ચાલો જાણીએ જાણીતા ચહેરાઓના જીવનમાં મહિલાઓનું મહત્વ અને સ્થાન

08 March, 2020 12:08 PM IST  |  Mumbai | Rachana Joshi

ચાલો જાણીએ જાણીતા ચહેરાઓના જીવનમાં મહિલાઓનું મહત્વ અને સ્થાન

દર્શન જરીવાલા, પાર્થિવ ગોહિલ, અનંગ દેસાઈ, ઓજસ રાવલ

કહેવાય છે કે, ભગવાનને પણ દુનિયામાં જન્મ લેવા માટે એક ‘મા’ ની જરૂર પડી હતી. દુનિયાનું ઘડતર જ સ્ત્રી વગર અધૂરું છે. દરેક સ્ત્રીની એક અલગ ઓળખ હોય છે. તે માતા બનીને બાળકને જન્મ આપે છે, બહેન બનીને ભાઈની સંભાળ રાખે છે, પત્ની થઈને પતિનો સહારો બને છે તો દીકરી તરીકે પિતાનું નામ ઉજ્જવળ કરે છે. એક સ્ત્રી અનેક જવાબદારીઓ નિભાવે છે. સ્ત્રી વગર ખરેખર એક પુરુષનું જીવન અધૂરું હોય છે. માતા હોય, પત્ની હોય, બહેન હોય કે પછી દીકરી એક પુરુષના જીવનમાં દરેકનું આગવું સ્થાન હોય છે. સામાન્ય માણસ હોય કે પછી સેલિબ્રીટી હોય મહિલા વગર જીવન અધૂરું જ હોય છે.

આજે આંતરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિતે અમે કેટલાક જાણીતા ચેહરાઓ સાથે તેમના જીવનની સૌથી મહત્વની મહિલાઓ વિષે વાત કરી. ચાલો જાણીએ એમના જ શબ્દો માં...

દર્શન જરીવાલા : મારી મમ્મીના દીકરા તરીકે ઓળખાવવાનો મને ગર્વ છે

સ્વ. લીલાબેન જરીવાલા

અનેક ગુજરાતી અને હિન્દી ફિલ્મો તેમજ ગુજરાતી નાટકોમાં અભિનય કરનાર અને ‘ગાંધી, માય ફાધર’ થી પ્રેક્ષકોના દિલ જીતનાર અભિનેતા દર્શન જરીવાલા તેમની માતા સ્વ. લીલાબેન જરીવાલાની ખબૂ નજીક હતા એ વિષે કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે! લીલાબેન જરીવાલા એક ઉત્કૃષ્ટ અભિનેત્રી હતાં. દર્શન જરીવાલે મિડડે સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ‘ભલે મારા મમ્મીને ગુજરી ગયાંને ૨૫ વર્ષ થઈ ગયાં હોય પણ આજે પણ હું જયારે પાછળ વળીને જોઉંને ત્યારે મને મારી મમ્મીનો હસતો ચહેરો હંમેશા યાદ આવે છે. એમનો સ્વભાવ શાંત અને હસમુખો પણ વ્યક્તિત્વ એકદમ સ્ટ્રોંગ. એ જમાનો સોશ્યલ મીડિયાનો નોહતો પણ એમનું સોશ્યલ સર્કલ બહુ મોટું હતું. હું એમની સાથે નાટકના શો માટે કોઈપણ શહેરમાં જાવ, બધે કોઈકને કોઈક સગું કે એમનું ઓળખીતું રેહતું જ હોય અને અમે ત્યાં જઈએ ને એટલે બધા બહુ પ્રેમથી આવકારે. અભિનય ક્ષેત્રે સક્રિય હતા પણ ક્યારેય પોતાની સામાજીક ફરજો ચુકતા નહીં. અમારા બહોળા પરિવારને બરાબર સાચવતા. એ સમયે છોકરીઓને અભિનય ક્ષેત્રમાં આવાની એટલી સ્વતંત્રતા નહોતી ત્યારે તેમણે છોકરીના માતા-પિતાને હૈયાધારણ આપીને થિયેટરમાં પ્રોટેક્ટિવ વાતાવરણ આપ્યું હતું. પછી જયારે મૈ અભિનય ક્ષેત્રે પદાર્પણ કર્યું ત્યારે મને લીલા જરીવાલાનો દીકરો હોવાનો બહુ ફાયદો થયો હતો. મારા પહેલા નાટકમાં બીજા બધા નવોદિત કલાકારોને ૩૦ રૂપિયા મહેનતાણું મળ્યું હતું પણ મૈ બમણું મહેનતાણું માંગ્યું તો પ્રોડ્યુસરે મને મમ્મીના સંબંધોની ઉષ્મા જાળવીને ૫૫ રૂપિયા આપ્યા હતાં. મારા ગ્રોથ સ્ટેજમાં લોકો મને લીલા જરીવાલાના દીકરા તરીકે ઓળખતા. મારા બાળકો મોટા થઈ ગયાં પણ આજે પણ જયારે કોઈ મને મારી મમ્મીના દીકરા તરીકે ઓળખેને ત્યારે મને બહુ ગર્વ થાય છે. હું આજે પણ માર મમ્મીના હાથનો દૂધીનો હલવો બહુ મિસ કરું છું.’

