સંજય ગોરડિયાને તમારે ખુશ કરવા હોય તો તમારે તેમને બુક આપવાની

04 December, 2022 11:59 AM IST  |  Mumbai | Bhavya Gandhi

હા, તેમને વાંચવાનો ગજબનાક શોખ છે અને એ શોખ પણ એવો કે તેઓ દરરોજ વાંચે. બુક હોય તો બુક અને બાકી પોતાના આઇપૅડ પર પણ તેમને વાંચવા જોઈએ જ જોઈએ. એટલું જ નહીં, તેઓ વાંચેલી વાતને પોતાની લાઇફમાં ઉમેરે પણ ખરા

સંજય ગોરડિયા

હું સંજય ગોરડિયા વિશે આટલું બધું કેમ જાણું છું એ વાતનો ખુલાસો તો મેં લાસ્ટ સન્ડેએ કર્યો કે ફિલ્મ ‘કહેવતલાલ પરિવાર’ના શૂટિંગ દરમ્યાન હું અમદાવાદમાં સંજયસરનો રૂમ-પાર્ટનર હતો! ઍક્ટર તરીકે તો નૅચરલી હું તેમને ઓળખતો જ હોઉં, પણ એ સિવાય તેમની બીજી પણ એક ઓળખાણ હતી. લાલુભાઈ એટલે કે સંજયસરના દીકરા અમાત્ય ગોરડિયા કૉલેજમાં મારા સિનિયર એટલે એ રીતે પણ સંજયસર મને હંમેશાં ફૅમિલી મેમ્બર જેવા જ લાગ્યા છે.
સંજયસર અને મને હોટેલમાં પર્સનલ રૂમ મળી હતી, પણ સંજયસરના જ આગ્રહને લીધે હું તેમની રૂમમાં રાતે રોકાવા જતો અને ત્યાં જ સૂતો. શરૂઆતમાં જ્યારે તેમણે મને કહ્યું ત્યારે મને થયું હતું કે હું ફસાઈ જઈશ! સાચે જ, મને એવું લાગ્યું હતું. જોકે પહેલી રાતે જ તેમની સાથે એટલી મજા આવી, તેમણે એવી-એવી વાતો કરી કે મને થયું કે ના, હું ફસાયો નથી; બલ્કે મને તો આખા દિવસનો થાક ઉતારવાની સરસ મજાની કંપની મળી ગઈ છે. સંજયસર છે પણ એવા જ. તેઓ દરેકના દોસ્ત બનીને રહે. તમે તેમની સાથે એક વાર વાત કરો અને બીજી વાર વાત કરો એટલે પત્યું. તેમના મોબાઇલમાં તમારો નંબર સેવ થઈ જાય. પછી તમારે લાયક કંઈ પણ તેમની પાસે આવે તો તેઓ તરત જ તમને સામેથી ફોન કરીને ઇન્ફૉર્મ કરે. તમે કોઈ ઇન્ક્વાયરી માટે ફોન કર્યો હોય તો પણ તેઓ યાદ રાખે. અરે, તમે માનશો નહીં. મેં એવા-એવા ફોન તેમને આવતા જોયા છે કે તમને રેન્ટ પર મકાન જોઈતું હતું તો આ એરિયામાં ચાલશે? તમને ડ્રાઇવર જોઈતો હતો તો એનું શું થયું? એક વાર મેં તેમને આ બધા ફોનનું કારણ પૂછ્યું તો ખબર પડી કે એ એક પણ કામ તેમનું નહોતું.
તેમના એક ફ્રેન્ડનો ફ્રેન્ડ સંજયભાઈના એરિયામાં રેન્ટ પર ઘર શોધતો હતો. ફ્રેન્ડ પાસેથી સંજયભાઈને ખબર પડી એટલે તેમણે પેલાના ફ્રેન્ડને હેલ્પ થાય એ માટે પોતાના બે-ચાર ઓળખીતાને કહી દીધું હતું.
‘ભવ્ય, સીધી વાત છે... તે બન્નેનું કામ થાય છે અને આપણને એમાં નુકસાન નથી તો પછી સમયનો સદુપયોગ કરવામાં શું ખોટું છે!’
તેમણે આ જે જવાબ આપ્યો હતો એ મને લાઇફ-લેસન જેવો લાગ્યો છે. આવો જ તેમનો બીજો પણ એક સિદ્ધાંત છે.
