અદ્ભુત ચેન્જ, સુપર્બ દિશા

12 February, 2023 12:49 PM IST  |  Mumbai | Bhavya Gandhi

છેલ્લા થોડા સમયથી જે પ્રકારની ફિલ્મો કે એના પ્રોમો આવવાના શરૂ થયા છે એ જોતાં ખરેખર કહેવું પડે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ નવી કરવટ પર કામ કરવાનું સુપર્બલી શરૂ કરી દીધું છે અને ઇન્ડસ્ટ્રી પાસેથી આ જ ચેન્જની સૌકોઈએ અપેક્ષા રાખી હતી

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

ફિલ્મો પોતાનો રંગ બદલે છે અને એ વાતની અઢળક ખુશી મને થાય છે. છેલ્લા થોડા સમયની તમે ગુજરાતી ફિલ્મો જુઓ અને આગામી સમયમાં આવનારી ફિલ્મોના પ્રોમો જુઓ. તમને લિટરલી ખબર પડશે કે ગુજરાતી ફિલ્મ-ઇન્ડસ્ટ્રી બદલાઈ રહી છે અને એ બદલાવ પણ સ્પષ્ટ રીતે દેખાય એવો છે. શુક્રવારે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘કર્મ’ જુઓ તમે. રીતસર એમાંથી કન્ટેન્ટ નીતરે છે. ‘વશ’ નામની ફિલ્મનો પ્રોમો ઑલરેડી તમે જોઈ લીધો હશે એવું ધારી લઉં છું અને ધારો કે એવું ન બન્યું હોય તો પ્લીઝ, અત્યારે આ જ ક્ષણે આર્ટિકલ વાંચવાનું રોકીને પહેલાં તમે યુટ્યુબ પર ‘વશ’નો પ્રોમો જુઓ. ગૅરન્ટી, તમે ધ્રૂજી જશો. અંગ્રેજી અને હિન્દી ફિલ્મોમાં આ પ્રકારના પ્રયોગ થયા છે એની ના નહીં, પણ ગુજરાતી ફિલ્મોમાં આવો પ્રયોગ થવો એ ખરેખર હિંમતનું કામ છે. માત્ર પ્રોમો જોઈને જ મને તો ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકને કૉન્ગ્રેચ્યુલેશન્સ કહેવાનું મન થઈ આવ્યું હતું. ઍનીવેઝ, બીજી એક ફિલ્મની વાત પર આવીએ.

‘આગંતુક’ ફિલ્મનો પ્રોમો ન જોયો હોય તો એ પણ હમણાં જ જોઈ લો. કોઈ પણ સરસ સસ્પેન્સ-થ્રિલર ફિલ્મની હરોળમાં ઊભી રહી શકે એવું સ્પષ્ટપણે પ્રોમોમાંથી દેખાઈ આવે છે. ‘વશ’ અને ‘આગંતુક’ એવી ફિલ્મો છે જે બદલાતી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની બેલ વગાડે છે.

આ પણ વાંચો: ડૉક્યુમેન્ટરી કી દુનિયા મેં આપકા સ્વાગત હૈ

ગુજરાતી ફિલ્મો એટલે કૉમેડી જ હોય, ખોટી હસાહસી જ એમાં હોય એવી જે ફરિયાદ થતી એ બધી ફરિયાદો બંધ થઈ જાય એવી ફિલ્મ આપણે ત્યાં બનવાનું શરૂ થઈ ગયું છે અને એ હવે તો રિલીઝના આરે આવીને પણ ઊભી રહી ગઈ છે. અગાઉ પણ આવી ફિલ્મો આવી જ છે અને એ ફિલ્મોએ પણ નવા લૅન્ડમાર્ક ઊભા કર્યા છે. થોડા સમય પહેલાં રિલીઝ થયેલી ‘લકીરો’ની જ વાત લઈ લો. આજના સમયમાં કપલ કેવી રીતે એકબીજાની નજીક આવ્યા પછી પણ દૂર થતાં જાય છે એ વાતને કેટલી સાદગી સાથે આ ફિલ્મમાં દેખાડી હતી, તો ૧૫ દિવસ પહેલાં રિલીઝ થયેલી ‘હું ઇકબાલ’ જુઓ તમે. એ પહેલાં આવેલી ‘રાડો’ પણ તમને યાદ હશે. આ બધી ફિલ્મો એ વાત પુરવાર કરે છે કે આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી નવા રંગરૂપ સાથે આગળ વધી રહી છે અને એ પણ એકદમ સ્ટ્રૉન્ગ સ્ટેપ્સ સાથે.

