માત્ર 'સાહેબ' જ નહીં જુનિયર કનોડિયા પણ કરી ચૂક્યા છે ઓનસ્ક્રીન કિસ

03 January, 2019 07:02 PM IST  |  | ધ્રુવા જેટલી

માત્ર 'સાહેબ' જ નહીં જુનિયર કનોડિયા પણ કરી ચૂક્યા છે ઓનસ્ક્રીન કિસ

ફિલ્મ 'સાહેબ'નું દ્રશ્ય

તાજેતરમાં ગુજરાતી ફિલ્મ અભિનેતા મલ્હાર ઠાકરની આગામી ગુજરાતી ફિલ્મ 'સાહેબ'નું ટીઝર રીલિઝ થયું. આ ટીઝરમાં મલ્હાર ઠાકર અને ફિલ્મની અભિનેત્રી કિંજલ રાજપ્રિયા વચ્ચે લિપ કિસ દર્શાવવામાં આવી છે. આ સાથે જ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કિસિંગ સીન અંગે પણ ચર્ચા શરૂ થઈ છે, જો કે તમને જાણીને આશ્ચર્ય થશે કે આ પહેલી એવી ગુજરાતી ફિલ્મ નથી જેમાં ઓનસ્ક્રીન હીરો-હીરોઇન વચ્ચે લિપ લોક બતાવવામાં આવ્યું હોય. આ પહેલા પણ ગુજરાતી ફિલ્મોમાં લિપકિસના દ્રશ્યો ભજવાઈ ચૂક્યાં છે. વર્ષ 2010માં આવેલી ગુજરાતી ફિલ્મ 'સૂરજ ઉગ્યો શમણાને દેશ'માં હિતુ કનોડિયા અને મોના થીબાએ લિપલોકનો સીન આપ્યો હતો. હિતુ અને મોના સુપરહિટ ગુજરાતી ફિલ્મી જોડી છે અને રિયલ લાઇફ કપલ પણ છે.

ગુજરાતી ફિલ્મ ક્રિટિક અને પત્રકાર જિતેન્દ્ર બાંધણિયાએ ગુજરાતી મિડ-ડેને જણાવ્યું કે, ફિલ્મ 'સૂરજ ઉગ્યો શમણાને દેશ' ફિલ્મમાં ડાયરેક્ટર ઇમરાન પઠાણે હિતુ કનોડિયા અને મોના થીબા પાસે લિપકિસનો સીન શૂટ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું કે ગુજરાતી ફિલ્મોનો આ કદાચ સૌથી લાંબો કિસિંગ સીન હશે. જિતેન્દ્ર બાંધણિયા વધુમાં જણાવે છે કે એવું પણ નથી કે આ જ ગુજરાતી ફિલ્મોનો પહેલો કિસિંગ સીન હતો. આ પહેલા પણ 8-10 જેટલી ગુજરાતી ફિલ્મોમાં લિપકિસના દ્રશ્યો ભજવાઈ ચૂક્યાં છે એટલે આવા સીન એ કોઇ નવી વાત નથી. પરંતુ કદાચ એ સમયના ગુજરાતી ફિલ્મોના નિર્માતા-નિર્દેશકે આ એંગલથી તેમની ફિલ્મોને વેચવા માટે કોઇ માર્કેટિંગ સ્ટ્રેટેજી બનાવી નથી. કદાચ એ કારણથી જ લોકોને એ વાતની જાણ નથી કે ગુજરાતી ફિલ્મોમાં પણ લિપલોકના દ્રશ્યો ભજવાયેલા છે.

ગુજરાતી મિડ-ડેએ આ અંગે ગુજરાતી અભિનેતા હિતુ કનોડિયા સાથે પણ વાત કરી હતી. હિતુએ જણાવ્યું, "હા, 'સૂરજ ઉગ્યો શમણાને દેશ'માં મેં અને મોનાએ કિસિંગ સીન આપ્યો હતો. એ ખૂબ ઇમોશનલ સીન હતો. એ પર્ટિક્યુલર એ સીનની, ફિલ્મની રિક્વાયરમેન્ટ હતી. એ ઇમોશન્સને યોગ્ય રીતે રજૂ કરવા માટે એ દ્રશ્યમાં કિસ જરૂરી હતી. ફિલ્મના રાઇટર, ડાયરેક્ટર અને પ્રોડ્યુસરે આખરે મને અને મોનાને એ સીન આપવા માટે તૈયાર કર્યા હતા અને અમે એ સીન શૂટ કર્યો હતો."

 

આ પણ વાંચો: મલ્હાર ઠાકરની નવી ફિલ્મ 'સાહેબ'નું ટીઝર રિલીઝ

 

તો ગુજરાતના હાર્ટથ્રોબ મલ્હાર ઠાકરની ફિલ્મ 'સાહેબ' પહેલા પણ ગુજરાતી ફિલ્મોમાં લિપકિસના દ્રશ્યો ભજવાઈ ચૂક્યાં છે. ઓનસ્ક્રીન લિપકિસ એ આજના જમાનામાં કોઈ નવાઈની વાત નથી. બોલિવુડ ફિલ્મોમાં લિપલોકના દ્રશ્યો એકદમ સામાન્ય છે. જોકે, ગુજરાતી દર્શકો એવા દ્રશ્યો ગુજરાતી ફિલ્મોમાં જોવા ટેવાયેલાં નથી હોતા. કદાચ એટલે જ સાહેબના ટીઝરમાં દેખાતું લિપલોકનું દ્રશ્ય હાલ ચર્ચાનું કેન્દ્ર છે અને એ જ ગુજરાતીઓને થિયેટર સુધી ખેંચીને લઈ આવી શકે છે.

gujarati mid-day