ગુજરાતી ફિલ્મ છેલ્લો શૉની સ્ક્રિપ્ટ બનશે ઑસ્કર લાઇબ્રેરીના કૉર કલેક્શનનો ભાગ

13 January, 2023 10:51 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઑસ્કર ઍકેડેમીની માર્ગરેટ હેરિક લાઇબ્રેરી એ વિશ્વ-પ્રસિદ્ધ, બિન-પ્રસારિત સંદર્ભ અને સંશોધનનો સંગ્રહ છે જે એક કલા રૂપે અને ઉદ્યોગ તરીકે મોશન પિક્ચરના ઇતિહાસ અને વિકાસને સમર્પિત છે

ફાઇલ તસવીર

ઍકેડેમી ઑફ મોશન પિક્ચર આર્ટસ ઍન્ડ સાયન્સની લાઇબ્રેરીએ ગુજરાતી ફિલ્મ છેલ્લો શૉ (Last Film Show)ને તેમના કાયમી કૉર કલેક્શન માટે લાસ્ટ ફિલ્મ શૉની સ્ક્રિપ્ટની કૉપીને મેળવવામાં રસ દાખવ્યો છે. લાઇબ્રેરીએ મોનસૂન ફિલ્મ્સ જે લાસ્ટ ફિલ્મ શૉના નિર્માતાઓમાંના એક છે અને જુગાડ મોશન પિક્ચર્સ અને રોય કપૂર ફિલ્મ્સને પત્ર લખી આ વિશે જણાવ્યું છે.

ઑસ્કર ઍકેડેમીની માર્ગરેટ હેરિક લાઇબ્રેરી એ વિશ્વ-પ્રસિદ્ધ, બિન-પ્રસારિત સંદર્ભ અને સંશોધનનો સંગ્રહ છે જે એક કલા રૂપે અને ઉદ્યોગ તરીકે મોશન પિક્ચરના ઇતિહાસ અને વિકાસને સમર્પિત છે. વર્ષ ૧૯૨૮માં સ્થપાયેલ અને હવે બેવર્લી હિલ્સ, હોલીવુડમાં સ્થિત આ લાઇબ્રરી જાહેર જનતા માટે ખુલ્લી છે જે વિદ્યાર્થીઓ, વિદ્વાનો, ઇતિહાસકારો અને ઉદ્યોગ વ્યાવસાયિકો દ્વારા વર્ષભર ઉપયોગમાં લેવાય છે.

ફિલ્મના ડિરેક્ટર પાન નલિન (Pan Nalin) કહે છે કે “હું હંમેશા હું જે કરું છું તે શૅર કરવામાં વિશ્વાસ રાખું છું કારણ કે સિનેમા અને ફિલ્મ નિર્માણ પ્રત્યેના મારા પ્રેમ સિવાય મારી પાસે આપવા માટે બીજું કંઈ નથી. મેં આ અદ્ભુત ઑસ્કર લાઇબ્રેરીની મુલાકાત લીધી છે અને તેનો આનંદ માણ્યો છે જ્યાં માસ્ટરવર્કને તેના કૉર કલેક્શનમાં સંગ્રહ કરવામાં આવે છે. હું બહુ જ ઉત્સુક છું અને ખુશ છું કે હવે લાસ્ટ એક્શન હીરો અને લોરેન્સ ઑફ અરેબિયાની સ્ક્રિપ્ટ વચ્ચે લાસ્ટ ફિલ્મ શૉની સ્ક્રિપ્ટ પણ ત્યાં સ્થાન મેળવશે.”

મૂળ કાઠિયાવાડની વાત દર્શાવતી લાસ્ટ ફિલ્મ શૉની સ્ક્રિપ્ટ પાન નલિન દ્વારા લખવામાં આવી છે, જે તેમના બાળપણ અને લોકલ સિનેમામાં ફિલ્મ પ્રોજેક્ટર ઑપરેટર તરીકે કામ કરતા મોહમદભાઈ સાથેની તેમની મિત્રતા પર આધારિત છે. ફિલ્મના ગુજરાતી સંવાદોનું રૂપાંતરણ કેયુ શાહ દ્વારા કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ફિલ્મ ‘છેલ્લો શૉ’ની સફળતા ઉજવવા સેલેબ્સે શૅર કર્યો તેમનો પ્રથમ ફિલ્મ શૉનો અનુભવ

લાસ્ટ ફિલ્મ શૉની 80-પાનાની સ્ક્રિપ્ટ જે ફિલ્મના શૂટિંગ વખતે સેટ પર ઉપયોગમાં લેવાઈ હતી, તેમાં પાન નલિન દ્વારા દોરવામાં આવેલા સ્ટોરીબોર્ડ તથા સ્કેચ પણ સામેલ છે.
પાન નલિનની છેલ્લો શૉ (Last Film Show) 95મા ઍકેડેમી અવૉર્ડમાં ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરી માટે શોર્ટલિસ્ટ કરાયેલી પંદર ફિલ્મોમાંની એક છે. 21 વર્ષમાં આ પહેલી ભારતીય ફિલ્મ છે જેને ઑસ્કર માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે.

entertainment news dhollywood news gujarati film Pan Nalin Chhello Show Last Film Show