વર્ષમાં આઠ નાટક બનાવ્યાનો નહીં, આઠ વર્ષ સુધી યાદ રહે એવું નાટક બનાવ્યાનો સંતોષ જોઈએ

07 December, 2014 07:34 AM IST  | 

વર્ષમાં આઠ નાટક બનાવ્યાનો નહીં, આઠ વર્ષ સુધી યાદ રહે એવું નાટક બનાવ્યાનો સંતોષ જોઈએ



સન્ડે-સ્પેશ્યલ- રશ્મિન શાહ

‘આજ જાને કી ઝીદ ના કરો’ નામનું એક ગુજરાતી બોલ્ડ નાટક અત્યારે રંગભૂમિ પર ભજવાઈ રહ્યું છે. મરાઠી નાટક પરથી બનાવવામાં આવેલા આ નાટકના રાઇટ્સ લેવા માટે જ્યારે મનહર ગઢિયા ગયા ત્યારે મરાઠી નાટકના પ્રોડ્યુસરથી માંડીને ડિરેકર સુધ્ધાંને આશ્ચર્ય એ વાતનું હતું કે આ માણસને સુષ્ઠુ-સુષ્ઠુ પીરસતી ગુજરાતી રંગભૂમિ પર આ નાટક કરવું હતું. મરાઠી નાટકના જ શું કામ, ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલા અને મનહરભાઈને ઓળખતા લોકોને પણ આ વાતનું અચરજ થયું હતું. મનહર ગઢિયા કહે છે, ‘સાસુ-વહુ અને ઘરની વાત તથા ડ્રૉઇંગ રૂમનો વિષય મને ક્યારેય જચતો નથી. આત્મસંતોષ મળે એવો વિષય હોય અને બનાવ્યા પછી કંઈ કર્યાની હૈયે ધરપત થાય એવું ક્રીએશન કરવાનો નિજાનંદ કંઈક જુદો હોય છે અને હું એ લેવામાં માનું છું. ગુજરાતી રંગભૂમિ સાથે ઑલમોસ્ટ ચાર દશકથી જોડાયેલો છું એટલે ખબર છે કે વર્ષમાં આઠ નાટક બનાવીને કેવી રીતે પૈસા કમાવવા. પણ ના, હું વર્ષમાં આઠ નાટક બનાવવામાં નહીં પણ આઠ વર્ષ યાદ રહે એવું એક નાટક બનાવવામાં માનું છું અને એ જ માન્યતાને વળગી રહેવામાં માનું છું, ભલે પછી એમાં થોડા રૂપિયા આમ-તેમ થાય.’


મનહર ગઢિયાની આ જ ફિતરત રહી છે. તેમણે જ્યારે પણ નાટકો બનાવ્યાં છે ત્યારે સંતોષકારક નાટક બનાવવાની કોશિશ કરી છે અને ક્લાસિક નાટક બનાવ્યાં છે. સોશ્યલ ગ્રુપ્સ અને ફૅમિલી-ગ્રુપ્સના સિક્યૉર બિઝનેસને તેમણે ક્યારેય નજર સામે રાખ્યો નથી. આ જ કારણે હંમેશાં કહેવાતું રહ્યું છે કે મનહર ગઢિયા ઍકર, ડિરેકર અને રાઇટરના પ્રોડ્યુસર છે જે ઑડિયન્સને નખશિખ કૃતિ આપે છે અને અત્યારના આ કમર્શિયલ પ્રોડક્શનના હાર્ડકોર પ્રોફેશનલ ટાઇમમાં કલાકારોને કલા પીરસવાનું સ્ટેજ આપે છે. મનહરભાઈ મૂળ તો ઍડ્વર્ટાઇઝિંગ એજન્સી અને જનસંપર્કના માણસ, પણ તેમને પ્રોડક્શનના આ બિઝનેસમાં લઈ આવવાનું કામ જો કોઈએ કર્યું હોય તો રાઇટર-ડિરેકટર નૌશિલ મહેતાએ કર્યું અને એ કામને મનહરભાઈએ બખૂબી આગળ ધપાવ્યું.

