'નાનો દિયરિયો લાડકો' ફૅમ ગુજરાતી અભિનેતા દિપક દવેનું નિધન

30 June, 2020 02:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

'નાનો દિયરિયો લાડકો' ફૅમ ગુજરાતી અભિનેતા દિપક દવેનું નિધન

અનુપ ખેર અભિનેતા દિપક દવે સાથે (તસવીર સૌજન્ય: ટ્વીટર)

1998માં આવેલી ગુજરાતી ફિલ્મ 'નાનો દિયરિયો લાડકો' દ્વારા લોકોના દિલમાં પોતાનું સ્થાન બનાવનાર ગુજરાતી અભિનેતા દિપક દવેનું ન્યૂયોર્કમાં હૃદયરોગના હુમલાથી નિધન થયું છે. દિપક દવેએ 80ના દાયાકાથી ટેલિવિઝન, ફિલ્મો અને નાટયક્ષેત્રે પોતાનું યોગદાન આપ્યું છે. તેમણે ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને મરાઠી ભાષાની ફિલ્મો અને ડબિંગ ક્ષેત્રે સફળ કારર્કિદિ બનાવી હતી.

'નાનો દિયરિયો લાડકો' ફિલ્મ સિવાય દિપક દવેએ 2005માં આવેલ નાટક 'શુભ દિન આયો રે' અને 'ઋતુતો હ્રિતિક', 2006માં આવેલ 'હિમકવચ' અને 'આ છે આદમખોર' તેમજ 2010માં આવેલ 'સાચા બોલા જુઠ્ઠાલાલ' નાટકમાં પણ સુંદર અભિનય કર્યો છે. તેમણે 70 કરતા વધુ નાટકો, 15 ટીવી સિરિયલ અને નવ ફિલ્મોમાં કામ કર્યું છે. 'ચિનગારી' તેમનું શ્રેષ્ઠ નાટક છે.

જાન્યુઆરી 2003થી દિપક દવે ભારતીય વિદ્યા ભવન, મુંબઈ સાથે ડિરેક્ટર ઓફ પ્રોગ્રામ્સ જોડાયા હતા. આ સંસ્થા વૈશ્વિક સ્તરે ભારતીય સંસ્કૃતિના પ્રચારનું કામ કરે છે. બાદમાં તેમણે ભારતીય વિદ્યા ભવન, યુએસએમાં મેનેજર ઓફ પ્રોગ્રામ્સ તરીકે કામ શરૂ કર્યું હતું. વર્ષ 2008થી તેઓ એક્ઝિક્યુટિવ ડિરેક્ટરનું પદ સંભાળી રહ્યા હતા.

દિપક દવેના નિધનના સમાચારથી બૉલીવુડ અભિનેતા અનુપમ ખેરને બહુ દુ:ખ થયું છે. તેમણે ટ્વીટર પર અભિનેતા સાથેની તસવીર શૅર કરીને જુની યાદો તાજા કરી હતી. સાથે જ કહ્યું હતું કે, હજી વિશ્વાસ નથી થતો કે દિપક હવે આ દુનિયામાં નથી.

યુએસના ભારતીય એમ્બેસેડર તરણજીત સિંઘ સંધુએ દિપક દવેને શ્રદ્ધાંજલી આપતું ટ્વીટ કર્યું હતું. તેમણે લખ્યું હતું કે, ન્યૂયોર્કમાં ભારતીય સંસ્કૃતિનો પાયો જીવંત રાખનાર અભિનેતાને દરેક જણ યાદ કરશે. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.

new york entertainment news dhollywood news gujarati film