‘છેલ્લો શો’ Review : ઓસ્કારમાં પહોંચેલી આ ફિલ્મ હ્રદય સોંસરવી ઉતરી જશે

14 October, 2022 06:08 PM IST  |  Mumbai | Rachana Joshi

ઓસ્કારમાં નોમિનેટ થયેલી ‘છેલ્લો શો’ દિગ્દર્શક પાન નલિનની ઑટોબાયોગ્રાફિકલ ફિલ્મ છે : ભાવિન રબારીના હાવભાવને તો નિહાળ્યા કરવાનું જ મન કરે

‘છેલ્લો શો’ ફિલ્મનો સીન

ફિલ્મ : છેલ્લો શો (ધ લાસ્ટ ફિલ્મ શો)

કાસ્ટ : ભાવિન રબારી, ભાવેશ શ્રીમાળી, રિચા મીના, દીપેન રાવલ, પરેશ મહ, વિકાસ બાટા, રાહુલ કોળી, શોબન મકવા, કિશન પરમાર, વિજય મેર, અલ્પેશ ટાંક, ટિયા સેબેસ્ટિયન

લેખક : પાન નલિન

ડિરેક્ટર : પાન નલિન

રેટિંગ : ૪.૫/૫

પ્લસ પોઇન્ટ : સ્ટૉરી, ડિરેક્શન, લોકેશન,

પ્રોડ્યુસર : ધીર મોમાયા, પાન નલિન, સિદ્ધાર્થ રોય કપૂર અને માર્ક ડુઅલ

ફિલ્મની વાર્તા

સમય એક ચા વેચનારનો પુત્ર છે. તેના પરિવારની આજીવિકા રેલવે સ્ટેશન પર ઉભી રહેતી ટ્રેનો પર નિર્ભર છે. સૌરાષ્ટ્રના નાનકડા ગામમાં રહેતા નવ વર્ષના સમયને ફિલ્મોની દુનિયા મંત્રમુગ્ધ કરી દે છે. પિતાની ઇચ્છા વિરુદ્ધ તે છાનોમાનો શહેરમાં જઈને ફિલ્મો જોવે છે. આ એ સમય છે જ્યારે ફિલ્મો રીલ પર ચાલતી હતી. દરરોજ મફતમાં ફિલ્મ જોવા મળે એટલે તેના જમવાના ટિફિનના બદલામાં પ્રોજેક્શનિસ્ટ સાથે મિત્રતા કરે છે. દરરોજ પ્રોજેક્ટર રુમમાં બેસીને તે ફિલ્મની પ્રક્રિયા સમજે છે અને ધીમે-ધીમે સમય મિત્રો સાથે બેસીને રીલમાંથી ફિલ્મ બનાવવાની પ્રક્રિયા શીખે છે. પરંતુ એ રીલમાંથી ફિલ્મ બનાવતા શીખે ત્યાં સુધીમાં રીલમાંથી પ્રોજેક્ટર પર ફિલ્મો દેખાડવાનો સમય પુર્ણ થઈ ગયો હોય છે અને ડિજીટલ ફિલ્મોનો સમય શરુ થઈ જાય છે. રીલની ફિલ્મી દુનિયા નવી દુનિયા તરફ પ્રયાણ કરે છે ત્યારે સમયની મનઃસ્થિતિ કેવી થાય છે તે જોવા જેવું છે.

