ગોળકેરીઃ મેચ્યોર પ્રેમ શીખવે, યંગસ્ટર્સના ડગુમગુ પ્રેમને સ્થિરતા

01 March, 2020 10:29 AM IST  |  Mumbai | Chirantana Bhatt

ગોળકેરીઃ મેચ્યોર પ્રેમ શીખવે, યંગસ્ટર્સના ડગુમગુ પ્રેમને સ્થિરતા

ગોળકેરીના સ્ટાર કાસ્ટ

મલ્હાર ઠાકર અને માનસી પારેખ ગોહીલની ફિલ્મ ‘ગોળકેરી’ રિલીઝ થઇ ગઇ છે. મોટાભાગે ફિલ્મો પ્રેમમાં પડવાની શરૂઆતથી લગ્ન સુધીની વાર્તા કહેતી હોય છે પણ અહીંયા ફિલ્મની શરૂઆત જ લીડ એક્ટર્સના બ્રેક-અપથી થાય છે. ફ્લેશ બૅક અને વર્તમાનની વચ્ચે આ ફિલ્મ બરાબર એ જ રીતે હિંચકે છે જે રીતે મલ્હારનું પાત્ર સાહિલ હિંચકે બેસીને પોતાના માતા-પિતા એટલે કે અભિનેતા વંદના પાઠક અને સચીન ખેડેકરને પોતાના બ્રેક-ઑફની કથા સંભળાવવાની શરૂઆત કરે છે.

હર્ષિતા, એક મહત્વાકાંક્ષી છોકરી છે જેને નિષ્ફળતાથી અકળાઇ નહીં જઇને તેને બેસ્વાદ કોગળા ગળે ઉતારી દેવા જોઇએ એવું તેનો બૉયફ્રેન્ડ સાહિલ શીખવાડે છે. જો કે એ જ સ્ટેન્ડ અપ કૉમેડી કરનારી હર્ષિતાનું કોમિક ટાઇમિંગ બેટર થવા માંડે છે અને બૉયફ્રેંડના મ્હોં પરથી સ્માઇલ ગાયબ થવા માંડે છે. ના, આ ફિલ્મ ‘અભિમાન’નું અમદાવાદી કે ગુજરાતી વર્ઝન નથી. બ્રેક ઑફ થાય છે અને એન્ટર થાય છે સાહિલનાં મમ્મી પપ્પા. સચીન ખેડેકર અને વંદના પાઠક, જસ્સુ અને મોસુનાં પાત્રોને એક નવા જ સ્તરે લઇ જાય છે. ‘કુલ’ પેરન્ટ્સ કેવાં હોય એ જાણવું હોય તો આ ફિલ્મ જોવી પડે, જો કે બદલાયેલી પેઢી સાથે તાલ મિલાવવા માટે મા-બાપ કુલ બને એટલે છોકરાંઓની માનસિકતા બદલાઇ જાય એવું માનવાની કંઇ જરૂર નથી. અમુક ઉંમરે મા-બાપની સલાહ કે ‘લેટ્સ ટૉક’ વાળો અભિગમ સંતાનોને તો કંટાળો જ આપે છે. આમ હોવા છતાં ય દીકરા સાહિલ પાસેથી બધી વાત કઢાવવાની તરકીબ તો મા-બાપ પાસે છે જ અને આ બ્રેક અપનું પૅચ અપ કરાવવાનાં રસ્તા પણ તેઓ શોધી કાઢે છે.

પ્રેડિક્ટેબલ હોવા છતાં ય આ ફિલ્મ તેની ડેસ્ટિનેશન માટે નહીં જર્ની માટે જોવી જરૂરી છે. મમ્મીનું અપમાન કરી દેતાં દીકરાને બાપનો જવાબ એ મેચ્યોર થયેલા પ્રેમનો પુરાવો છે. મોટેભાગે ડ્રાય લાગતા પપ્પા પોતાની પર્સનાલિટીનું નવું જ પાસું બતાડે છે. મમ્મી પોતે દીકરાના મનની વાત જાણવામાં ગુંચવાય છે પણ છેડો નથી મુકતી કારણકે છે તો મમ્મી!