ચેન્જ થતી ઇન્ડસ્ટ્રીના ચેન્જને અકબંધ રાખવા માટે હવે જો કોઈ સ્ટેપ લેવાનું છે, કોઈએ સ્ટેપ લેવાનું છે તો એ હું અને તમે, આપણે છીએ. બદલાતી ફ્લેવરની આ ફિલ્મો જોવા જવાની તૈયારી આપણે સૌએ રાખવી પડશે. એકસરખી ફિલ્મો બને છે એવી ફરિયાદ બંધ કરવી હોય તો નવી તરાહની ફિલ્મ જોવાની તૈયારી રાખવી પડશે અને એને માટે થિયેટર જવું પડશે. ટિકિટ ખરીદવી પડશે અને ફિલ્મ જોવી પડશે. એ પછી જો તમને ફિલ્મ ન ગમે તો તમે વિનાસંકોચ એ ફિલ્મને વખોડી કાઢો. ચીથરાં ઉડાડો એ ફિલ્મનાં અને મન પડે ત્યાં, મન ફાવે ત્યાં એના વિશે ખરાબ વાત કરો. તમને બધી છૂટ છે, કારણ કે એ તમારો હક છે, પણ ફિલ્મ જોવા જઈને એ કામ કરો. બહાર બેસીને એવું કામ કરવાની જરૂર નથી. આજે એવું જ થઈ રહ્યું છે. ફિલ્મો જોવા જવું નથી અને ફિલ્મને ઉતારી પાડવાની એક પણ તક જતી કરવી નથી. આ કોઈ રીત નથી, આ કોઈ સિસ્ટમ નથી, પણ જો આ જ રીત અપનાવેલી રાખી તો એક દિવસ ફરી એવો આવશે કે નવી વાત, નવી વાર્તા કહેતી આ નવા પ્રકારની ફિલ્મો બનતી ફરી અટકી જશે અને એવું બનશે તો આપણે જ ફરિયાદ કરતા થઈ જઈશું કે આપણે ત્યાં કંઈ નવું આવતું જ નથી.

તમે જુઓ તો ખરા, ઉપર કહી એ ફિલ્મોમાં કેવું સરસ કામ થયું છે. ‘વશ’ અને ‘આગંતુક’ના પ્રોમો જોયા પછી તો તમારા મોઢેથી એક જ શબ્દ નીકળે, હૅટ્સ ઑફ હિતેન સર. હિતેનકુમાર માટે હું કંઈ કહું તો એ છોટે મૂંહ બડી બાત જેવો ઘાટ ઊભો થયો કહેવાય, પણ ‘રાડો’ પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બે એવા દિગ્ગજ ઍક્ટર નવા મૂડમાં મળ્યા છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. હિતેન સર અને હિતુ સર. સિમ્પલી સુપર્બ. તમે જોતા જ રહી જાઓ અને તમારા ચહેરા પર તાજ્જુબ પથરાયેલું હોય. પથરાયેલા આ તાજ્જુબ સાથે તમારા મનમાં એક જ વિચાર ચાલતો હોય, આ લેજન્ડ ક્યાં હતા અત્યાર સુધી, કેમ કોઈએ તેમને આવા રોલ ઑફર નહોતા કર્યા?!

‘વશ’માં ફરીથી ‘રાડો’ના જ આ બન્ને લેજન્ડ ઉમેરાયા છે તો ‘આગંતુક’માં હિતેન સર દક્ષિણ ગુજરાતી જબાન સાથે સ્ક્રીન ભરી દે છે. તેમની આંખો ઍક્ટિંગ કરે છે, તેમનો ચહેરો ઍક્ટિંગ કરે છે અને એ પણ એવી રીતે કે તમે પોતે થોડી ક્ષણો માટે ગભરાઈ જાઓ. એ જોયા પછી ફરીથી કહેવાનું મન થાય કે પ્લીઝ, હવે આ ફિલ્મો જોવા જજો. જો ઇચ્છતા હો કે આપણે નવેસરથી એ જ ફરિયાદ કરતા ન થઈએ કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવું કશું બનતું નથી.

પ્લીઝ... રિક્વેસ્ટ છે. જજો આ ફિલ્મો જોવા.

ચેન્જ થતી ઇન્ડસ્ટ્રીના ચેન્જને અકબંધ રાખવા માટે હવે જો કોઈ સ્ટેપ લેવાનું છે, કોઈએ સ્ટેપ લેવાનું છે તો એ આપણે છીએ. બદલાતી ફ્લેવરની આ ફિલ્મો જોવા જવાની તૈયારી આપણે સૌએ રાખવી પડશે. એકસરખી ફિલ્મો બને છે એવી ફરિયાદ બંધ કરવી હોય તો નવી તરાહની ફિલ્મ જોવાની તૈયારી રાખવી પડશે અને એને માટે થિયેટર જવું પડશે.

entertainment news dhollywood news Bhavya Gandhi