✕

આદિત્ય ધર અને યામી ગૌતમે મુંબઈ છોડી દીધું, હિમાચલ પ્રદેશમાં રહેશે

05 October, 2026 10:59 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જોકે કામ માટે મુંબઈ અવરજવર ચાલુ રાખશે

આદિત્ય ધર અને યામી ગૌતમની ફાઇલ તસવીર

બૉલીવુડના ‘ધુરંધર’ ફિલ્મમેકર આદિત્ય ધર અને તેની અભિનેત્રી-પત્ની યામી ગૌતમે પોતાનો પર્મનન્ટ બેઝ હિમાચલ પ્રદેશ ખાતે શિફ્ટ કરી લીધો  હોવાના અહેવાલો સામે આવ્યા છે. બૉલીવુડના ગ્લૅમર અને લાઇમલાઇટની દુનિયામાં સક્રિય હોવા છતાં પોતાની અંગત જિંદગીને ખાનગી રાખતું આ જાણીતું કપલ હવે માત્ર કામના સમયે જ મુંબઈ અવરજવર કરશે.

શો-બિઝનેસમાં પાવર કપલ ગણાતાં આદિત્ય અને યામી ફિલ્મોના શૂટિંગ કે પ્રમોશનલ કાર્યક્રમો સિવાય આમ પણ જાહેરમાં ઓછાં દેખાય છે. છેલ્લે તાજેતરમાં ગુજરાતના એકતા નગર ખાતે આયોજિત નૅશનલ ફિલ્મ અવૉર્ડ્‌સ સમારોહમાં બન્ને સાથે જોવા મળ્યાં હતાં, જ્યાં ફિલ્મ ‘આર્ટિકલ 370’ માટે આદિત્યને પ્રોડ્યુસર તરીકે અને યામીને મુખ્ય અભિનેત્રી તરીકે રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

હિમાચલ સાથે જૂનો નાતો

યામી ગૌતમ મૂળ હિમાચલ પ્રદેશની છે અને મંડી જિલ્લાના ગોહર સાથે તેનો વિશેષ લગાવ રહ્યો છે. લગ્ન પહેલાં જ યામીએ ગોહરમાં ૧૦૦ વર્ષ જૂનું એક હેરિટેજ ઘર અને ૨૫ એકર જમીન ખરીદી હતી. જૂન ૨૦૨૧માં બન્નેએ આ જ સ્થળે સાદગીપૂર્ણ રીતે લગ્ન કર્યાં હતાં. આ પહાડી ઘરમાં ઑર્ગેનિક કિચન ગાર્ડન છે જ્યાં હિમાચલનાં પ્રખ્યાત સફરજન, બટાટા, પ્લમ અને આદુંની ખેતી કરવામાં આવે છે. આ વિસ્તારની કુદરતી શાંતિ અને શુદ્ધ હવામાન બન્નેને ખૂબ પસંદ છે.

પુત્રની પ્રાઇવસી સાચવવા

મે ૨૦૨૪માં આ દંપતીના ઘરે પુત્રનો જન્મ થયો હતો, જેનું નામ તેમણે વેદાવિદ રાખ્યું છે. બૉલીવુડના પાપારાઝી કલ્ચરથી દૂર રહીને તેઓ પોતાના બાળકને પણ પ્રાઇવેટ લાઇફ આપવા માગે છે. સોશ્યલ મીડિયા પર ફોટો શૅર કરતી વખતે પણ યામીએ બાળકના ચહેરાને કૅમેરાથી દૂર જ રાખ્યો હતો. મુંબઈના ખાર-વેસ્ટમાં ભાડે રહેતું આ કપલ હવે પોતાના કામ પૂરતું જ મુંબઈમાં રોકાશે અને બાકીનો સમય હિમાચલ ખાતેના હેરિટેજ ઘરમાં વિતાવશે.

aditya dhar yami gautam mumbai himachal pradesh entertainment news bollywood bollywood news