Father's Day:મણિરાજ બારોટની દીકરી તરીકે ઓળખાવાનું મને ગૌરવઃ રાજલ બારોટ

14 June, 2019 01:02 PM IST  |  મુંબઈ | ફાલ્ગુની લાખાણી

Father's Day:મણિરાજ બારોટની દીકરી તરીકે ઓળખાવાનું મને ગૌરવઃ રાજલ બારોટ

ફાધર્સ ડે પર રાજલ બારોટ યાદ કરે છે પિતા મણિરાજ બારોટને(તસવીર સૌજન્યઃ રાજલ બારોટ)

ગુજરાતી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં આદર સાથે લેવાતા નામમાંથી એક છે મણિરાજ બારોટ. આજે તેઓ આપણી વચ્ચે નથી પરંતુ તેમની રચનાઓ અને તેમની યાદો તો છે જ. મણિરાજ બારોટની ટેલેન્ટેડ દીકરી એટલે રાજલ બારોટ. રાજલે પોતાની મહેનતથી આજે આગવું સ્થાન બનાવ્યું છે. આ Father's Day પર રાજલ બારોટ યાદ કરે છે પિતા મણિરાજ બારોટને..

'મણિરાજ બારોટની દીકરી હોવાનું ગૌરવ'
કહેવાય છે કે મોરના ઈંડા ચીતરવા ન પડે. મણિરાજ બારોટની પુત્રી રાજલ આજે તેમનું નામ રોશન કરી રહી છે. Gujaratimidday.com સાથે વાત કરતા રાજલ કહે છે કે, 'લોકોને મારામાં મારા પિતાની ઝલક દેખાય છે. બસ મારા માટે આ જ સૌથી મોટી વાત છે. મને કોઈ રાજલ બારોટ તરીકે નહીં ઓળખે તો ચાલશે. મારે મણિરાજ બારોટની દીકરી તરીકે ઓળખાવું છે.'

મણિરાજ બારોટ અને રાજલ બારોટ(તસવીર સૌજન્યઃ રાજલ બારોટ)


'પપ્પાએ મારી પ્રતિભાને ઓળખી લીધી હતી'
રાજલ કહે છે કે, 'મારી પ્રતિભાને પપ્પાએ પહેલેથી જ ઓળખી લીધી હતી. તેમને ખબર હતી કે હું સારી ગાયિકા બનીશ. અને જુઓ, આજે હું છું એ સ્થાન પર.'


'પપ્પા સાથે વિતાવેલી દરેક ક્ષણ યાદગાર'
રાજલ બારોટ 12-13 વર્ષના હતા ત્યારે જ મણિરાજ બારોટનું નિધન થઈ ગયું હતું. એ સમયને યાદ કરતા રાજલ કહે છે કે, 'હું નાનપણથી પિતાને જોતી આવી છું. તેઓ ખૂબ જ મહેનત કરતા હતા. તેમનું નિધન થયું ત્યારે હું ભણતી હતી. અચાનક આ સ્થિતિ આવી ગઈ હતી. પરંતુ મારામાં તેમનો સામનો કરવાની હિંમત પણ આવી ગઈ. અને પછી મે ક્યારે પાછું વળીને નથી જોયું.'
પિતા સાથેના સંસ્મરણો યાદ કરતા રાજલ કહે છે કે, 'મારા પિતા સાથે વિતાવેલી દરેક ક્ષણ મારા માટે યાદગાર છે. પપ્પા ખૂબ જ વ્યસ્ત રહેતા હતા. પરંતુ જ્યારે તેઓ ઘરે હોય અને અમારી સાથે હોય ત્યારે તેમની સાથે વિતાવેલો સમય મારા દિલની ખૂબ જ નજીક છે.'

મણિરાજ બારોટ સાથે નાનકડી રાજલ બારોટ(તસવીર સૌજન્યઃ રાજલ બારોટ)


મણિરાજ બારોટનું આ ગીત છે રાજલનું ફેવરિટ
આમ તો રાજલ બારોટને મણિરાજ બારોટના તમામ ગીતો ગમે છે. પરંતુ ખાસ કરીને તેમનું મણિયારો ગીત તેનું ફેવરિટ છે. રાજલ કહે છે કે આજે પણ પપ્પાના ચાહકો તેમની પાસે એ ગીતની ફરમાઈશ કરે છે. મણિરાજ બારોટની ફિલ્મ ઢોલો મારા મલકનો રાજલને સૌથી વધુ ગમે છે.

'પપ્પા ઘરે આવતા તો અમે ટીવી બંધ કરી દેતા'
પિતા તરીકે મણિરાજ બારોટ કેવા હતા તે વિશે વાત કરતા રાજલ કહે છે કે, 'તેઓ કડક પણ હતા અને રમતિયાળ પણ. અમારી સાથે તેઓ મસ્તી કરતા. પરંતુ અમે તેમનો ડર પણ લાગતો. એટલે જ જેવા તેઓ ઘરે આવતા ત્યારે અમે ટીવી બંધ કરીને બેસી જતા હતા.'

કાર ખરીદી તે સમયે રાજલ બારોટ અને બહેનો(તસવીર સૌજન્યઃ રાજલ બારોટ)

'પપ્પાની ખોટ વર્તાઈ છે'
મણિરાજ બારોટને યાદ કરતા રાજલ કહે છે કે, 'આજે પણ અમને તેમની ખોટ વર્તાઈ છે. ખાસ કરીને ઘરમાં કોઈ પ્રસંગ હોય, કોઈનો જન્મદિવસ હોય. મે નવી ગાડી અને ઘર લીધું ત્યારે એમ થયું હતું કે પપ્પા આજે અહીં હોત તો ખૂબ જ ખુશ થાત. મે જ્યારે મારા મોટા બહેનના લગ્ન કરાવ્યા ત્યારે કન્યાદાન સમયે તેમની ખોટ ખૂબ જ સાલી હતી.'

મણિરાજ બારોટ(તસવીર સૌજન્યઃ રાજલ બારોટ)

આ પણ વાંચોઃ આવો છે મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટનો અંદાજ

ફાધર્સ ડે પર સંદેશ
'સૌથી પહેલો તો તમામ વાચકોને ફાધર્સ ડેની શુભકામનાઓ. પિતાનું મહત્વ અને સ્થાન લોકોની જિંદગીમાં ખૂબ જ ખાસ હોય છે. પરંતુ ક્યારેક લોકો તે નથી સમજી શકતા. આજની પેઢી બધુ પોતાની રીતે કરવામાં માને છે. પણ ક્યારેક માતા-પિતાની સલાહ પણ લેવી જોઈએ. કારણ કે તેઓ આપણા માટે જે પણ કહેશે કે કરશે તે સારું જ હશે. જેમના માતા-પિતા છે તેઓ નસીબદાર છે. તો હું તો લોકોને એટલું જ કહીશ કે બધા તેમની વાત સાંભળો. લાઈફમાં ખોટા નિર્ણય ન લો.'

gujarat gujarati film