અભિનયની વાત કરીએ તો મલ્હારે અત્યાર સુધીની તેની ફિલ્મોમાં કરેલા અભિનયથી અહીં અલગ દેખાવાનો પુરો પ્રયાસ કર્યો છે. લોકોને જૂદો લાગતો મલ્હાર કેટલો પસંદ આવશે તે તો દર્શકો જ કહી શકશે. ગુજરાતી છોકરાઓ મમ્મી સાથે લડે ખરા પણ લાડકા તો હોય જ અને એ ક્ષણો ફિલ્મમાં આબાદ ઝિલાઇ છે. માનસી પારેખ ગોહીલ હર્ષિતાના પાત્રને યોગ્ય રીતે જોખે છે અને સફળતા છોકરીઓમાં નવો આત્મવિશ્વાસ ભરે ત્યારે આવતા નાના પરિવર્તનો તેના અભિનયમાં સરસ રીતે વર્તાઇ આવે છે. મલ્હાર માનસીની જોડીની કેમિસ્ટ્રી ‘ગોળકેરી’ જેવી ખાટી-મીઠી છે. સચીન ખેડેકર અને વંદના પાઠકની જોડીનો અભિનય ‘ગોળકેરી’માં આવેલા પરફેક્ટ આથા જેવો છે. પ્રેમ મેચ્યોર હોય ત્યારે તેમાં કમ્ફર્ટ લેવલ હોય પણ રોમાન્સની ક્ષણોનું એક્સાઇટમેન્ટ પણ હોય એ આ બંન્ને અદનાં અભિનેતાઓએ સિદ્ધ કર્યું છે. મેચ્યોર પ્રેમ અને પા પા પગલી માંડતા પ્રેમ વચ્ચેનો ભેદ દર્શાવતી આ ફિલ્મની બંન્ને લવ સ્ટોરીઝ જોવાની મજા પડે એમ છે. વળી નવી પેઢી પાસે બધું જ હોય છતાં ય કેવી અસલામતી તેમને પજવી શકે છે તે આ ફિલ્મનું હાર્દ છે.

ગળે ન ઊતરે એવી બાબતની વાત કરીએ તો વિએફએક્સનાં મામલે આ અથાણું બગડ્યું છે જો કે એક-બે જ દ્રશ્યો હોવાથી એ જવા દઇ શકાય. મલ્હારનું પાત્ર સાહિલ વ્હાલું લાગે એવું છે પણ ફિલ્મમાં એકથી વધારે વાર તે આઇઆઇએમ-અમદાવાદમાં ભણ્યો હોવાનું કહેવાયું છે. જો તમે આઇઆઇએમ-અમદાવાદમાં ભણ્યા હોય તેવા લોકોને જાણતા હો તો તમને પણ એમ ચોક્કસ થશે કે જે ત્યાં પહોંચ્યો હોય તેવો છોકરો અસલામતીથી તો ન જ પીડાય. પ્રખ્યાત કોમેન્ટેટર હર્ષા ભોગલે અને લેખક ચેતન ભગત બંન્ને આઇઆઇએમ-અમદાવાદની પ્રોડક્ટ્સ છે, કોઇ એંગલથી એ લોકો ‘રફ અરાઉન્ડ ધી એજિઝ’ કે આત્મવિશ્વાસની કમી ધરાવતા તો ન જ હોઇ શકે. વળી આ પ્રકારની એમબીએ કૉલેજમાં ભણેલા ગુજરાતી છોકરાઓનું ‘ગુજરાતીપણું’ ડિગ્રી પાછળ ઢંકાઇ જતું હોય છે. સાહિલ હર્ષિતાની વાર્તામાં ગુજરાતી માધ્યમનો છોકરો અને કોન્વેન્ટ એજ્યુકેટેડ છોકરીની લવ સ્ટોરી જેવી ફિલિંગ આવે ત્યારે પેલી આઇઆઇએમ-અમદાવાદ વાળી વાત જરા ખૂંચે.

આ પણ જુઓ : મલ્હાર ઠાકરઃ ગુજરાતી છોકરીની મમ્મીને તરત ગમી જાય એવો છોકરો

સંગીત બહુ મજાનું છે અને બ્રેગ્રાઉન્ડ સ્કોર પણ મોજીલો છે. દિગ્દર્શક વિરલ શાહે નવી પેઢીનું એસેન્સ ઝડપ્યું છે અને સાથે લેખક અમાત્ય ગોરડીયાની કૉમિક સેન્સ લેખનમાં ડોકિયું કરી જ જાય છે. પિતા-પુત્રની વાત-ચીતનું દ્રશ્ય જેને કારણે બાજી પલટાય છે તે વધારે ઇન્ટેન્સ લખાયું હોત તો ‘યે જવાની હૈ દિવાની’માં રણબીર કપૂર અને ફારુખ શેખ વચ્ચે જે હ્રદયસ્પર્શી દ્રશ્ય હતું તેની નિકટ લઇ જઇ શકાયું હોત.

‘ગોળકેરી’ને મિડ-ડે.કોમનાં સાડા ત્રણ સ્ટાર, કારણકે ‘પ્યાર તો પ્યાર હોતા હૈ’, મમ્મી-પપ્પાનો હોય કે પછી વારંવાર બાખડીને ઝગડામાંથી કંઇક શીખી જઇને ફરી એક થઇ જનારા યંગસ્ટર્સનો હોય.

gujarati film Malhar Thakar manasi parekh sachin khedekar dhollywood news