન્યું એવું કે..

31 January, 2022 09:12 PM IST  |  Mumbai | Nirali Kalani

સ્કેમ 1992 માટે ઓડિશન આપ્યા બાદ તે સીરિઝ ન બનવાની અટકળો શરૂ થતાં અભિનેત્રી અંજલી બારોટ હતાશ થઈ ગઈ હતી અને પછી અચાનક બન્યું એવું કે રાતોરાત ફેમસ થઈ ગઈ.

અંજલી બારોટ (ડિઝાઈન: સોહમ દવે)

ઓડિશન આપ્યાના એક વર્ષ બાદ મુકેશ છાબરા કાસ્ટિંગમાંથી કોલ આવે, હંસલ મહેતાની વેબ સિરીઝમાં મહત્વપૂર્ણ રોલ માટે પસંદગી થઈ હોવાની માહિતી મળે, વેબ સિરીઝ સુપરહિટ જાય અને બસ પછી અચાનક એક ઉડાન ભરી સફર શરૂ થાય અને રાતોરાત જીંદગી બદલાઈ જાય. આ કોઈ વાર્તા નથી પણ હકીકત છે. આ વાસ્તવિકતા છે અભિનેત્રી અંજલી બારોટની. 

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ `કલાકાર કહે છે` નામે ગુજરાતી સિનેમાં, સંસ્કૃતિ અને કળાના ક્ષેત્રમાં યોગદાન આપનારા કલાકારોના ઈન્ટરવ્યુની એક શ્રેણી ચલાવી રહ્યું છે.  જેમાં આ વખતે આપણે વાત કરવાની છે સ્કૅમ 1992થી દરેકના દિલમાં હર્ષદ મહેતાની પત્નીની છબી તરીકે વસી ગયેલી અભિનેત્રી અંજલી બારોટની. તેણી કેટલીય એવી અજાણી અને રસપ્રદ વાતો મિડ-ડે ડૉટ કૉમ સાથે શેર કરી છે જેના વિશે તમે બિલકુલ નહીં જાણતા હોય. તો ચાલો જાણીએ અભિનેત્રીના જીવનની અંગત અને વ્યવસાયિક વાતો જે તમારા માટે પણ એક પ્રેરણારૂપી માર્ગ બની જશે. 

અંજલી બારોટે પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 2015થી એડ ફિલ્મથી કરી હતી. આ સાથે જ તે સ્કૂપ વ્હૂપ જેવા ડિઝીટલ પ્લેટફોર્મ સાથે પણ કામ કરતી હતી. આ દરમિયાન તેણીને મુકેશ છાબરા કાસ્ટિંગમાંથી ઓડિશન માટે કોલ આવ્યો હતો. જે વેબ સિરીઝથી લોકપ્રિયતા મળી તે સ્કેમ 1992 માં અભિનેત્રીનો દરવાજો કેવી રીતે ખુલ્યો તે અંગે વાત કરતાં અંજલી બારોટે જણાવ્યું કે, `સ્કેમ 1992 માટે મેં જ્યારે હંસલ મહેતા સામે ઓડિશન આપ્યું ત્યારે હું થોડી નર્વસ હતી. બાદમાં વેબ સીરિઝ માટે મારે સિલેક્શન થયું હોવાની જાણ થતાં ઉત્સાહનો પાર નહોતો. તો બીજી બાજુ સીરિઝ ન બનવાની અટકળો શરૂ થતાં આશા નિરાશામાં પરિર્વતિત પામી હતી. પછી આશા જ છોડી દીધી હતી કે આ સીરિઝ બનશે.`

મુંબઈમાં જન્મેલી ગુજ્જુ અભિનેત્રીએ આગળ જણાવ્યું કે, ઓડિશન આપ્યાના એક વર્ષ બાદ તેને સિલેક્ટ થઈ હોવાનો કોલ આવ્યો હતો. સ્કેમ 1992 અંજલી બારોટની પ્રથમ વેબ સિરીઝ છે. જેનાથી તેને રાતોરાત લોકપ્રિયતા મળી હતી. પહેલા અભિનેત્રી પ્રોડક્શન હાઉસમાં કામ કરતી હતી અને બીજાના ઓડિશન્સ લેતી હતી. પછી તેને લાગ્યું કે આમ પ્રોડક્શન હાઉસમાં કામ કરવાથી એક્ટર નહીં બની શકાય, એક્ટર બનવા માટે મારે ખુદ ઓડિશનના તબક્કામાંથી પસાર થવું પડશે. બાદમાં વિચાર પર અમલ કરી અંજલી બારોટે પ્રોડક્શન હાઉસની નોકરી છોડી દીધી અને ઓડિશન્સ આપવાનું શરૂ કર્યુ અને તેના માટે આગળ રસ્તો બનતો ગયો. અંજલી બારોટ માને છે કે મહેનત અને લગનથી કોઈ પણ કામ કરવામાં આવે તો રસ્તો આપોઆપ બની જાય છે.   

રોમેન્ટિક કિંગ સાથે કામ કરવાની ઈચ્છા

જ્યારે અભિનેત્રીને તેના ડ્રીમ એક્ટર વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણીએ કહ્યું કે તે શાહરુખ ખાનની બહુ જ મોટી ફેન છે. તે ભવિષ્યમાં તેની સાથે કામ કરવા માગે છે. જો કે એસઆરકે ના સૌ કોઈ દિવાના છે. એમાંની એક અંજલી બારોટ પણ છે. તેનું સપનું છે કે એક વાર તે શાહરુખ ખાને સાથે સ્ક્રિન શેર કરે.

ઉલ્લેખનીય છે કે, અંજલી બારોટે 50 જેટલી જાહેરાતમાં કામ કર્યુ છે. આ સાથે જ કેટલાક ડિઝિટલ શૉ પણ કર્યા છે. પરંતુ સ્કૅમ 1992થી તે વધારે લાઈમ લાઈટમાં આવી. આ સીરિઝ માટે ફિલ્મ ફેર એવોર્ડ નોમિનેશનમાં તેની પસંદગી કરવામાં આવી હતી. જેમાં તેમણે હર્ષદ મહેતાની પત્નીનું પાત્ર ભજવ્યું હતું. આ શૉ માં તેમના શાનદાર અભિનયે દર્શકોના દિલ જીતી લીધા હતા. આગામી સમયમાં તે ચબુતરો નામની ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે. આ સાથે તે અન્ય એક વેબ સિરીઝમાં પણ પોતાના અભિનયનો ઓજશ પાથરશે. જો તેમની પર્સનલ લાઈફની વાત કરીએ તો અંજલી બારોટે ફેબ્રુઆરી 2021માં ગૌરવ અરોરા સાથે લગ્ન કર્યા હતા.  

 

 
 

dhollywood news entertainment news gujarati film gujarati mid-day