આજે ઓપન થાય છે નવું નાટક ઇશારા ઇશારામાં

10 February, 2019 10:16 AM IST  | 

આજે ઓપન થાય છે નવું નાટક ઇશારા ઇશારામાં

ગુજરાતી નાટક ‘ઇશારા ઇશારામાં’

એમ. ડી. પ્રોડક્શન્સ નિર્મિત, લેખક પ્રયાગ દવે અને જય કાપડિયા ડિરેક્ટેડ ‘ઇશારા ઇશારામાં’ નાટકમાં વાત પ્રેમ અને લાગણીની કરવામાં આવી છે અને આ જ વાત કરતાં-કરતાં એ વાત પૂછવામાં પણ આવી છે કે અથાગ પ્રેમ સાથે જ જો વાર્તાનો અંત લાવવામાં આવે તો એ શું ખોટું કહેવાય ખરું? નાટકના મુખ્ય કલાકાર અને ડિરેક્ટર જય કાપડિયા કહે છે, ‘સુખ એટલે જાતને તૃપ્ત કરવી એવું તો ક્યારેય કહી ન શકાય. સુખ એટલે બીજાના ચહેરા પર સ્મિત લાવવાની કળા અને આ કળા આ નાટકમાંથી શીખવા મળવાની છે.’

‘ઇશારા ઇશારામાં’ વાત છે એક મ્યુઝિશ્યન અને દિવ્યાંગ યુવતીની. નહીં સાંભળી શકતી નહીં બોલી શકતી યુવતીના પ્રેમમાં પડી તેની જ સાથે મૅરેજ કરનારા મ્યુઝિશ્યનની લાઇફમાં કશું ખૂટતું નથી. અપાર પ્રેમ પણ છે અને સફળતા પણ છે. આ લવ-સ્ટોરીને જોનારાઓ ઈર્ષ્યાથી સળગી પણ રહ્યા છે અને તેમના જેવી મૅરિડ લાઇફ મળે એવી અપેક્ષા પણ રાખે છે, પણ એમ છતાં બધાને શૉક ત્યારે લાગે છે જ્યારે સૌની સામે એ બન્ને મૅરિડ લાઇફ પૂરી કરીને ડિવૉર્સ લેવાની વાત કરે છે. માત્ર વાત જ નહીં, બન્ને ડિવૉર્સ કેસ પણ ફાઇલ કરે છે. એકમેક પ્રત્યે અથાગ પ્રેમ હોવા છતાં, એકબીજા વિના ચાલતું પણ નહીં હોવા છતાં એવું તે શું બને છે કે બન્નેને એકબીજાથી જુદાં થવું છે અને એ પણ કાયમ માટે? જય કાપડિયા કહે છે, ‘સંજોગોને જો તમે જોઈ શકતા હો તો તમારે સમયને પણ જોતાં શીખવો પડે. અહીં વાત ત્યાગ અને સમર્પણની છે, જે આજકાલ સંબંધોમાં જોવા નથી મળતાં.’

જય કાપડિયા ઉપરાંત સંજના હિન્દપર, કુશલ શાહ, પ્રીત અને પ્રવીણ નાયક નાટકના મુખ્ય કલાકારો છે. નાટકનો શુભારંભ આજે સાંજે પોણાઆઠ વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી થશે.