આજે ઓપન થાય છે ડંખ ઝેરીલા સાપ વચ્ચે વિષમય સંબંધોની વાત

17 November, 2019 09:37 AM IST  |  Mumbai

આજે ઓપન થાય છે ડંખ ઝેરીલા સાપ વચ્ચે વિષમય સંબંધોની વાત

આજે ઓપન થાય છે ડંખ

દીપક ગોહિલ અને પાર્થ દેસાઈ નિર્મ‌િત સાથિયા ક્રીએશન્સનું નવું નાટક ‘ડંખ’ હોમી વાડિયાએ ડિરેક્ટ કર્યું છે તો એનું આલેખન નિમેશ દિલીપરાયે કર્યું છે. લગ્નેતર સંબંધો નાટકની વાર્તાનું કેન્દ્ર છે. નાટકની વાર્તા ઈશાન, તાનિયા અને આદિત્ય દીવાનની આસપાસ ફરે છે. નાટકના દિગ્દર્શક હોમી વાડિયા કહે છે કે ‘જગતમાં સૌથી મોટો જો કોઈ ડર હોય તો એક જ છૂપો ભય. છૂપો ભય પડછાયાની જેમ સાથે રહે. પડછાયાને તો પ્રકાશની પણ જરૂર પડે, પણ છૂપા ભયને પડછાયાની પણ આવશ્યકતા હોતી નથી.’
તાનિયા દીવાન યંગ અને બ્યુટિફુલ છે. તાનિયા ઈશાનના ગળાડૂબ પ્રેમમાં છે. ઈશાન ઍડ્વોકેટ છે, પણ તેનામાં ઍડ્વોકેટ કરતાં રોમિયોના ગુણ વધારે ઝળકે છે. જો કોઈને ખબર ન હોય તો કોઈ માને કે ધારે નહીં કે એ બન્નેએ મૅરેજ નથી કર્યાં. ઈશાન અને તાનિયાને લગ્ન જરૂરી પણ નથી લાગતાં, પણ એક દિવસ એવો આવે છે કે બન્ને પોતાના આ ભૂતકાળને ભૂંસવા માટે તલપાપડ બને છે. બને છે એવું કે તાન‌િયાને ખબર પડે છે કે તેના જિનીયસ હસબન્ડ આદિત્ય દીવાનને આફ્રિકાની જેલે છોડી મૂક્યો છે અને આદિત્ય હવે ઇન્ડિયા પાછો આવે છે અને હવે તે તાનિયા સાથે જ રહેવાનો છે. આદિત્ય હર્પેટોલૉજિસ્ટ એટલે કે સરિસૃપ-નિષ્ણાત છે અને ઝેરી સાપ સાથે પનારો પાડીને રહે છે.
તાનિયા અને ઈશાન બધું સગેવગે કરવામાં લાગી જાય છે. મનમાં એક જ ભાવ છે કે કંઈ પણ થઈ જાય, આદિત્યને તેના રિલેશન વિશે કશી ખબર ન પડે. મહદંશે બન્ને સફળ પણ થાય છે અને આદિત્ય આવી જાય છે. અલબત, અહીં વાત આવે છે મનમાં રહેલા અપરાધભાવ અને છૂપા ભયની. આદિત્યને સતત એવું લાગ્યા કરે છે કે તે એ દુનિયામાં આવ્યો છે જે દુનિયા રાતોરાત ઊભી કરવામાં આવી છે. આદિત્ય આ દિશામાં શોધખોળ શરૂ કરે છે અને ઈશાન-તાનિયા એ દિશાના રસ્તા બંધ કરવાનું કામ કરે છે.
‘ડંખ’નો શુભારંભ આજે બપોરે સાડાત્રણ વાગ્યે નેહરુ ઑડિટોરિયમ અને સાંજે સાડાસાત વાગ્યે ભારતીય વિદ્યા ભવન ઑડિટોરિયમથી થશે.

gujarati mid-day