યશોમતી મૈયા સે બોલેનું કમ્પોઝિશન ગુજરાતી સિંગર નિનુ મઝુમદારનું હતું

25 March, 2020 05:53 PM IST  |  Mumbai | Ashu Patel

યશોમતી મૈયા સે બોલેનું કમ્પોઝિશન ગુજરાતી સિંગર નિનુ મઝુમદારનું હતું

નિનુ મઝુમદાર

યસ, રાજ કપૂરની સુપરહિટ ફિલ્મ ‘સત્યમ્ શિવમ્ સુંદરમ્’નું ગીત ‘યશોમતી મૈયા સે બોલે નંદલાલા...’ કમ્પોઝિશન ૧૯૪૮માં રિલીઝ થયેલી ‘ગોપીનાથ’ ફિલ્મમાંથી સીધું ઉઠાવી લેવાયું હતું. ‘ગોપીનાથ’ ફિલ્મનું સંગીત દિગ્ગજ સંગીતકાર નિનુ મઝુમદારે આપ્યું હતું.

એ ફિલ્મમાં ‘આયી ગોરી રાધિકા...’, ‘બ્રિજ મેં બલખાતી...’ ગીત એ ફિલ્મના સંગીતકાર નિનુ મઝુમદારે કમ્પોઝ કર્યું હતું અને એ ગીત પણ તેમણે ગાયું હતું અને સહગાયિકા મીના કપૂર હતાં. એ ફિલ્મનાં અન્ય ગીતો પણ જાણીતાં બન્યાં હતાં. એ ફિલ્મમાં નિનુ મઝુમદારે અન્ય એક ગીત પણ ગાયું હતું ઃ ‘કારે બાદલ બરસ...’ તો ‘બંસરી બજાઈ આજ...’ મીના કપૂરે ગાયું હતું. ‘ચલે ગયે દિલ કે...’, ‘સખી મોહે નિંદ ના આયે...’ તથા ‘મૈં બિરહા બૈઠી જાગું...’ એ ગીતો પણ મીના કપૂરે જ ગાયાં હતાં. જ્યારે ‘બાલી ઉંમર પિયા મોરી...’ ‘આયી સાવન કી ઋત...’ અને ‘બહુતેરો સમજાયા...’ ગીતો શમશાદ બેગમે ગાયાં હતાં. એ ફિલ્મ મહેશ કૌલ અને બ્રિજ કિશોર અગ્રવાલે પ્રોડ્યુસ કરી હતી. એનું દિગ્દર્શન મહેશ કૌલે કર્યું હતું. એ ફિલ્મની સ્ટોરી પણ મહેશ કૌલે જ લખી હતી. એ ફિલ્મમાં રાજ કપૂર, તૃપ્તિ મિત્રા અને લતિકા મુખ્ય રોલમાં હતાં.

એ ફિલ્મની સ્ટોરી એવી હતી કે મોહન (રાજ કપૂર) ફિલ્મો લખવા ઇચ્છે છે. તેની માતા (અનવરીબાઈ) હૃદયરોગી છે. તે મોહનને ગોપી (તૃપ્તિ મિત્રા) સાથે પરણાવવા ઇચ્છે છે. ગોપી તેની એક ફ્રેન્ડની દીકરી છે અને તેના ભાઈ સાથે ગામડામાંથી મુંબઈ આવી છે. ગોપી અને તેનો ભાઈ અમેરિકા નોકરી માટે જઈ રહ્યા છે. ગોપી પણ તેની સાથે આફ્રિકા જવાની હોય છે, પરંતુ મોહનની માતાની વિનંતી અને ગોપીના દબાણથી તેનો ભાઈ ગોપીને લીધા વિના એકલો આફ્રિકા જાય છે. મોહન બાળપણમાં ગોપી સાથે એ ગામમાં જ રહેતો હતો અને ગોપી બાળપણથી જ તેના પ્રેમમાં પડી ગઈ હતી. જોકે મોહનને ગોપીમાં રસ નથી અને તે પ્રખ્યાત ફિલ્મસ્ટાર નીલાદેવી (લતિકા)ના પ્રેમમાં છે. ગોપીનો એકતરફી પ્રેમ તેને પાગલપન તરફ દોરી જાય છે અને તેને દરેક જગ્યાએ મોહન જ દેખાય છે. જોકે છેવટે મોહન ફિલ્મસ્ટાર નીલાદેવીથી તરછોડાઈને ગોપી પાસે પાછો ફરે છે.

પિતા નિનુ મઝુમદાર વિશે ‘એક્સ્ટ્રા શૉટ્સ’ માટે વાત કરતાં તેમના પુત્ર અને પ્રખ્યાત ગાયક-સંગીતકાર ઉદય મઝુમદાર કહે છે કે ‘પપ્પાએ દોઢ ડઝનથી વધુ હિન્દી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું. એ ઉપરાંત અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ તેમણે સંગીત આપ્યું હતું. નિનુભાઈ ગીતો લખતા, કમ્પોઝ કરતા અને ગાતા પણ હતા. તેઓ ‘ગોપીનાથ’ ફિલ્મના મ્યુઝિક-ડિરેક્ટર હતા. એ ફિલ્મમાં તેમણે ‘આયી ગોરી રાધિકા...’ ગીત કમ્પોઝ કર્યું હતું અને ગાયું પણ હતું. એ ગીત રાજ કપૂરને ખૂબ ગમતું હતું. એ પછી તેમણે દાયકાઓ બાદ ‘સત્યમ્ શિવમ્ સુંદરમ’ ફિલ્મ બનાવી, જેમાં ‘યશોમતી મૈયા સે બોલે નંદલાલા...’ ગીતનું કમ્પોઝિશન યથાવત્ રાખ્યું હતું.’

ઉદયભાઈ ઉમેરે છે, ‘યશોમતી મૈયા સે બોલે નંદલાલા...’ ગીત ફિલ્મફેર અવૉર્ડની પસંદગી માટે આવ્યું ત્યારે જ્યુરીમાં ખુદ નિનુભાઈ પણ એક જજ હતા. કેટલાક મિત્રોએ તેમને આ ગીતની ધૂન માટે દાવો કરવાનું કહ્યું હતું. જોકે પપ્પાનો ફકીરી અંદાજ હતો એટલે તેમણે એ ગીતના સંગીતકાર તરીકે લક્ષ્મીકાંત-પ્યારેલાલની પસંદગી માટે સંપૂર્ણ સહમતી આપી હતી.’

ashu patel bollywood news entertainment news