હંસિકા મોટવાણી લગ્નનાં અઢી વર્ષમાં લેશે ડિવૉર્સ?

22 July, 2025 07:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૨૨ની ૪ ડિસેમ્બરે બિઝનેસમૅન સોહેલ સાથે લગ્ન કર્યાં હતાં

હંસિકા અને તેનો પતિ સોહેલ કથુરિયા

સાઉથ અને બૉલીવુડની સ્ટાર હંસિકા મોટવાણીના અંગત જીવનને લઈને ચર્ચા છે કે તેના લગ્નજીવન પર સંકટનાં વાદળો ઘેરાઈ રહ્યાં છે. મળતી માહિતી પ્રમાણે હંસિકા અને તેનો પતિ સોહેલ કથુરિયા લગ્નનાં બે વર્ષ પછી અલગ રહે છે. ટૂંક સમયમાં તેમના ડિવૉર્સ થઈ શકે છે.

હંસિકા અને સોહેલે ૨૦૨૨ની ચોથી ડિસેમ્બરે જયપુરમાં ભવ્ય લગ્ન કર્યાં હતાં. આ લગ્ન સિંધી રીત-રિવાજો અનુસાર થયાં હતાં અને એમાં નજીકના મિત્રો અને પરિવારજનો હાજર રહ્યા હતા. લગ્ન પહેલાં હંસિકા અને સોહેલ લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. સોહેલે પૅરિસમાં આઇફલ ટાવરની સામે હંસિકાને પ્રપોઝ કર્યું હતું જેની તસવીરો હંસિકાએ સોશ્યલ મીડિયા પર શૅર કરી હતી. આ પછી તેમનાં લગ્નના કાર્યક્રમોનું પ્રસારણ OTT પ્લૅટફૉર્મ ડિઝની પ્લસ હૉટસ્ટાર પર ‘લવ શાદી ડ્રામા’ નામની સિરીઝમાં થયું હતું જે ૨૦૨૩ની ૧૦ ફેબ્રુઆરીએ રિલીઝ થઈ હતી. સોહેલનાં હંસિકા સાથે આ બીજાં લગ્ન હતાં. તેણે એ પહેલાં ૨૦૧૬માં હંસિકાની જ મિત્ર રિન્કી સાથે લગ્ન કર્યાં હતાં અને એ લગ્નમાં પણ હંસિકા હાજર રહી હતી.              

હવે રિપોર્ટ છે કે લગ્નના થોડા સમય સુધી સોહેલ અને હંસિકા સાથે રહ્યાં હતાં, પણ પછી તેમની વચ્ચે સમસ્યા સર્જાતાં હંસિકા તેનાં માતા-પિતા સાથે રહે છે, જ્યારે સોહેલ તેનાં માતા-પિતા સાથે રહે છે. બન્ને એક જ બિલ્ડિંગમાં રહે છે, પણ સાથે નથી રહેતાં. લાંબા સમયથી આવી જ પરિસ્થિતિ છે જેના કારણે હવે તેઓ ટૂંક સમયમાં ડિવૉર્સ લેવાનાં છે એવી ચર્ચાએ વેગ પકડ્યો છે. જોકે આ ચર્ચા વિશે સોહેલ કે પછી હંસિકા બન્નેમાંથી કોઈએ કોઈ પ્રકારની સત્તાવાર જાહેરાત નથી કરી. 

hansika motwani bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news