‘મોટા થવા નહીં, સ્ટેજ મોટું કરવા આવ્યો છું’

07 October, 2020 09:13 PM IST  |  Rajkot | Rashmin Shah

‘મોટા થવા નહીં, સ્ટેજ મોટું કરવા આવ્યો છું’

કમલેશ મોતા

બધાં કામ કરવાનાં એવી કોઈ સલાહ આપે તો કમલેશ મોતા આવું કહેતા. ઍક્ટર-ડિરેક્ટર કમલેશ મોતાએ જેમની સાથે સવિશેષ કામ કર્યું છે એ ત્રણ પ્રોડ્યુસર અહીં ભીની આંખે મોતા સાથેનાં પોતાનાં સંભારણા શૅર કરે છે

એલા કેબા, ભાગવા દેને પહેલાં... કિરણ ભટ્ટ (પ્રોડ્યુસર)

માનવામાં નથી આવતું મને હજી કે કમલેશ, આમ... સાવ આવી રીતે. ૩૫ વર્ષની ભાઈબંધી અમારી. નામ મારું કિરણ ભટ્ટ, મોટા ભાગના બધા KB કહે, પણ કમલેશ ‘કેબા’ કહેતો, એમાં આજે અડધી ઇન્ડસ્ટ્રી મને આ જ નામે બોલાવતી થઈ ગઈ છે.
કેબા...
હવે કમલેશ નથી, પણ તેણે આપેલું નામ રહેવાનું છે કાયમ માટે મારી સાથે. કમલેશના જવાથી ઇન્ડસ્ટ્રીને બહુ મોટી ખોટ પડશે. બહુ મોટી ખોટ. તમે કલ્પના પણ ન કરી હોય એવી ખોટ ઇન્ડસ્ટ્રીને પડશે અને મને અંગત જીવનમાં. મારાં અનેક નાટકો તેણે ડિરેક્ટ કર્યાં તો મેં પ્રેઝન્ટ કર્યાં હોય એવાં નાટકોમાં તેણે ઍક્ટિંગ કરી, પણ હું તો એમ જ કહીશ કે મેં મારો ભાઈબંધ ગુમાવ્યો. ભવન્સ પર જવાનું અટ્રૅક્શન જ કમલેશ હતો. હવે ભવન્સ પર જવાનું મન નહીં થાય. હા, ક્યારેય નહીં. ભવન્સની એકેક દીવાલ, એકેક ચૅર કમલેશની યાદ અપાવશે. હજી ચારેક દિવસ પહેલાંની વાત છે. એમ જ મેં તેને ફોન કર્યો તો કહે, ‘આવ ભવન્સ પાસે, ચા પીએ.’
હું ગયો, અમે ચા પીધી અને એ પછી તે ક્યારેય ન કરે એ રીતે તેણે ‘બાય’ કહ્યું. મેં તેને કીધું પણ ખરું કે ‘એલા ‘બાય’ની શું માંડશ, ઘરભેગો થા, તારી બૈરી દેકારા કરશે.’ આ જ અમારા સંબંધો. સાવ અંગત અને ઘનિષ્ઠ. તમે માનશો નહીં, પણ તેનાં અપ્રમી સાથે મૅરેજ થાય એને માટે મારે નાટક બંધ રાખવું પડ્યું હતું.