શાળાના એક કાર્યક્રમમાં માતા સાથે દર્શન જરીવાલા 

 

પાર્થિવ ગોહિલ : મારી દીકરી મારું અભિમાન છે

પાર્થિવ ગોહિલ દીકરી નિરવી ગોહિલ સાથે 

પાર્શ્વ ગાયક પાર્થિવ ગોહિલની દીકરી નિરવી ગોહિલ હજી ત્રણ વર્ષની છે પણ તેનું ફેન ફોલોઈંગ બહુ મોટું છે. પાર્થિવ હંમેશા સોશ્યલ મીડિયા પર નિરવી સાથેની તસવીરો અને વિડીયો શેર કરતાં જ હોય છે. પાર્થિવનું કહેવું છે કે, 'મારી દીકરી નિરવી મારું અભિમાન છે. હું જ્યારે સંગીતની ટુર પર જાવ ત્યારે ઘર કરતાં એને વધુ મિસ કરું છું. ને હું પાછો આવું ત્યારે એ મને એની કાલી કાલી ભાષામાં એમ પૂછે ને, 'ડેડી તું ક્યાં ગયો તો?' ત્યારે મારો બધો જ થાક ઉતરી જાય. એની સાથે રમવું, તોફાન કરવા ને એની સાથે બાળક બની જવામાં જે આનંદ મળે છે એવો બીજે ક્યાં નથી મળતો. નિરવીના જન્મ પછી મારી જિંદગીમાં ઘણા બદલાવ આવ્યા છે. એના આવવાથી જીવન ઘણું બદલાઈ ગયું છે. જ્યાં સુધી સવારે એનું મોઢું ન જોવું ત્યાં સુધી મારો દિવસ જ શરૂ ન થાય. આજની જનરેશનને બહુ જલ્દી બધુ શીખી જાય છે. અમે ઘરમાં કોઈપણ વાત કરતાં હોય એને તાત્કાલિક કૅચ કરીને એટલા બધા પ્રશ્નો કરશે કે જેના જવાબ અમારા માટે પણ શોધવા મુશ્કેલ બની જાય છે. દરેક વાતમાં નિખાલસતાથી એની પ્રશ્નો કરવાની જે આદત છે આ મને બહુ જ ગમે છે. બહુ નસીબવાળા હોય છે જેના ઘરે દીકરીનો જન્મ થાય છે. ને હું તોહ પોતાને ડબલ નસીબદાર માનું છું. કારણકે પહેલું તો મારા ઘરે દીકરીનો જન્મ થયો અને બીજું જ્યારે નિરવી જન્મી ત્યારે હું ઓપરેશન થિયેટરમાં હાજર હતો. એટલે એણે જ્યારે પહેલીવાર આંખ ખોલી ત્યારે મને જે સુખ અને ખુશીનો અનુભવ થયો તે હું ક્યારે નહીં ભૂલી શકું અને શબ્દોમાં વર્ણવી પણ નહીં શકું.'