સફર શરૂ ‘અ સૂટેબલ બ્રાઇડ’થી

મધુ રાયે લખેલી નવલકથા ‘કિમ્બલ રેવન્સવુડ’ પરથી લખાયેલા અંગ્રેજી નાટક ‘અ સૂટેબલ બ્રાઇડ’ના ડિરેકર નૌશિલ મહેતાએ જ્યારે મનહર ગઢિયાને આ વાર્તા સંભળાવી ત્યારે એક જ ઝાટકે એ નાટક કરવાની હા ભણી દીધી. મનહરભાઈ કહે છે, ‘મેં એટલું સાહિત્ય વાંચ્યું છે, મહાન લેખકોનું સાહિત્ય વાંચ્યું છે કે એને મૅક્સિમમ લોકો સુધી પહોંચાડવાની તીવ્ર ઇચ્છા થયા કરે છે. આ ઇચ્છાના જોરે જ મને પ્રોડક્શનમાં આવવાનું મન હતું, એવામાં આ નાટક આવ્યું. એક યુવકે બાર રાશિની બાર છોકરી જોવાની... વન-લાઇનમાં જ મજા પડી ગઈ. ટીવી-ઍક્ટ્રેસ સીમા કપૂરને વાત કરી તો તે પણ આ એક જ લાઇન પર તૈયાર થઈ ગઈ અને પછી અંગ્રેજી નાટક હિસ્ટરી બની ગયું. એના પરથી ‘વૉટ્સ યૉર રાશિ’ નામની ફિલ્મ પણ બની, જે આ જ નાટક પર આધારિત હતી.’


‘અ સૂટેબલ બ્રાઇડ’ પછી તો મનહરભાઈએ ગુલઝાર, જાવેદ સિદ્દીકી અને ઇસ્માઇલ દરબારના અદ્ભુત કૉમ્બિનેશન સાથે હિન્દી નાટક ‘શ્યામરંગ’, અતુલ કુલકર્ણી અને સીમા બિસ્વાસ સાથે ‘ગાંધી વિરુદ્ધ ગાંધી’ હિન્દીમાં અને મનોજ જોષી સાથે આ જ પ્લે ગુજરાતીમાં પણ બનાવ્યો. સાત ઍકર, સાત ડિરેકર અને સાત રાઇટર એવા બેજોડ કૉમ્બિનેશન સાથે ‘૭ƒ૩ = ૨૧’ના એક નહીં પણ બે ભાગ બનાવ્યા અને એની ક્રીએટિવ સક્સેસ પછી બે ઍકર, એક ડિરેકર અને એક રાઇટર એમ એક નાટકમાં છ વાર્તા કહેવાતી હોય એવું ‘૬ƒ૪ = ૨૪’ પણ બનાવ્યું તો એના પછી તરત જ કૃષ્ણના જીવનના સાત પ્રસંગને એક રેખામાં સાંકળીને ‘બહોત નાચ્યો ગોપાલ’ બનાવ્યું તો હવે સાસુ-વહુની નહીં પણ પોલીસ-પ્રોસ્ટિટયુશનની રિલેશનશિપની બોલ્ડ વાત કહેતું ‘આજ જાને કી ઝીદ ના કરો’ પણ બનાવ્યું. મનહર ગઢિયા કહે છે, ‘જરૂરી નથી કે દરેક નાટક બૉક્સ-ઑફિસ પર રૂપિયો રળે, પણ જરૂરી એ છે કે દરેક ક્રીએશન પછી તમારા કામની કદરના ભાગરૂપે તાળીઓનો ગડગડાટ સંભળાવો જોઈએ. મારા કામનો આ સીધો ફન્ડા છે. એકધારું ઇનોવેટિવ કામ કર્યા પછી આજે એ સિચુએશન જનરેટ કરી શક્યો છું કે જેમાં મનહર ગઢિયા પ્રોડક્શનનું નામ સાંભળી કે વાંચીને એ લોકો પ્લે જોવા આવે છે જેમને ખાતરી છે કે અહીં આજે પણ એ જ કામ થઈ રહ્યું છે જે રંગભૂમિને વેંત ઊંચી લઈ જવાનું કામ કરે છે અને સાચું કહું તો હવે તો ઑડિયન્સ પણ એવું થઈ ગયું છે કે જે આ પ્રકારના વૈવિધ્યસભર અને ઑફ-બીટ પ્લેને બહુ પ્રેમથી આવકારે છે.’