‘સૂર્યવંશી’ અમારું નાટક. કમલેશ એમાં ઍક્ટિંગ કરે. કૉલેજના ટાઇમથી અમારી દોસ્તી એટલે અપ્રમી સાથેના તેના અફેરની પણ મને ખબર. એક દિવસ આવીને મને કહે, ‘કેબા, કાલનો શો છે, પણ એક લફડું છે દોસ્ત. અપ્રમી અને હું ભાગવાનાં છીએ અને ટિકિટ તો બધી વેચાઈ ગઈ છે.’ મેં સરળ સવાલ કર્યો કે બેય જણ ભાગીને કરવાનાં શું છો?
‘મૅરેજ, સાવ ઘનચક્કર છો.’
મેં કમલેશ સામે જોયું અને તેને કહી દીધું ,‘નાટક ભૂલી જા, હું ફોડી લઈશ. તારો ભાગવાનો પ્લાન કન્ટિન્યુ કર.’ રાતે બન્ને ભાગવાના પ્લાનમાં લાગ્યાં અને હું શો કેવી રીતે કૅન્સલ કરવો એના પ્લાનમાં. સાચે જ ‘સૂર્યવંશી’નો શો અમે કૅન્સલ કર્યો અને કમલેશે પણ બોલેલું પાળ્યું. અપ્રમી સાથે મૅરેજ કરીને જ તે પાછો આવ્યો. મળીએ ત્યારે આવી બધી વાતો થાય. એવું લાગે જાણે વચ્ચેનો ૩૫ વર્ષનો પિરિયડ વીત્યો જ નથી.
એક સમય પછી લાડ કરવા મળે એવા ભાઈબંધ ઓછા થતા જતા હોય છે. કમલેશ લાડ કરવા મળે એવો યાર હતો મારો. તેની ચા પીવાની, મફતમાં પીધેલી ચામાં પણ વાંધાવચકા કાઢવાના. એ જ સમયે ઘરેથી ફોન આવી ગયો હોત તો અપ્રામી અને બાળકોની સામે એની ટાંગ ખેંચવાની. ફોન પૂરો થાય પછી તેના મોઢે સાંભળવાનું પણ ખરુ, ‘કેબા, તું વધારે છૂટ લેશ હવે...’
અંગત સંબંધોમાં કમલેશ ક્યારેય રોકટોક કરે નહીં અને ધંધાદારી સંબંધોમાં કમલેશ ક્યારેય બાંધછોડ કરે નહીં. નાટક બનાવવાની બાબતમાં તેને કચાશ ચાલે નહીં. નામ નહીં આપું, પણ અનેક પ્રોડ્યુસર એવા છે કે બજેટ ખતમ થઈ ગયું હોય તો તેણે પોતાના પૈસા નાખીને નાટક પૂરું કર્યું છે અને આવી જ રીતે તે રહ્યો છે. અમારી ભાઈબંધીમાં એક વાત ક્લિયર રહેતી. મારે તેની પાસે ભવન્સની ડેટ્સ માગવાની નહીં અને તેણે ક્યારેય એવી કોઈ ચર્ચા કાઢવાની નહીં. ક્યારેય નહીં. મને મારા પ્રોડ્યુસર અને પાર્ટનર્સ કમલેશ પાસેથી ડેટ લેવા માટે કહે ત્યારે મારે ઝઘડો થઈ જાય, પણ મારે આ નિયમ તોડવાનો નહીં. ઘણી વાર મને બધા પૂછે પણ ખરા કે તો પછી કમલેશ સાથેનો સંબંધ શું કામનો?
‘મફતની ચાનો’
કમલેશ, હવે ચા કોણ પિવડાવશે યાર?

