ગુજરાતી લોકગાયક કિશોર મનરાજાનો કોરોનાએ લીધો ભોગ

05 September, 2020 07:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ગુજરાતી લોકગાયક કિશોર મનરાજાનો કોરોનાએ લીધો ભોગ

કિશોર મનરાજા

પ્રખ્યાત ગુજરાતી લોકગાયક 68 વર્ષીય કિશોર મનરાજા (Kishor Manraja)નું આજે કોરોના વાયરસ (COVID-19)ને કારણે અવસાન થયું છે. ગત અઠવાડિયે તેમની તબિયત નાજુક હતી. સોમૈયા હૉસ્પિટલમાં તેમણે આજે 2.30 વાગ્યાની આસપાસ અંતિમ શ્વાસ લીધા હતા. અઠવાડિયા પહેલાં તેમના મોટા પુત્રનું કોરોનાને લીધે જ મૃત્યુ થયું હતું.

પંદર વર્ષથી કિશોર મનરાજાના પાડોશી રહેલા ધર્મેશ મહેતાએ મિડ-ડે.કૉમને જણાવ્યું હતું કે, કિશોર ભાઈની તબિયત છેલ્લા અઠવાડિયાથી વધારે નાજુક હતી. કોરોના વાયરસનું સંક્રમણ થયા બાદ તેઓને સાયનની સોમૈયા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આજે 2.30 વાગ્યાની આસપાસ તેમનું નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી બહુ જ આઘાત લાગ્યો છે. કારણકે અમારા સંબંધો ફક્ત પાડોશી જેવા જ નહોતા. એક પરિવારની જેમ અમે સાથે રહેતા હતા. તેમના જવાથી જાણે અમારા પરિવારમાં ખોટ પડી હોય તેવું લાગી રહ્યું છે.

કિશોર મનરાજા અને તેમનો પરિવાર ઘાટકોપર પુર્વમાં રહે છે. અરિહંત બિલ્ડિંગમાં પહેલા માળે કિશોર મનરાજા પત્ની હંસાબહેન, મોટા પુત્ર હેમલ અને તેના પરિવાર સાથે રહે છે. જ્યારે તે જ બિલ્ડિંગમાં પાંચમા માળે તેમનો નાનો પુત્ર જેસલ તેના પરિવાર સાથે રહે છે. ગત અઠવાડિયે કિશોરભાઈ, તેમનાં પત્ની, બે પુત્રવધૂ, ચાર પૌત્ર-પૌત્રીઓ અને મોટો દીકરો હૉસ્પિટલમાં ઍડ્મિટ હતા અને કોરોનાની સારવાર લઈ રહ્યાં હતાં. માત્ર નાના પુત્રની બે ટેસ્ટ નેગેટિવ આવતાં તે હોમ-ક્વૉરન્ટીનમાં હતો. પરંતુ મોટા દીકરા હેમલ મનરાજાની તબિયત વધુ બગડતા તેણે 29 ઓગસ્ટે અંતિમ શ્વાસ લીધા હતા.

એક જ અઠવાડિયાની અંદર પિતા-પુત્રનું નિધન થતા પરિવારને માથે દુ:ખના ડુંગર તુટી પડયા છે. એટલું જ નહીં, ગુજરાતી સંગીત ક્ષેત્રે પણ કિશોર મનરાજાની બહુ ખોટ વર્તાશે.

coronavirus covid19 entertainment news dhollywood news gujarati film