‘લાઇફમાં ક્યારેય અકારણ ખોટું બોલવું નહીં... જો કારણ હોય, સ્વાર્થ હોય, નુકસાની થતી હોય અને તમે ખોટું બોલો તો સમજી શકાય; પણ અકારણ જરાય નહીં અને ક્યારેય નહીં... નાહકનું એ બધું યાદ રાખવાનું ટેન્શન ભોગવવાનુંને!’
સંજયસર સાથે તમે હો તો તમને જાણે કે ફ્રેન્ડ સાથે હો એવી ફીલ આવે અને કાં તો એવું લાગે કે આપણે આપણી જાત સાથે જ છીએ. તેમની સાથે હોઈએ તો પણ તેમનો કોઈ ભાર ન લાગે. આટલા મોટા સ્ટાર, આટલું મોટું ફૅન-ફૉલોઇંગ અને એ પછી પણ તેમના બિહેવિયરમાં જરા પણ દેખાય નહીં. 
સંજયસર બહુ ફૂડી છે અને એ તમને તેમની ફૂડની કૉલમના કારણે ખબર જ છે; પણ તમે માનશો નહીં, સંજયસર હેલ્થને કારણે બધું ખાતા નથી અને ટેસ્ટ કરવામાં કંઈ બાકી રાખે નહીં. અમારા સેટ પર ખમણ અને ઢોકળાં બહુ આવતાં તો એ કઈ જગ્યાએથી આવવાનાં છે એનું પણ તેમને ધ્યાન હોય. સંજયસરને ડાયાબિટીઝ છે એટલે તેઓ મેડિસિનથી માંડીને પોતાના ફૂડના ટાઇમિંગનું બહુ ધ્યાન રાખે. મજાક કરતાં-કરતાં અમને બધાને કહે પણ ખરા કે તમારા કોઈની રાહ હું નથી જોવાનો, મારે તો ખાવું જ પડશે. 
હવે સંજયસરની પોલ ખોલી દઉં. તેઓ એકલા સૂઈ નથી શકતા. હા, સાચે. તેઓ મુંબઈની બહાર જ્યાં પણ જાય તેમને રૂમમાં કોઈ ને કોઈ જોઈએ જ. એકલા ન સૂએ અને એ પછી પણ તેમને રૂમમાં સૂતાં પહેલાં બધા પ્રકારનાં પર્ફેક્શન જોઈએ. આખી રૂમમાં અંધારું હોવું જોઈએ, એસી આટલું જ જોઈએ, રૂમમાં બહુ અવરજવર ન હોવી જોઈએ... આ બધા વચ્ચે મને થયું કે હું બકરો બન્યો. મેં તેમના નિયમો જે કહ્યા એમાંનો જ એક નિયમ એ કે રૂમમાં અવાજ ન આવવો જોઈએ. એટલે જેટલા દિવસ હું તેમની સાથે રહ્યો એટલો વખત હું મારા ફ્રેન્ડ્સ સાથે પણ વાત ન કરી શકું. જલદી સૂઈ જવાનું અને સાથે જ સૂવાનું. મને ઊંઘ ન આવે અને તો પણ મારે સૂઈ જવાનું. 
સાડાદસ વાગ્યે અમારી રૂમમાં બધું બંધ થઈ જાય અને અગિયાર વાગ્યે તો સૂઈ જ જવાનું. શરૂઆતમાં મેં ટ્રિક વાપરી હતી. અડધી રાતે હું બહાર જવા માટે રૂમમાંથી નીકળી જઉં કે તરત જ તેમની આંખો ખૂલી જાય અને હું પાછો સૂઈ જઉં. જોકે સાચું કહું. એ સમયે મેં જે મિસ કર્યું એના બદલામાં મને સંજયસર પાસેથી જે મળ્યું એ પ્રાઇસલેસ છે. ખરેખર. જીવન જીવવા માટે જો તેમના જેવા સિદ્ધાંત અપનાવી લો તો તમને કંઈ ખરાબ ન લાગે, ક્યારેય નહીં. અરે હા, સંજયસર વાંચવાના ગજબનાક શોખીન છે. તમે ધાર્યા ન હોય એવા શોખીન. તેમની ફેવરિટ અને પૉપ્યુલર થયેલી એક પણ બાયોગ્રાફી એવી નહીં હોય જે તેમણે વાંચીને જીવનમાં ઉતારી ન હોય.

dhollywood news Sanjay Goradia Bhavya Gandhi