મનહર ગઢિયાની એક બીજી પણ ખાસિયત છે. જો કોઈ તેમને ગમે એવું કામ કરી રહ્યા હોય તો એ કામમાં જોડાવા માટે મનહરભાઈ કોઈ જાતની શરત વિના અને તન-મન-ધનથી એ પ્રોજેક સાથે જોડાશે. મનહરભાઈ સમજાવે છે, ‘જુઓ, અત્યારે સાહિર લુધિયાનવી અને અમૃતા પ્રીતમની લવસ્ટોરી કહેતું હિન્દી નાટક ‘એક મુલાકાત’ ચાલી રહ્યું છે, જેમાં હું પ્રેઝન્ટર છું; પણ વાસ્તવિકતા એ છે કે એ આખો પ્રોજેક મારા નેજા હેઠળ જ તૈયાર થયો છે અને એ તૈયાર કરવામાં મને સરોગસીનો આનંદ મળ્યો છે. એક સારું કામ થતું હોય, ક્રીએટિવ કામ થતું હોય એવી જગ્યાએ મને ખાલી ખબર પડવી જોઈએ. હું સામેથી એમાં જોડાતાં સહેજ પણ ખચકાતો નથી. તમે માનશો નહીં, પણ આ પ્રકારના પ્રોજેકમાંથી પૈસો લેવાનું કામ પણ જતું કરવામાં મને ખચકાટ ન થાય. મારી આવડી કરીઅરમાં ઓછામાં ઓછા દસ હજાર (રૂપિયા નહીં) પેમેન્ટ મેં લીધાં નથી અને સાચું કહું તો આ આત્મfલાઘા નથી પણ આત્મસંતોષ છે.’

હવે આવશે ગુરુ દત્ત

ગુરુ દત્તનું જીવન ક્યારેય ગુજરાતી અને હિન્દી સ્ટેજ પર તમે કલ્પ્યું નહીં હોય, પણ મનહર ગઢિયાનો આ નવો પ્રોજેક છે અને જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં રિલીઝ થાય એ રીતે તે આ પ્રોજેક પર કામ કરી રહ્યા છે. સ્ક્રિપ્ટ ઑલરેડી તૈયાર છે અને કાસ્ટિંગનું કામ પણ શરૂ થઈ ગયું છે. મનહરભાઈ કહે છે, ‘હું આનાથી વધારે વાત નહીં કરી શકું, પણ ગુરુ દત્તનું કૅરૅકર કરવા માટે હિન્દી ફિલ્મના દિગ્ગજ કહેવાય એવા ઍકરોએ સુધ્ધાં સામેથી તૈયારી દેખાડી છે. આ તૈયારી એ જ તો કરેલી આજ સુધીની મહેનતનું પરિણામ.’
- તસવીર : સમીર માર્કન્ડે

નવા નાટકથી કોઈ ફરક નહીં

સામાન્ય રીતે નવું નાટક રિલીઝ થયા પછી પ્રોડ્યુસરના ઘરમાં ફર્નિચર બદલાતું હોય છે, નવી ગાડી આવી જતી હોય છે કે પછી નાટક પૂરું થયા પછી ફૉરેનમાં વેકેશનની એક ટૂર ફૅમિલી સાથે થઈ જતી હોય છે; પણ મનહર ગઢિયાના ઘરમાં આજે પણ એ જ ફર્નિચર છે જે વષોર્ પહેલાં હતું, આજે પણ તે પોતાની જૂની કાર જ વાપરે છે. નવા નાટકથી તેમની રહેણીકરણીમાં કોઈ ફરક નથી આવતો. મનહરભાઈ કહે છે, ‘કમર્શિયલ નાટકોને આ વાત લાગુ પડી શકે, પણ મારા જેવા નાટકો પ્રોડ્યુસ કરનારાને આનાથી કંઈ ફરક ન પડે. હા, એટલું થાય કે મારું નવું નાટક રિલીઝ થાય એટલે મને પહેલાં આવતી એના કરતાં વધારે સારી ઊંઘ આવે અને કંઈક કર્યાનો આનંદ બેવડાઈ જાય.’