 

અનંગ દેસાઈ : મારી પત્ની મારી તાકાત છે

અનંગ દેસાઈ પત્ની ચિત્રા દેસાઈ સાથે 

૮૦ કરતાં વધુ ટીવી શૉમાં અભિનય કરનાર અને 'બાબુજી' ના પાત્રથી ઘર ઘરમાં જાણીતું નામ બનનાર અનંગ દેસાઈએ સાત વર્ષના કોર્ટશીપ પીરિયડ બાદ ચિત્રા ભારદ્વાજ સાથે લગ્ન કર્યા હતાં. અનંગ દેસાઈ દિલ્હીની નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં હતાં ત્યારે ચિત્રા સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરતાં હતાં. બન્નેની મુલાકાત દિલ્હીમાં થઈ હતી. અનંગ દેસાઈનું કહેવું છે કે, 'અમે બહુ રોમેન્ટીક નથી પણ એકબીજા માટેની હુંફ, એકબીજા પ્રત્યેનો આદર અને મિત્રતાને લીધે છેલ્લા ૩૯ વર્ષથી અમે સાથે છીએ. અમારા માટે રોજ વેલેન્ટાઈન ડે છે. મને પહેલેથી જ ચિત્રાની પ્રમાણિક્તા અને બૉલ્ડનેસ ગમે છે. એક પત્ની તરીકે એણે બધી જ ફરજો નિભાવી છે. હું જે ઈન્ડસ્ટ્રીમાં છું એમાં ઘણા ઉતાર-ચડાવ આવવા બહુ સામાન્ય બાબત છે અને મારા જીવનમાં આપણ ઘણા ઉતાર-ચડાવ આવ્યા છે અને એ દરવખતે મારી પડખે મારી તાકાત બનીને ઊભી રહી છે. હું આજે જે પણ છું એમાં મારી પત્નીનો બહુ મોટો ફાળો છે. ફક્ત પત્ની તરીકે જ નહીં પણ એક કવિયત્રી તરીકે પણ હું એના પ્રેમમાં છું. એની કવિતાઓમાં એ જે રીતે પોતાના ઈમોશન્સ રેડે છે એ જોઈને હું તેનાથી વધુ આકર્ષાવ છું. એક પત્ની તરીકે અને માતા તરીકે મૈ ચિત્રાને દિવસેને દિવસે ગ્રો થતા જોઈ છે. આજના યુવાનોમાં ડિવોસૅના કેસ બહુ વધુ જોવા મળે છે. ત્યારે મને થાય કે એમને કહું કે પ્રેમમાં પડવું બહુ સરળ છે અને પ્રેમમાં પડવું પણ જોઇયે. કારણકે એ બહુ અદ્ભૂત ફિલિંગ છે. પણ પછી જીવનભર એ પ્રેમને અકબંધ રાખવો બહુ મુશ્કેલ છે. જ્યારે પ્રેમને અકબંધ રાખવા સક્ષમ થઈએને ત્યારે જ લગ્ન કરવા જોઈએ.'

 

ઓજસ રાવલ : મારી બેન મારી બેસ્ટ ફ્રેન્ડ છે

ઍક્ટર, કોમેડિયન ઓજસ રાવલ અને તેમની બહેન વચ્ચે આઠ વર્ષનો ફરક છે પણ સંબંધ બેસ્ટ ફ્રેન્ડનો છે. ઓજસનું કહેવું છે કે, 'હું અને મારી બેન અમે બન્ને જ્યારે સાથે હોયએ ત્યારે અમારી ઉમર સરેરાશ ૧૮ વર્ષની થઈ જાય છે. મારી બેન ભલે મારા કરતાં આઠ વર્ષ નાની છે પણ અમારું બોન્ડિંગ બેસ્ટ ફ્રેન્ડ જેવુ છે. અમે નાનપણથી જ એટલા મસ્તીખોર છીયે. એકબીજા સાથે બહુ પ્રાંક્સ કરતાં. એકવાર એ સાંજે સ્કૂલથી આવી ત્યારે મૈ એને ખારું પાણી પીવડાવેલું ને પછી એણે મને સખત ધોઈ નાખેલો. પછી બીજા દિવસે એણે મને એ જ રીતે પટાવીને ખાટી વસ્તુ આપી કે મારા દાંત અંબાઈ ગયા હતાં. પણ એ છે એકદમ પ્રેમાળ અને એના નામની જેમ ખુશખુશાલ. એની પાસેથી હું જીવનમાં ઘણું શીખ્યો છું. જેટલી તોફાની છે એટલી જ માયાળું પણ છે. મૈ એને એના જીવનમાં સફળતાના એક એક પગલાં ભરતા જાતે જોઈ છે. તેની પાસેથી જ હું હુંફ અને પ્રેમ આપતા શીખ્યો છું.'

international womens day gujarati film indian television