નિરસ જીવનમાં પ્રશંસાનો રસ રેડવો કેટલો જરૂરી છે તે સમજાવતી ફિલ્મ એટલે `21મું ટિફિન`

18 December, 2021 07:30 PM IST  |  Mumbai | Nirali Kalani

`21મું ટિફિન `માં પોતાના બિંબાઢાળ થઈ ગયેલા જીવનમાં જિંદગીના તમામ રસો ખોઈ બેઠેલી અને ટિફિનનો વ્યવ્સાય કરનારી એક એવી ગૃહિણીની વાર્તાનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે, જેના જીવનમાં પ્રંશસારૂપી સાકર ભળવાથી જીવનમાં મીઠાસ આવે છે.

21મું ટિફિન પોસ્ટર

સામાન્ય રીતે ટિફિન શબ્દ સાંભળીએ તો મનમાં પહેલા શું આવે?  વિવિધ વાનગીઓ અને સ્વાદનો ચટકારો માણવા લબલબ થતી જીભ સાથે મોઢામાં પાણી અથવા તો ભુખ લાગવાનો અનુભવ, પરંતુ વાત `21મું ટિફિન` ની હોય ત્યારે સૌથી પહેલા મનમાં બેસ્ટ કોન્સેપ્ટ, ઉત્કૃષ્ટ અભિનય, અદ્ભુત સંવાદો અને નિરસ જીવનમાં પ્રશંસાના રસનું મહત્વ સમજાવતી વાર્તા આવે. જેને માણીને તમારા દિલને ઠંડક પડે. `21મું ટિફિન `માં પોતાના બિંબાઢાળ થઈ ગયેલા જીવનમાં જીંદગીના તમામ રસો ખોઈ બેઠેલી અને ટિફિનનો વ્યવ્સાય કરનારી એક એવી ગૃહિણીની વાર્તાનું ફિલ્માંકન કરવામાં આવ્યું છે, જેના જીવનમાં પ્રંશસારૂપી સાકર ભળવાથી જીવનમાં મીઠાસ આવે છે.  

ફિલ્મની વાર્તા નાયિકા (નીલમ પંચાલ) મધ્યવયસ્ક ગૃહિણીની આસપાસ ફરે છે. જે ઘરના સભ્યોનું ધ્યાન રાખવામાં આયખું ખર્ચી નાખતી લાખ્ખો ગૃહિણીમાંની એક ગૃહિણી છે. એ દીકરી છે, બહેન છે, નણંદ, પત્ની, માતા, સોસાયટીમાં પડોશી પૂર્વીબહેનની સખીસહિયારી છે અને…ટિફિન સર્વિસ ચલાવતી ઉદ્યમી છે. એવું નથી કે ઘરની પરિસ્થિતિ સારી નથી એટલે એને ટિફિન-સર્વિસ ચલાવવી પડે છે. પાક કલા એનું પૅશન છે, જેમાં રસીપચી રહીને તે વીસ ટિફિન કરતી હોય છે. એક દિવસ 21મું ટિફિન શરૂ થાય અને આશરે છ મહિના બાદ બંધ પણ થઈ જાય છે. બસ..આટલું જ!

પરંતુ આ દરમિયાન જે થાય છે એ સામાન્ય ઘટના જ ફિલ્મને અસમાન્ય બનાવી જાય છે. દેખિતી રીતે કંઈજ નથી થતું.. ના મેલોડ્રામા થાય છે, ના ઝઘડો થાય છે કે ના તો હીરો (રોનક કામદાર) ગૃહિણી (નીલમ પંચાલ)ના પ્રેમમાં પડે છે કે ના તો તેની જુવાન દિકરી (નૈત્રી ત્રિવેદી)ના પ્રેમમાં. પણ હા, એવું રસપ્રદ અને હ્રદયસ્પર્શી કંઈક જરૂર થાય છે જે તમારા દિલના તાર ઝણઝણાવી દેવા માટે પૂરતું છે. એ શું થાય છે તે જાણવા માટે તમારે આ ફિલ્મ જોવી પડશે.

અભિનયની વાત કરીએ તો ગૃહિણીનું પાત્ર ભજવનાર અભિનેત્રી નીલમ પંચાલે પાત્રને જીવંત રાખવા પોતાનો જીવ રેડી દીધો હોય તેવું લાગે છે. જ્યારે હીરો એટલે રોનક કામદાર અને ગૃહિણીની દિકરીનું પાત્ર ભજવતી નૈત્રી ત્રિવેદીએ પણ પોતાનું પાત્ર બખુબી નિભાવ્યું છે. રામ મોરીએ લખેલા સંવાદો અને કલાકારોની એક્ટિંગ કરતાં હોય તેવું ન લાગતી એક્ટિંગનો સમન્વય ફિલ્મમાં રસ જાળવી રાખે છે. 

મહિલા, જે વ્યસાય કરતાં કરતાં પોતાનું જીવન એક ઢબમાં જ જીવતી હોય.. જેના માટે તેનો ટિફિનનો વ્યવસાય જ શણગાર અને શ્રૃંગાર હોય છે. પરંતુ 21મું ટિફિન તેણીને વાસ્તવિક શણગાર અને શ્રૃંગાર તરફ વાળે છે અને તે જ સમયે `રાહ જુએ શણગાર અધુરો..` ગીત, જે એકદમ બરાબર જગ્યાએ મુકવામાં આવ્યું છે. ગીતના શબ્દો પાર્થ તરપરાએ લખ્યા છે. જ્યારે તેને અવાજ મેહુલ સુરતી અને મહાલક્ષ્મી ઐય્યરે આપ્યો છે. આ મધુર અવાજો સોનામાં સુગંધ ભેળવે તેવા છે.  

ફિલ્મનું નિર્દેશન વિજયગીરી બાવાએ કર્યુ છે. આ ફિલ્મનું શૂટિંગ અમદાવાદમાં જ થયુ છે. ફિલ્મમાં નીલમ પંચાલ, રોનક કામદાર, નેત્રી ત્રિવેદી, હિતેશ ઠાકર, રક્ષા નાયક,દીપા ત્રિવેદી, પ્રેમ ગઢવી, મૌલિક જગદીશ નાયક, મેહુલ સોલંકી, રાકેશ ગોસ્વામી અને અન્ય કલાકારોએ અભિનય કર્યો છે.  

ઓવર ઓલ ફિલ્મ જોયા પછી પૈસા વસુલનો અનુભવ તો થાય જ છે, પરંતુ સુખડી બનાવવાનો સીન થોડો મોળો છે, જેને સુખડી જેટલો જ મીઠો અને મધુર બનાવી શકાય એમ છે. ગૃહિણીના ભાઈ ભાભીનું પાત્ર ભજવનારા કલાકારો અન્ય કલાકારોની સરખામણીમાં ક્યાંક ફિક્કા પડ્યા છે. મહત્વનું છે કે આ ટિફિનને માણ્યા પછી તમને દિલમાંથી ઓડકાર આવે એ તૃષ્ટિગુણને અવગણી શકાય નહીં.  

 

 

dhollywood news entertainment news gujarati film Raam Mori