પરફોર્મન્સ

ફિલ્મમાં સમયનું પાત્ર ભાવિન રબારીએ ભજવ્યું છે. તેનામાં ખરેખર પાન નલિનનું બાળપણ દેખાય છે. સમયની આંખો તેના કરતાં ચાર ગણી વાચાળ છે, તેની આંખોનો સ્પાર્ક ભૂલાય તેમ નથી. સમયના પાત્રને ભાવિન રબારીએ જીવ્યું હોય તેમ લાગે છે. દરેક ઈમોશનને આ છોકરાએ પડદા પર એ રીતે ઉજાગર કર્યા છે કે આપણે તેમા ખોવાઈ જઈએ. ભાવિનના અભિનયને જોઈને કહી ન શકાય કે તે પહેલી વાર અભિનય કરી રહ્યો છે. એકદમ વાસ્તવિક અને સરળ અભિનય કર્યો છે. તેની બાના પાત્રમાં રિચા મીના અને પિતાના પાત્રમાં દીપેન રાવલે સરસ અભિનય કર્યો છે. સમયના મિત્રોના પાત્રમાં દેખાડવામાં આવેલ દરેક બાળ કલાકારનો અભિનય દાદને પાત્ર છે. પ્રોજેક્શનિસ્ટના પાત્રમાં ભાવેશ શ્રીમાળીનો અભિનય દર્શકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યો છે. ફિલ્મમાં સ્ટેશન માસ્તર હોય કે, સિંગલ સ્ક્રિન થિએટરને નવું બનાવવા મથતો મેનેજર હોય કે એક અક્ષર ન બોલતા સમયના મિત્ર સીદીભાઇ હોય – એકે એક પાત્ર ફિલ્મમાં એ રીતે ગોઠવાયું છે કે તેની ગેરહાજરી વગર ફિલ્મ જાણે અધુરી લાગે.

સ્ક્રિપ્ટ અને ડિરેક્શન

ફિલ્મનું લેખન અને ડિરેક્શન પાન નલિને કર્યું છે. લેખન હોય કે ડિરેક્શન દરેક પાસામાં ફિલ્મ શ્રેષ્ઠતાના ઉત્તમ શીખરો સર કરે છે. સ્ક્રિપ્ટમાં દરેક નાની-નાની ડિટેઇલ્સ પર ભાર મુકવામાં આવ્યો છે. અમુક સીન તો વાચાળ પણ નથી છતાં ય તેની અસર દર્શકના મન પર રહી જાય તેવી છે.  વળી જે રીતે ભોજન રંધાવાના અને ભાથું બંધાવાના સીન્સ છે એ જોઇને પાન નલિનને પોતે એક લેખક અને દિગ્દર્શક તરીકે ભોજન સાથે કેટલી આત્મિયતા હશે તે ખબર પડે છે. ડિરેક્ટરે ભોજનના બહુ જ સરસ ક્લૉઝ-અપ શોટ્સ લીધા છે. ગામડાનો સીન હોય કે, પ્રોજેક્શન રુમમાં ફિલ્મ કઈ રીતે દેખાડવામાં આવે છે, બાળકો રીલમાંથી ફિલ્મ કઈ રીતે બનાવે છે, તેવા દરેક નાના-નાના સીનને બહુ ડિટેઇલમાં દેખાડવામાં આવ્યા છે. ફિલ્મમાં એકાદ-બે સીનને બહુ લંબાવવામાં આવ્યા છે. તે સિવાય ફિલ્મના દરેક દ્રશ્યો તમને ગામડાના જીવન નજીક લઈ જાય છે. સ્ક્રિપ્ટ અને ડિરેક્શન બન્ને બહુ જ સુંદર લાગે છે. ફિલ્મની વાર્તામાં અમુક દ્રશ્યો આંખમાં પાણી લાવી દે તેવા છે. વાર્તાની દ્રષ્ટિએ તો ફિલ્મ પાન નલિનની કથા કહે જ છે પણ જે રીતે દ્રશ્યો શૂટ થયા છે તે જોતાં પાન નલિન પોતે ફિલ્મ મેકિંગ સાથે કેટલા કનેક્ટેડ હશે તે સાબિત થઇ જાય છે.

મ્યુઝિક

ફિલ્મમાં સંગીત સિરીલ મોરિનનું છે. ઈમોશનલ દ્રશ્યમાં મ્યુઝિક એટલું સુંદર છે કે તમે તેમાં ડૂબતાં જ જાવ તેવું લાગે.

ફિલ્મ જોવી કે નહીં?

એક અદ્ભુત વાર્તા અને અફલાતુન સિનેમેટિક અનુભવ કરવા માટે ફિલ્મ ચોક્કસ જોવી જ જોઈએ.

entertainment news dhollywood news gujarati film pan nalin rachana joshi