ભવ્યાતિભવ્ય રીતે યોજાયો GIFA અવૉર્ડ

01 January, 2020 12:32 PM IST  |  Ahmedabad

ભવ્યાતિભવ્ય રીતે યોજાયો GIFA અવૉર્ડ

GIFA અવૉર્ડ

ક્રિસમસના દિવસે એટલે કે ૨૫ ડિસેમ્બરે ગુજરાતી સિનેમા જગતના સિતારાઓ જાણે જમીન પર ઊતરી આવ્યા હતા. નેસલે મંચ નટ્સ જિફા અવૉર્ડ્સ અમદાવાદના નારાયણી હાઇટ્સ ખાતે યોજાયો હતો જેના સાક્ષી ફિલ્મી કલાકારો સહિત જાહેર જનતા પણ બની હતી. કોને કયો અવૉર્ડ મળ્યો, કોણે સ્ટેજ પર શું કમાલ કરી, કોનો પર્ફોર્મન્સ જબરદસ્ત હતો એ બધું ત્યારે જ ખબર પડશે જ્યારે જિફા અવૉર્ડ્સનું ટેલિવિઝન પર પ્રસારણ કરવામાં આવશે.

હિન્દી ફિલ્મોની જાણીતી અને ફેમસ સંગીતકાર બેલડી કલ્યાણજી-આણંદજીમાંના આણંદજી શાહ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને જિફા ગોલ્ડન અવૉર્ડ આપીને સન્માનિત કરાયા હતા. આણંદજી સહિત નામાંકિત કલાકાર વિક્રમ ઠાકોર, હિતુ કનોડિયા અને નૅશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મ ‘હેલ્લારો’ના દિગ્દર્શક અભિષેક શાહને પણ જિફા ગોલ્ડન અવૉર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ‍જિફા ડિરેક્ટર ઑફ ધ યરનો ખિતાબ ‘મોન્ટુની બિટ્ટુ’ ફિલ્મના ડિરેક્ટર વિજયગિરિ બાવાને મળ્યો હતો, જ્યારે ફિલ્મ ‘ચાસણી’ જિફા ફિલ્મ ઑફ ધ યરનો અવૉર્ડ પોતાના નામે કરવામાં સફળ રહી હતી. અભિનેતાઓની વાત કરીએ તો ફિલ્મ ‘મોન્ટુની બિટ્ટુ’માં સુંદર અભિનય કરનારી આરોહી પટેલને જિફા ઍક્ટર ઑફ ધ યર ફીમેલનો અને ફિલ્મ ‘ધુનકી’માં કામ કરનાર પ્રતીક ગાંધીને જિફા ઍક્ટર ઑફ ધ યર મેલનો અવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

જિફા અવૉર્ડ માટે સારું અને સન્માનનીય પગલું એ કહી શકાય કે ઘણી તકલીફ વચ્ચે પણ હવે જિફા અવૉર્ડ્સ પગભર થઈ રહ્યો છે. જેમ નવી શરૂઆતમાં કોઈ ને કોઈ રુકાવટ આવતી જ હોય છે, પણ એનો સામનો કરી આગળ વધવાથી જ સફળતા મળે છે. જિફાને અન્ય કોઈ વિશેષણની જરૂર નથી. ગુજરાતી ફિલ્મો માટે ગુજરાતી કલાકારો અને હવે તો હિન્દી કલાકારોને પણ (જેમણે ગુજરાતી ફિલ્મોમાં યથાયોગ્ય યોગદાન આપ્યું હોય) તેમને તેમના કામની પ્રશંસારૂપ અવૉર્ડ અર્પણ કરી ગુજરાતી ફિલ્મોને આગળ ધપાવવાનું કામ કરી રહ્યું છે.

જો આવી રીતે તેઓ ગુજરાતી ફિલ્મોના કલાકારો, નિર્માતાઓ, દિગ્દર્શકો અને ટેક્નિશ્યનોને નવાજતા રહેશે તો ચોક્કસ અન્ય સર્જકો પણ ફિલ્મ બનાવવા પ્રેરાશે. મને ખબર છે કે અવૉર્ડને ધ્યાનમાં રાખીને અનેક ફિલ્મો બની રહી છે. દિગ્દર્શકો એવી સ્ટોરીની શોધમાં છે જેને વિશ્વફલક સુધી લઈ જઈ શકાય, પરંતુ ઘણાં કારણસર એ શક્ય નથી બનતું. જોકે એ પણ આવનારા સમયમાં સરળ બનશે એવી અમને આશા છે. જેમ એક સમયે સબસિડી ગુજરાતી ફિલ્મોની જીવાદોરી હતી એમ આજે અવૉર્ડ મળવો એ પણ ગુજરાતી ફિલ્મને આગળ લાવવા માટે મદદરૂપ પરિબળ ગણી શકાય.

ગુજરાત સરકાર પણ ગુજરાતી ફિલ્મોને અવૉર્ડ આપી સન્માનિત કરે છે, પણ તેમની અવૉર્ડ આપવાની પ્રક્રિયા અને જિફાની અવૉર્ડ આપવાની પ્રક્રિયા ઘણી જુદી છે. જિફા ઘણી મોટી કક્ષાએ અવૉર્ડ આપી ફિલ્મી કલાકારને તેમના કરાયેલા કામ બદલ સન્માનિત કરે છે. આવનારા સમયમાં જિફા એક મોટી જાહેરાત કરવા જઈ રહ્યું છે અને અમને આશા છે કે આપ એની આતુરતાથી રાહ જોશો.

entertaintment