08 November, 2023 03:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઝીનત અમાન
ઝીનત અમાનને ધૂંધળું દેખાઈ રહ્યું હોવાથી તેમણે આંખની સર્જરી કરાવી છે. સર્જરી બાદ તે સ્વસ્થ છે અને તેમનું વિઝન પણ એકદમ ક્લિયર થઈ ગયું હોવાનું તેમણે કહ્યું છે. તેમની આંખની પાંપણમાં તકલીફ હતી અને એ બરાબર ખૂલી નહોતી રહી. ઉપલી પાંપણ બંધ થઈ રહી હોવાથી તેમને દેખાતું નહોતું એથી તેમણે સર્જરી કરાવી છે. આ વિશે તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ કરી હતી. એમાં ઝીનત અમાને લખ્યું હતું કે ‘૨૦૨૩ની અઢારમી મેએ મેં વૉગ ઇન્ડિયા માટે કવરપેજ શૂટ કર્યું હતું. ઓગણીસમી મેએ મેં નાની સૂટકેસ પૅક કરી હતી અને લીલીને કિસ કરી હતી. ત્યાર બાદ ઝહાન અને કારા મને ખારમાં આવેલી હિન્દુજા હૉસ્પિટલમાં લઈ ગયા હતા. મને છેલ્લાં ૪૦ વર્ષથી આંખની પાંપણને લઈને તકલીફ હતી. આથી મારી જમણી આંખના મસલ્સ ડૅમેજ થયા હતા. સમય જેમ-જેમ થતો ગયો એમ મારી આંખની પાંપણ વધુને વધુ બંધ થતી રહી અને થોડાં વર્ષ પહેલાં મને દેખાવામાં તકલીફ પડી રહી હતી. મારી કરીઅર એવી છે કે એમાં મારા લુકને મહત્ત્વ આપવામાં આવે છે. આથી આ ડ્રામેટિક ચેન્જ ખૂબ જ મુશ્કેલ હતો. જોકે મારી આ બીમારીને લઈને જે કમેન્ટ કરવામાં આવતી, જે ગૉસિપ થતી એને મેં અટેન્શન નહોતું આપ્યું. આ માટે મને એ સમયે જે ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી એ સફળ નહોતી રહી. જોકે આ વર્ષે એપ્રિલમાં મને ડૉક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે હવે આ માટેની સર્જરી ઉપલબ્ધ છે અને વિઝન પાછું મેળવી શકાય છે. આથી મેં મે મહિનામાં જ સર્જરી કરાવી હતી. મારી રિકવરી ધીમી હતી અને હજી પણ ચાલી રહી છે. જોકે મને એ જણાવતાં ખુશી થાય છે કે મારું વિઝન હવે પહેલાં કરતાં ક્લિયર છે.’