વિસામો ગુમાવ્યો અમે... કૌસ્તુભ ત્રિવેદી (પ્રોડ્યુસર)

કમલેશ મારો વિસામો હતો. ભાઉસાહેબ હતા એ સમયથી હું નિયમિત ભવન્સ જાઉં, બેસું, વાતો કરું. ભાઉસાહેબ પછી ભવન્સ જવાનું થોડું ઘટ્યું, પણ કમલેશને કારણે એ ચાલુ તો રહ્યું. જવાનું, બેસવાનું, વાતો કરવાની. એવું લાગે જાણે એ અમારા જેવા રંગકર્મીઓનો વિસામો હતો. કમલેશ જવાથી આજે એવું લાગે છે જાણે અમે નોધારા થઈ ગયા, વિસામો ગુમાવી બેઠા અમે. કમલેશ આમ ઉંમરમાં મારાથી નાનો, પણ ભવન્સની છત્રછાયામાં તો અમને એમાં પણ વડીલપણું જોવા મળતું.
કમલેશે મારી સાથે નાટકમાં ઍક્ટિંગથી શરૂઆત કરી. ડિરેક્ટરની બાબતમાં હું જરા સ્ટ્રિક્ટ છું. ડિરેક્શન સોંપતાં પહેલાં ચાર ચાસણીએ ચકાસું એવું કહો તો ચાલે, પણ કમલેશના કેસમાં એવું બન્યું નથી. ઍક્ટર કમલેશમાં જ તેનામાં રહેલા ડિરેક્ટરના શેડ્સ જોવા મળતા હતા. નાનામાં નાની વાતનું ધ્યાન રાખવું અને ઝીણામાં ઝીણી વાતની કાળજી રાખવાની. કમલેશે મારાં ૮થી વધારે નાટકો ડિરેક્ટ કર્યાં. તેણે છેલ્લું ડિરેક્ટ કરેલું ‘ફાધર્સ ડે’ નાટક પણ મારું. આ નાટક કમલેશે તેની લાઇફમાં સૌથી ફાસ્ટ ડિરેક્ટ કર્યું છે. માત્ર ૨૮ દિવસમાં તેણે નાટક તૈયાર કર્યું. બાકી કમલેશ ડિરેક્શનમાં દોઢ-બે મહિના આરામથી લઈ લે. તમે તેની સાથે વાત કરો એટલે તે પહેલી શરત આ જ મૂકે. મને નાટક તૈયાર થયું લાગશે પછી જ ઓપન કરવાનું. ઘણી વાર એવું બન્યું છે કે નાટકની ડેટ આવી જાય અને કમલેશ એ કૅન્સલ કરાવે. નાટકમાં પર્ફેક્શનથી ઓછું તેને જરાય ન ચાલે. હું તેને કહું કે ચાલશે હવે, કોઈ આટલું ધ્યાનથી જોતું નથી.
‘ના, ઑડિયન્સ બધું જુએ છે.’ હું કંઈ દલીલ કરવા જાઉં એ પહેલાં તો કહી પણ દે, ‘ને ધારો કે ન જોતું હોય તો આપણે એને જોતા કરવાના છે.’
કમલેશનું વિઝન અદ્ભુત હતું. આ ‘હતું’ લખવું પણ અત્યારે ભારેખમ લાગે છે. તમે માનશો નહીં, લૉકડાઉનમાં અમારાથી એક વણલખ્યો નિયમ થઈ ગયો હતો. સોમવારે બપોરે વાત કરવાની. બે દિવસ પહેલાં મેં તેને ફોન કર્યો, પણ એણે રિસીવ કર્યો નહીં. મને તો ખબર નહીં કે તે હૉસ્પિટલમાં છે. ગઈ કાલે તેની વાઇફ અપ્રામી સાથે વાત થઈ ત્યારે તેણે કહ્યું કે ‘કમલેશ કહેતો હતો કે તમારો ફોન હતો, પણ વાત નથી થઈ.’
કમલેશ ભેખધારી હતો એવું કહું તો જરાય ખોટું નહીં કહેવાય. તેણે રંગભૂમિને પોતાની જાત સોંપી દીધી હતી. ફિલ્મ, સિરિયલ એમ સતત ઑફર આવતી રહે અને એ ના પાડ્યા કરે. કરે જ નહીં. બસ, નાટક. ફક્ત અને ફક્ત નાટક. અને એમાં પણ તેને સતત નવું-નવું કરવું હતું. તમે જુઓ, લૉકડાઉનમાં પણ તેણે ઑનલાઇન ડ્રામા કૉમ્પિટિશન કરી. કમલેશને જોઈને મને ઝવેરચંદ મેઘાણીની એક પંક્તિ હંમેશાં યાદ આવતી.
ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ
થનગનતો ઘોડો આમ શાંત થઈ જશે એવું ક્યારેય કલ્પ્યું પણ નહોતું. ક્યારેય નહીં.

...અને આ છે ગુજરાતી રંગભૂમિના રામાનંદ સાગર... રાજેન્દ્ર બુટાલા (પ્રોડ્યુસર)

