આજે ઓપન થાય છે નોકરાણી

25 August, 2019 01:04 PM IST  |  મુંબઈ

આજે ઓપન થાય છે નોકરાણી

નોકરાણી

કૌસ્તુભ ત્રિવેદી અને સંજય ગોરડિયા નિર્મિત શો પીપલનું નવું નાટક ‘નોકરાણી’ વિનોદ સરવૈયાએ લખ્યું છે અને વિપુલ મહેતાએ ડિરેક્ટ કર્યું છે, જ્યારે નાટકના મુખ્ય કલાકારોમાં રોહિણી હટ્ટંગડી, અભય હરપળે, કુલદીપ ગોર, કૌશંબી ભટ્ટ, કપિલ ભુતા અને નીલેશ પંડ્યા છે. નાટકના નિર્માતા સંજય ગોરડિયા કહે છે, ‘જીવન કેવી વિટંબણા ઊભી કરે અને કેવા સંજોગોનું નિર્માણ કરે એની વાત આ નાટકમાં કરવામાં આવી છે. નાટકની અમુક લાઇનો એવી છે જે રૂંવાડાં ઊભાં કરી દે તો અમુક સીક્વન્સ એવી છે કે એ આંખ ભીની કરી દે. સાથોસાથ આ નાટક તમને પેટ પકડીને હસાવશે પણ ખરું એની પણ ગૅરન્ટી છે.’

ચુસ્ત બ્રાહ્મણ પરિવારના એકના એક દીકરાને તમામ સંસ્કારો માબાપે આપ્યા છે અને એ પછી પણ દીકરો પરજ્ઞાતિની છોકરીના પ્રેમમાં પડે છે અને એક સમયે, તે એ જ છોકરી સાથે ચોરીછૂપી લગ્ન પણ કરી લે છે. જોકે વાત વધુ સમય છાની નથી રહેતી અને બાપને ખબર પડી જાય છે. પિતા માટે આ વાત આઘાતજનક છે. વર્ષોના સંસ્કાર અને બ્રાહ્મણ કુળની પ્રથા-પરંપરા તોડનારા દીકરા સામે નાખુશ થઈને બાપ ફરમાન કરી દે છે કે તે હવે પછી ક્યારેય દીકરા સાથે કોઈ સંબંધ રાખશે નહીં અને સાથોસાથ તે પોતાની વાઇફને પણ આદેશ આપી દે છે કે તેણે પણ દીકરાનું મોઢું ભવિષ્યમાં ક્યારેય જોવાનું નથી. સમય અને સંજોગનું વહેણ બદલાય છે અને એક સમય એવો આવીને ઊભો રહી જાય છે કે મા દીકરાના ઘરમાં જ નોકરાણી તરીકે આવે છે અને દીકરાને એની કશી ખબર પણ નથી. દિગ્દર્શક વિપુલ મહેતા કહે છે, ‘નાટકનો વિષય તમારી અંદરનો માણસ જગાડી દે એવો ભાવનાત્મક છે. આ પ્રકારનાં નાટક હવે બનતાં નથી.’

આ પણ વાંચો : કચ્છની મહિલાઓના સશક્તીકરણની વાત કરવામાં આવી છે નૅશનલ અવૉર્ડ વિનર ફિલ્મ હેલ્લારોમાં

‘નોકરાણી’નો શુભારંભ રવિવારે પોણાઆઠ વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી થશે.

gujarati film