આજે ઓપન થાય છે ચકરડી ભમરડીઃ તકલીફોમાં પણ હસવું એ જ છે સાચું કર્મ

17 November, 2019 09:35 AM IST  |  Mumbai

આજે ઓપન થાય છે ચકરડી ભમરડીઃ તકલીફોમાં પણ હસવું એ જ છે સાચું કર્મ

આજે ઓપન થાય છે ચકરડી ભમરડી

ડૉ. શીલા બુટાલા અને કીર્તિ રાવલ નિર્મ‌િત, પાર્થ શુક્લ દિગ્દર્શ‌િત અને નયન શુક્લ-પાર્થ શુક્લ લિખિત નાટક ‘ચકરડી ભમરડી’ નાટકના કેન્દ્રમાં પરિવાર અને પરિવારની ભાવના છે. નાટકના મુખ્ય કલાકારોમાં રાજેન્દ્ર બુટાલા, સચી જોષી, પલ્લવી પાઠક, નયન શુક્લ, સુનીલ સુચક છે. નાટકના મુખ્ય ઍક્ટર અને પ્રેઝન્ટર રાજેન્દ્ર બુટાલા કહે છે, ‘અઢળક હસવાની અને એ પછી પણ જિંદગીઆખી સાથે રાખવાનું મન થાય એવું નાટક બન્યું છે. નાટકમાં વાત વારસાની અને યોગ્ય વારસદારની છે. જો વારસદાર યોગ્ય હોય તો એ કથીરને પણ કંચન કરી દે અને જો અયોગ્ય વારસદાર હોય તો એ કંચનનું પણ કથીર કરી નાખે.’
નાટકની વાર્તા ધનસુખલાલ મહેતાની આસપાસ ફરે છે. ધનસુખલાલ મહેતા અબજોપતિ છે. મહેતાના પુત્રનું અવસાન થઈ ગયું છે, પણ એક પૌત્ર છે અને એ પૌત્ર આડા રવાડે ચડી ગયો છે.
પૈસા પાણીની જેમ વાપરે છે અને સંપત્ત‌િનું કોઈ મૂલ્ય નથી. વારસાઈની રૂએ તો આ સંપત્ત‌િ ધનસુખલાલ મહેતાના ફૅમિલી મેમ્બરને જવાની છે, પણ મહેતાને તેમના અંગત મિત્ર અને સૉલિસ‌િટર પોપટલાલ એક રસ્તો દેખાડે છે, જે રસ્તે સાચા વારસદારની પરખ પણ મળવાની છે અને પરિવારના એક ગુમ થઈ ગયેલા સભ્યનો પત્તો પણ મળી જવાનો છે. નાટકના લેખક-દિગ્દર્શક પાર્થ શુક્લ કહે છે, ‘યોગ્ય હાથમાં વારસો જાય તો એ વારસો દીપી ઊઠે અને એવું જ કરવા માટે ધનસુખલાલ મહેતા કોશિશ કરે છે, જે માટે એક રમતનું આયોજન થાય છે. એ રમતનું આયોજન એટલે ‘ચકરડી ભમરડી’. રમત રમાતી જાય છે અને એકબીજા ખુલ્લા પણ પડતા જાય છે.’‘ચકરડી ભમરડી’નો શુભારંભ આજે સાંજે પોણાઆઠ વાગ્યે તેજપાલ ઑડિટોરિયમથી થશે.

gujarati mid-day