નાટક પૂરું થાય પછી કર્ટન કૉલમાં હું ક્યારેય એવું કહેતો નહીં કે આ છે અમારા ડિરેક્ટર કમલેશ મોતા. ના, ક્યારેય નહીં. મારા શબ્દો આ જ હોય : આ છે ગુજરાતી રંગભૂમિના રામાનંદ સાગર, કમલેશ મોતા...
મનોરજંનમાં જો કોઈ વિષય અઘરો કહેવાય તો એ ધર્મનો વિષય છે. આસ્થા અને ભાવનાને અકબંધ રાખીને પણ એ વિષય પર મનોરંજન આપવાનું કામ કરવું કઠિન છે અને આ કઠિન કામમાં કમલેશની હથોટી હતી. કેટલાં બધાં નાટકો અમે કર્યાં સાથે. અનેક નાટકો અને એ બધાં નાટકો સુપરહિટ રહ્યાં. મારે અત્યારે ‘નરસૈંયાનો નાથ’ની વાત કરવી છે. સાહેબ, એ સમયે નાટકમાં ૩૯ કલાકારો અને એમાંથી ૩૭ કલાકારો પહેલી વાર સ્ટેજ પર પગ મૂકનારા. બહુ અઘરું કામ છે આ. આને માટે મગજ પર બરફની પાટ જોઈએ અને કમલેશના મગજ પર કાયમ બરફ રહેતો. ભાગ્યે જ મગજ ગરમ થાય. ‘નરસૈંયાનો નાથ’ની વાત કહું તમને. જે કલાકારો નવા હતા એ કલાકારો પણ કેવા હતા એ જુઓ તમે. ધર્મેન્દ્ર ગોહિલ, તેજલ વ્યાસ, રિન્કુ પટેલ, ચારુલ ભાવસાર, લીના શાહ અને આવા બીજા અનેક કલાકારો જે આજે સ્ટાર બની ગયા છે. કમલેશ નવી ટૅલન્ટને હાથ આપવામાં જરા પણ ખચકાતો નહીં. જેને પહેલી વાર બ્રેક આપ્યો હતો એવા લોકોનું લિસ્ટ બનાવું તો એ લિસ્ટ કમલેશે ડિરેક્ટ કરેલાં નાટકોથી મોટું બની જાય.
ગયા વર્ષે અમે ‘સંભવ-અસંભવ’ કર્યું. નાટક હિટ ગયું. લૉકડાઉનમાં પણ અમારી વાત થઈ કે આપણે સાથે કંઈક કરીએ. તેણે મળવાનું કહ્યું એટલે મેં કીધું કે ભાઈ, સિનિયર સિટિઝનને બહાર નીકળવાની મનાઈ છે, તો હસતાં-હસતાં કહે કે હું હજી એમાં નથી આવતો બુટાલા, હું આવી
જઈશ મળવા. તે મળવા આવે એ પહેલાં તો આ સમાચાર આવ્યા.
કમલેશનો સૌથી મોટો ગુણ જો કોઈ હોય તો એક જ, તે તમને સતત હસતો દેખાય. ગ્રે ફ્રેન્ચકટ બિયર્ડ અને મસ્તક પર મસ્ત ચમકતી ટાલ. કમલેશના કામની શું વાત કરું હું તમને. ‘ઋણાનુબંધ’, ‘મૃત્યુંજય’, ‘રાધારાણી મુંબઈનાં શેઠાણી’. કમલેશ માત્ર નાટકના ડિરેક્શનમાં જ નહીં, સ્ક્રિપ્ટથી માંડીને લાઇટ્સ અને સેટ-ડિઝાઇનમાં પણ પૂરતું ધ્યાન આપે અને તેની માસ્ટરી પણ એવી જ. કમલેશની એક ખાસ વાત કહું તમને, તેને ક્યારેય ઉપરછલ્લું કામ ગમે નહીં. આપણે ઉતાવળ કરાવીએ તો પણ તે કહી દે, ‘બુટાલા આ બધું રહેવા દો. મને શાંતિથી કામ કરવા દો.’ અનેક નાટક તેણે આ જ કારણસર છોડ્યાં પણ ખરાં. નાટક ઓપન થવાની ડેટ પહેલેથી નક્કી હોય અને જો કોઈ પ્રોડ્યુસર એનો કૉન્ટૅક્ટ કરે તો તેનો જવાબ ના જ હોય. એવું કામ તેને કરવું જ નહોતું અને એટલે જ કમલેશનું કામ તમને ઓછું દેખાશે. જો તેણે ધાર્યું હોત તો અત્યાર સુધીમાં આરામથી ૭૫ જેટલાં નાટક ડિરેક્ટ કરી નાખ્યાં હોત, પણ ના, એવી રીતે તેને કામ નહોતું કરવું. બેસ્ટ કામ કરવું હતું, બેસ્ટ કામ આપવું હતું અને એટલે જ તેણે ક્યારેય ઝડપ રાખી નહોતી. તે જે રીતે કામ કરવાની ના પાડી દેતો એ જોઈને મને તો નવાઈ લાગતી. સાહેબ, ના પાડવામાં હિંમત જોઈએ. સામે આવીને ઊભેલી લક્ષ્મીનો હાથ ઝાલવાનો નકાર ભણવો એ શૌર્યનું કામ છે અને કમલેશ શૌર્યવાન હતો. કોઈ ડાઉટ નથી એમાં...

Rashmin Shah rajkot gujarati film entertainment news dhollywood news