Coronavirus: વિશ્વરંગભૂમિ દિન, પણ ગુજરાતી નાટકોમાં દોઢ કરોડનો ઇન્ટરવલ

27 March, 2020 10:17 PM IST  |  Mumbai | Chirantana Bhatt

Coronavirus: વિશ્વરંગભૂમિ દિન, પણ ગુજરાતી નાટકોમાં દોઢ કરોડનો ઇન્ટરવલ

આ પ્રતિકાત્મક તસવીર છે

વિશ્વરંગભૂમિ દિવસ નિમિત્તે ગુજરાતી નાટકના કલાકારોએ પોતાનાં સોશ્યલ મીડિયા પર કે અંગત વૉટ્સઅપ ગ્રુપ્સમાં થિએટરની શુભેચ્છાઓ આપી એ ખરું પણ કોરોનાવાઇરસને કારણે અત્યારે તો એપ્રિલ મહિના સુધી રંગમંચ પર પડદો પડી ગયો છે.એવું એકપણ ક્ષેત્ર નથી જેની પર કોરોનાની અસર ન થઇ હોય અને ગુજરાતી નાટકો પણ તેમાંથી બાકાત નથી.આમ તો મુંબઇમાં અંગ્રેજી, હિન્દી, મરાઠી નાટકો પણ સતત ભજવાતા રહે છે પણ ટંકશાળની માફક કામ કરતી ગુજરાતી રંગભૂમિને કદાચ બહુ મોટી ખોટ પડી છે.એમ કહેવાય છે કે રોકડા કલદાર તો ગુજરાતી રંગભૂમિ પર હોય છે કારણકે મહિનામાં એક જ નાટકનાં ૩૫ શોઝ થતા હોય છે, વળી મુંબઇમાં થતા જાહેર શોઝ ઉપરાંત મુંબઇ બહાર થતા શોઝ અને દર વર્ષે વિદેશ લઇ જવાતા નાટકો. કોરોનાને કારણે અત્યારે આ બધાનો સૂંડલો વળી ગયો છે.ગ્રીનરૂમની લાઇટ્સ ફરી ક્યારે ચાલુ થશે અને મેકઅપદાદા અને ઇસ્ત્રીવાળાથી માંડીને પ્રોપર્ટીઝ લાવવા-લઇ જનારાઓની દોડાદોડ ફરી ક્યારે શરૂ થશે તેની તો અત્યારે કોઇ ધારણા પણ કરવા નથી માગતું.

ગુજરાતી નાટ્ય ઉદ્યોગમાં જેનું નામ પ્રોડ્યુસર તરીકે ટોચમાં ગણાય છે અને જેઓ આ ક્ષેત્રમાં સિનિયર છે તેમણે ગુજરાતી મિડ-ડે. કોમને જણાવ્યું કે,“ગુજરાતી નાટકોનાં વ્યવસાયને નહીં નહીં તો ય એકથી દોઢ કરોડની વચ્ચેનું નુકસાન થયું છે.કેટલાક નાટકો એવા છે જે ફાઇનલ સ્ટેજમાં હતા, કેટલાકના શોઝ નક્કી હતા, કેટલાકને ટૂરિંગની યોજના થઇ ચૂકી હતી પરંતુ હવે એ બધું સ્થગિત થઇ ગયું છે.એકવાર ફરી બધું શરૂ થશે ત્યારે લોકો કોરોનાના ડરને કારણે પણ નાટક જોવા આવવાનું ટાળશે.અમૂક બાબતોનો કોઇ રસ્તો નથી, ધીરજ એક માત્ર ઉપાય છે.કલાકારો લૉકડાઉનને કારણે પરિવારને સમય આપી શકે છે પણ અત્યારી સ્થિતિ જોતા કહીશ કે ફરીએકવાર ભરચક ઑડિટોરિયમ્સમાં નાટકની ત્રીજી બેલ વાગે તેને સમય લાગશે.” ભારતીય વિદ્યા ભવનના પ્રોગ્રામ ડાયરેક્ટર કમલેશ મોતાએ જણાવ્યું કે, “ગુજરાતી નાટકોની સ્થિતિ દારૂણ થઇ ગઇ છે એમ કહું તો એમાં કોઇ અતિશયોક્તિ નથી.ફાઇનાન્શિયલ લોસ તો ખરો જ પણ સૌથી મોટી ચિંતા છે કે એકવાર બધું પાટે ચઢશે પછી ઉતાવળે જે રીતે નબળાં પ્રોડક્શનો ઉભા કરાશે.હલકું હાસ્ય ઉભું કરવા બધા મથશે. એક સારું નાટક સહેજે ૭૦ હજારથી  એક-દોઢ લાખની વચ્ચે વેચાતું હોય છે. લોકોનાં સિત્તેર-એંશી શોઝ બુક થયા હશે જેનો હવે કોઇ અર્થ નહીં રહે.નાટક માત્ર મંચ પર દેખાતાઓથી નથી ચાલતું પણ બેકસ્ટેજ, સંગીત, સાઉન્ડ, લાઇટ્સ, મેકઅપથી માંડીને બધા જ વિભાગોમાં લોકો જોડાયેલા હોય છે અને દરેકને બહુ મોટો ફટકો પડશે એ નક્કી છે.”

વિશ્વરંગભૂમિ દિન નિમિત્તે આપણે માત્ર એટલી પ્રાર્થના કરી શકીએ કે ગુજરાતી રંગભૂમિને જલદી કળ વળે.

coronavirus covid19